નવસારી જિલ્લાના ખેરગામ તાલુકો ના છેવાડે આવેલા ખટાણા ગામ ખાતે સ્થિત અંબામાતા ધામ માં ચાલી રહેલી યુવા કથાકાર કશ્યપભાઈ જાની ની શ્રીમદ ભાગવત કથામાં આજે ભક્તજનોનો વિશાળ મેહરામણ ઉમટ્યો હતો. ખાસ કરીને આજે વિશ્વવિખ્યાત કથાકાર પ્રફુલભાઈ શુક્લ ની પધરામણી થતાં સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો. કાર્યક્રમ દરમિયાન ભક્તોનો ઉત્સાહ જોવા જેવો હતો અને કથામંડપમાં આધ્યાત્મિકતા તથા ભક્તિનો અનોખો માહોલ છવાઈ ગયો હતો.
ખટાણા ગામમાં ચાલી રહેલી આ ભાગવત કથા માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ સમગ્ર વનવાસી વિસ્તારમાં સનાતન સંસ્કૃતિનું પ્રતીક બની રહી છે. યુવા કથાકાર કશ્યપભાઈ જાની દ્વારા કરવામાં આવતી કથા પ્રત્યે લોકોમાં વિશેષ આકર્ષણ જોવા મળી રહ્યું છે. દરરોજ દૂરદૂરના ગામોમાંથી ભક્તો કથા શ્રવણ માટે ઉમટી રહ્યા છે અને સમગ્ર વિસ્તાર ભક્તિ અને આધ્યાત્મિક ભાવનાથી તરબોળ થઈ રહ્યો છે.
આજે જ્યારે પ્રફુલભાઈ શુક્લની પધરામણી થઈ ત્યારે આયોજકો દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભક્તોએ “જય શ્રીકૃષ્ણ”ના જયઘોષ સાથે તેમનું સ્વાગત કર્યું હતું. કથામંડપમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતા પ્રફુલભાઈ શુક્લએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિનું સાચું અને સજીવ દર્શન વનવાસી વિસ્તારોમાં થાય છે. અહીંના લોકોમાં ભક્તિ, સંસ્કાર અને પરંપરા હજુ પણ જીવંત છે, જે આજના યુગમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે યુવા પેઢીમાંથી કશ્યપભાઈ જાની જેવા કથાકારો આગળ આવી રહ્યા છે તે સમગ્ર સમાજ માટે ગૌરવની વાત છે. કશ્યપભાઈ જાનીની ભાગવત કથાના માધ્યમથી સનાતન ધર્મનો ધ્વજ આ વિસ્તારમાં લહેરાઈ રહ્યો છે. તેમણે યુવા કથાકારને આશીર્વાદ આપતાં કહ્યું કે આવનારા સમયમાં તેઓ વધુ મોટી સેવાઓ કરશે અને સમાજને સારા માર્ગ પર દોરી જશે.
આ પ્રસંગે ગામના વડીલો અને ભક્તોએ એક ખાસ વાતનો ઉલ્લેખ કર્યો હતો. જણાવવામાં આવ્યું હતું કે લગભગ ૩૮ વર્ષ પહેલાં આ જ વિસ્તારમાં પ્રફુલભાઈ શુક્લની ભાગવત કથા યોજાઈ હતી. તે સમયના રાજપુરી તલાટ કાંતિભાઈ પટેલ દ્વારા તે કથા આયોજિત કરવામાં આવી હતી. ૩૮ વર્ષ બાદ ફરી એકવાર પ્રફુલભાઈ શુક્લ આ વિસ્તારમાં પધાર્યા હોવાથી લોકોમાં ખૂબ જ હર્ષ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. વડીલો માટે આ ક્ષણ યાદગાર બની રહી હતી.
કાર્યક્રમ દરમિયાન ધાર્મિક રીતરિવાજો અનુસાર મંત્રોચ્ચાર પણ કરવામાં આવ્યો હતો. કથાકાર કિશનભાઈ દવે અને હર્ષ જાની દ્વારા વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. મંત્રોચ્ચાર દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને ઉપસ્થિત ભક્તોએ શ્રદ્ધાભાવથી કથા શ્રવણ કર્યું હતું.
આ ભાગવત કથાનો કાર્યક્રમ ખટાણા ગામના ગવરીફળીયા જલારામ યુવક મંડળ દ્વારા ભવ્ય રીતે આયોજિત કરવામાં આવ્યો છે. યુવક મંડળના સભ્યો છેલ્લા ઘણા દિવસોથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. કથામંડપની સજાવટથી લઈને ભોજન પ્રસાદની વ્યવસ્થા સુધી તમામ કામોમાં યુવાઓની ઉત્સાહભરી ભાગીદારી જોવા મળી રહી છે.
આ કાર્યક્રમમાં માત્ર ખટાણા ગામ જ નહીં પરંતુ આસપાસના રાજપુરી, વિરવલ, પાટી, વડપાડા, નાની ઢોલ ડુંગરી, કરંજવેરી અને તોરણવેરા જેવા અનેક ગામોના લોકો મોટી સંખ્યામાં હાજરી આપી રહ્યા છે. દરરોજ સવારથી જ ભક્તો કથામંડપ તરફ આવતા જોવા મળે છે અને સાંજ સુધી કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે. ખાસ કરીને મહિલાઓ અને વડીલોની મોટી હાજરી જોવા મળી રહી છે.
આ ભાગવત કથાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ એટલે દરરોજ ભોજન પ્રસાદની વ્યવસ્થા. આયોજકો દ્વારા હજારો ભક્તોને પ્રેમપૂર્વક ભોજન પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. ગામના લોકો પણ પોતાની રીતે સહયોગ આપી રહ્યા છે. કોઈ દાળ-ચોખા આપી રહ્યું છે તો કોઈ શાકભાજી આપી રહ્યું છે. આ રીતે સમગ્ર ગામ અને આસપાસના ગામો મળીને આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છે.
પ્રફુલભાઈ શુક્લે પોતાના સંબોધનમાં વધુમાં જણાવ્યું હતું કે આવી ધાર્મિક કથાઓ માત્ર ભક્તિ માટે જ નથી, પરંતુ સમાજને એકસાથે લાવવાનું પણ કામ કરે છે. આજે યુવાનો મોબાઇલ અને આધુનિક જીવનમાં વ્યસ્ત થઈ રહ્યા છે, ત્યારે આવી કથાઓ તેમને સંસ્કાર અને સદાચાર તરફ દોરી શકે છે. તેમણે ભક્તોને સંદેશ આપ્યો કે સનાતન સંસ્કૃતિને જીવંત રાખવા માટે દરેક વ્યક્તિએ ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવો જોઈએ.
કશ્યપભાઈ જાનીની કથામાં આજે ભક્તોનો ઉમટેલો મેહરામણ એ વાતનો પુરાવો છે કે લોકો આજે પણ ધાર્મિક કાર્યક્રમો પ્રત્યે ખૂબ જ આસ્થા ધરાવે છે. ખાસ કરીને યુવા કથાકાર દ્વારા કરવામાં આવતી કથા પ્રત્યે લોકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગામના વડીલોનું કહેવું છે કે આવનારા સમયમાં કશ્યપભાઈ જાની એક જાણીતા કથાકાર તરીકે ઉભરી આવશે.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તોએ કથાનો આનંદ માણ્યો અને અંતમાં ભક્તોના આગ્રહને માન આપીને રાસ-ગરબા પણ રમાવવામાં આવ્યા હતા. ભક્તોએ ભક્તિગીતો પર ગરબા રમતા સમગ્ર વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું હતું. ખાસ કરીને મહિલાઓ અને યુવતીઓએ ભક્તિભાવથી ગરબા રમ્યા હતા.
ખટાણા ગામમાં ચાલી રહેલી આ ભાગવત કથા માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં પરંતુ સમગ્ર વિસ્તારમાં આધ્યાત્મિક જાગૃતિ લાવવાનો પ્રયાસ બની રહી છે. યુવા કથાકાર કશ્યપભાઈ જાનીના પ્રયાસો અને પ્રફુલભાઈ શુક્લના આશીર્વાદથી આ કાર્યક્રમ વધુ સફળ બન્યો છે. આગામી દિવસોમાં પણ મોટી સંખ્યામાં ભક્તો કથા શ્રવણ માટે ઉમટે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કશ્યપભાઈ જાનીની ભાગવત કથામાં માનવ મેહરામણ ઉમટ્યો, પ્રફુલભાઈ શુક્લએ આપ્યો આશીર્વાદ !






