ચૈત્ર નવરાત્રી નિમિત્તે નવચંડી યજ્ઞ, દેવીભાગવત કથા અને મહા આરતીનું આયોજન
ખેરગામ નજીક આવેલા જગદંબાધામ ખાતે હિન્દૂ નવું વર્ષ અને ચૈત્ર માસની એકમથી શરૂ થતા પવિત્ર નવરાત્રી અનુષ્ઠાનની ભવ્ય શરૂઆત થઈ છે. આ પ્રસંગે માઁ જગદંબાનું આગમન થતાં સમગ્ર ધામમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. માતાજીનું ભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ આયોજન કથાકાર પ્રફુલભાઈ શુક્લના નિવાસ્થાને આવેલા “જગદંબાધામ” ખાતે કરવામાં આવ્યું છે. માતાજીના આગમન પ્રસંગે રેખાબેન પ્રફુલભાઈ શુક્લ દ્વારા વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આરતી-પૂજા કરીને પ્રસાદ અને નૈવેદ્ય અર્પણ કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં ધાર્મિક શ્રદ્ધા અને ભાવનાનો અનોખો સંયોગ જોવા મળ્યો હતો.
કથાકાર પ્રફુલભાઈ શુક્લે માહિતી આપતા જણાવ્યું હતું કે બંગાળી પરંપરા અનુસાર માતાજીની મૂર્તિ સ્થાપના, જવારા વાવણી અને ઘટસ્થાપનનો વિધિ 19મી તારીખે ગુરુવારે સવારે કરવામાં આવશે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ દેવીભાગવતની 890મી કથા યોજાશે. દરરોજ બપોરે 108 દીવડાની મહા આરતી પણ ઉતારવામાં આવશે, જે ભક્તોને આધ્યાત્મિક અનુભૂતિ કરાવશે.
આ ધાર્મિક આયોજનમાં મૂર્તિદાતા અને મુખ્ય યજમાન તરીકે કૌશિકભાઈ નાનુંભાઈ ટંડેલ (ભાગડાવડા) તથા નૈવેદ્ય અને શણગારના દાતા તરીકે રમીલાબેન બાબુભાઈ પટેલ (મોટી સરોણ) દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું છે. આયોજકો દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
પ્રસંગ દરમિયાન આચાર્ય કિશનભાઈ દવે દ્વારા વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ વધુ પવિત્ર બન્યું હતું. તેમજ મુકેશભાઈ પટેલ (સોમનાથ) અને પ્રતિકભાઈ પટેલ (આછવણી) દ્વારા વ્યવસ્થાનું સુચારૂ આયોજન કરવામાં આવ્યું હતું.
આ નવરાત્રી અનુષ્ઠાનમાં દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં માઈભક્તો ઉપસ્થિત રહીને ધાર્મિક લાભ લેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. દેવીભાગવત કથાનું દીપ પ્રાગટ્ય આછવણી પ્રગટેશ્વરધામના ધર્માચાર્ય પૂજ્ય પરભુદાદા અને યુવાકથાકાર કશ્યપભાઈ જાનીના હસ્તે કરવામાં આવશે.
“જગદંબાધામ” તરફથી તમામ ભક્તોને આ પાવન પ્રસંગે હાજરી આપવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.






