
ધરમપુર તાલુકાના ખારવેલ ગામ ખાતે આવેલી પીએમશ્રી પ્રાથમિક શાળામાં વાર્ષિક મહોત્સવ તથા ઇનામ વિતરણ સમારંભ ‘રંગોત્સવ–૨૦૨૬’ ઉત્સાહભેર યોજાયો હતો. સમગ્ર ગામમાં શૈક્ષણિક અને સાંસ્કૃતિક વાતાવરણ સર્જતું આ આયોજન વિદ્યાર્થીઓ, વાલીશ્રીઓ અને ગ્રામજનો માટે યાદગાર બની રહ્યું હતું.
કાર્યક્રમનું આયોજન ધરમપુર તાલુકાની આ પીએમશ્રી પ્રાથમિક શાળાના પરિસરમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રમુખ તરીકે વાપીના જાણીતા યુવા ઉદ્યોગપતિ પાર્થિવ મહેતા હાજર રહ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે પ્રખ્યાત ભાગવત કથાકાર શરદભાઈ વ્યાસ તેમજ જાણીતા પેથોલોજીસ્ટ અને સામાજિક કાર્યકર ડૉ. હેમંતભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત વલસાડ જિલ્લા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ અજીતસિંહ ઠાકોર, જિલ્લા મુખ્ય શિક્ષક (HTAT) સંઘના પ્રમુખ અજયસિંહ ઠાકોર તેમજ ધરમપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કેતનભાઈ પટેલ સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ અને સંઘના પ્રતિનિધિઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ગામના સરપંચ રાજેશભાઈ પટેલ તથા તાલુકા પંચાયતના સભ્ય રેખાબેન રાજેશભાઈ પટેલ સમગ્ર કાર્યક્રમ દરમિયાન હાજર રહી વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
રંગોત્સવ–૨૦૨૬ કાર્યક્રમની ખાસિયત એ રહી કે શૈક્ષણિક વર્ષ ૨૦૨૫–૨૬ દરમિયાન અભ્યાસ, રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને અન્ય વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા લગભગ ૨૫ જેટલી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તેમાં લોકનૃત્ય, દેશભક્તિ ગીતો, નાટિકા, સંસ્કૃતિ દર્શાવતા કાર્યક્રમો તથા નયનરમ્ય અને કર્ણપ્રિય પ્રસ્તુતિઓએ હાજર રહેલા તમામ મહેમાનો અને વાલીશ્રીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વિદ્યાર્થીઓની પ્રતિભા અને આત્મવિશ્વાસ જોઈ મહેમાનો દ્વારા તેમનું ખાસ વખાણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પીએમશ્રી પ્રાથમિક શાળા ખારવેલમાં ચાલી રહેલી વિવિધ શૈક્ષણિક અને સહપાઠ્ય પ્રવૃત્તિઓની ઝાંખી દર્શાવતું વિશેષ વિડિયો પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું, જેને જોઈ ગ્રામજનોમાં શાળાપ્રતિ ગૌરવની લાગણી જોવા મળી હતી.
કાર્યક્રમમાં એસ.એમ.સી.ના સભ્યો, વાલીશ્રીઓ, ગ્રામજનો તથા તાલુકાની વિવિધ શાળાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય કૌશિકકુમાર એન. પટેલના સક્ષમ નેતૃત્વ અને સમગ્ર સ્ટાફની કાર્યદક્ષતા તથા મહેનતના કારણે આ કાર્યક્રમને અભૂતપૂર્વ સફળતા મળી હતી.
‘રંગોત્સવ–૨૦૨૬’ કાર્યક્રમ ખારવેલ ગામ માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ બની રહ્યો છે, જેમાં સફળ નેતૃત્વ, શિક્ષકોની મહેનત, સક્રિય એસ.એમ.સી. અને ગ્રામજનોની સહભાગીતાથી શિક્ષણ અને સંસ્કારનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો.






