
નાનાપોઢા તાલુકાના વાજવડમાં 15થી 21 માર્ચ સુધી શ્રીમદ્ ભાગવત કથાનો ધાર્મિક મહોત્સવ યોજાશે

વલસાડ જિલ્લાના નાનાપોઢા તાલુકાના વાજવડ ગામે ભવાની માતા મંદિરે ધાર્મિક ભાવના અને આધ્યાત્મિકતા પ્રસરાવવા માટે શ્રીમદ્ ભાગવત કથાની વિશાળ પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો અને ગામજનો ઉત્સાહભેર જોડાયા હતા. પોથી યાત્રા બાદ દીપ પ્રગટ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, પ્રકાશભાઈ પટેલ તેમજ ભક્તમંડળ દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો.

વાજવડ ગામના ભક્તમંડળ અને સત્સંગીઓના સંયુક્ત પ્રયાસોથી આ ધાર્મિક મહોત્સવ 15 માર્ચથી 21 માર્ચ 2025 સુધી યોજાશે. આ પ્રસંગે વિખ્યાત કથાકાર પ.પૂ. સંતશ્રી વિજય બાપુ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના જીવનપ્રસંગો, ધર્મ અને ભક્તિના તત્વો પર આધારિત શ્રીમદ્ ભાગવત કથાનું પાવન વચનામૃત ભક્તોને સંભળાવવામાં આવશે.
કથાના માધ્યમથી ભક્તોને આધ્યાત્મિક જીવનના મૂલ્યો, સદાચાર અને સંસ્કારો અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આયોજકોના જણાવ્યા મુજબ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં ધાર્મિક ચેતના ફેલાવવાનો અને નવી પેઢીમાં સારા સંસ્કારોનો સંદેશ પહોંચાડવાનો છે.
આ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ભજન-કીર્તન, પૂજા-અર્ચના અને ધાર્મિક પ્રવચનોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેના કારણે સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠશે. ભક્તો માટે બેસવાની વ્યવસ્થા સહિત જરૂરી સુવિધાઓ પણ કરવામાં આવી રહી છે.
ગામના આગેવાનો દ્વારા સમગ્ર વિસ્તારના ભક્તોને પરિવાર સાથે ઉપસ્થિત રહી શ્રીમદ્ ભાગવત કથાનો લાભ લેવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.














