
- મંદિરોમાં લાખો ખર્ચ, પરંતુ ગરીબો, શિક્ષણ અને સેવાકાર્યો પ્રત્યે ઉદાસીનતા
કળયુગમાં માનવ જીવનની મૂલ્યો અને પ્રાથમિકતાઓ બદલાઈ રહી છે તેવું લાગી રહ્યું છે. આજના સમયમાં લોકો પોતાને ધાર્મિક બતાવવા માટે મોટા મોટા મંદિરો બાંધવામાં અને તેમાં લાખો રૂપિયા ખર્ચવામાં આગળ વધી રહ્યા છે, પરંતુ એ જ સમાજમાં અનેક પરિવારો મૂળભૂત જરૂરિયાતો માટે સંઘર્ષ કરી રહ્યા છે.
ગામડાઓમાં હવે એક જ વિસ્તારમાં 3 થી 4 મંદિરો જોવા મળે છે. દર વર્ષે તેમાં પૂજા, યજ્ઞ, મહોત્સવો અને અન્ય ધાર્મિક કાર્યક્રમો માટે લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે. લોકોમાં ધાર્મિકતા બતાવવાની હોડ ચાલી રહી છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું આ જ સાચી ધાર્મિકતા છે?
બીજી તરફ જોવામાં આવે તો ગામમાં શિક્ષણ માટે યોગ્ય સુવિધાઓનો અભાવ છે. ઘણા ગામોમાં સારી શાળાઓ નથી, લાયબ્રેરી જેવી સુવિધાઓ તો દૂરની વાત છે. વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને વાંચન માટે જરૂરી સાધનો મળતા નથી. ગરીબ પરિવારોના બાળકો માટે નોટબુક, પુસ્તકો ખરીદવી પણ મુશ્કેલ બની જાય છે.
આજના સમયમાં પણ ઘણા એવા પરિવારો છે જે બે ટંકનું ભોજન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. કેટલાક લોકો પાસે પૂરતા કપડાં નથી, શિયાળામાં ધાબળા નથી, અને જીવન જીવવા માટેની મૂળભૂત જરૂરિયાતો અધૂરી છે. આ પરિસ્થિતિમાં સમાજના સંસાધનોનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ તે જરૂરી બની જાય છે.
વિચાર કરવા જેવી એક બીજી બાબત એ છે કે ધર્મના નામે ક્રિકેટ ટુર્નામેન્ટ કે મોટા કાર્યક્રમોમાં હજારોની સંખ્યામાં યુવાનો ભેગા થાય છે. પરંતુ જ્યારે ગામમાં રક્તદાન કેમ્પનું આયોજન થાય છે, ત્યારે એ જ યુવાનો કેમ આગળ આવતાં નથી? શું સેવા અને માનવતાથી મોટું કોઈ ધર્મ હોઈ શકે?
એ જ રીતે પ્રશ્ન થાય છે કે ગામમાં લાયબ્રેરી કેમ નથી બનતી? જરૂરિયાતમંદ લોકો માટે સહાયતા કેમ નથી કરવામાં આવતી? જો સમાજમાં એકતા અને સંકલ્પ હોય, તો આ બધું શક્ય છે. માત્ર દેખાવ માટે ખર્ચ કરવા કરતાં જો આ શક્તિઓને સમાજસેવામાં વાપરવામાં આવે, તો ગામનો વિકાસ ઝડપી બની શકે.
ધર્મનો સાચો અર્થ માનવ સેવા અને કરુણામાં છે. જો લાખો રૂપિયા મંદિર બાંધવામાં ખર્ચવા કરતાં તે પૈસા ગરીબોની મદદમાં, શિક્ષણમાં અને સેવાકાર્યોમાં વાપરવામાં આવે તો તે વધુ અર્થપૂર્ણ બની શકે. એક સારા સમાજ માટે જરૂરી છે કે આપણે ધાર્મિક દેખાવ કરતાં માનવતા અને સેવા પર વધુ ધ્યાન આપીએ.
આથી પ્રશ્ન ઉદ્ભવે છે કે શું ગામમાં માત્ર ધાર્મિકતા દર્શાવવા માટે લાખો રૂપિયા ખર્ચવા યોગ્ય છે? કે પછી આ સંસાધનોને સમાજના નબળા વર્ગોની મદદ અને ભવિષ્યના વિકાસ માટે વાપરવા જોઈએ? સમય આવી ગયો છે કે આપણે આ વિષય પર ગંભીરતાથી વિચારીએ અને સાચી માનવતાને ફરી જીવંત બનાવીએ.






