વલસાડ ખાતે કચ્છી ભાનુશાલી સમાજના શ્રી ઓધવ ભવનનું લોકાર્પણ – મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા

On: March 22, 2026 12:11 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ : ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વલસાડ ખાતે કચ્છી ભાનુશાલી સમાજના નવનિર્મિત મલ્ટી સ્પેશિયાલિટી હોલ “શ્રી ઓધવ ભવન”નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ વલસાડ દ્વારા આયોજિત સદગુરુ ભગવાનશ્રી વાલરામ પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવમાં પણ મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિતિ આપી સમાજને સંબોધન કર્યું હતું. કાર્યક્રમમાં ભાનુશાલી સમાજના આગેવાનો, દાતાશ્રીઓ અને મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા.

લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના સર્વાંગી વિકાસ માટે “વિકાસ ભી, વિરાસત ભી”નો મંત્ર આપ્યો છે. આર્થિક પ્રગતિની સાથે સમાજના તમામ વર્ગોના કલ્યાણ તથા સામાજિક સમરસતા સાથેનો વિકાસ એ સરકારની મુખ્ય પ્રાથમિકતા છે. તેમણે જણાવ્યું હતું કે ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે દરેક સમાજ અને દરેક વ્યક્તિએ પોતાનું યોગદાન આપવું જરૂરી છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કચ્છી ભાનુશાલી સમાજે પોતાની પ્રાચીન દાન પરંપરાને આજે પણ જીવંત રાખી છે.

સમાજના દાતાઓએ સમાજના હિત માટે શ્રી ઓધવ ભવનનું નિર્માણ કરીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ભવનના નિર્માણથી સમાજના લોકોને આધુનિક સુવિધાઓ હવે ઘરઆંગણે ઉપલબ્ધ બનશે. લગ્ન, ધાર્મિક પ્રસંગો, સામાજિક કાર્યક્રમો તથા વિવિધ પ્રવૃત્તિઓ માટે આ મલ્ટી સ્પેશિયાલિટી હોલ સમાજ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ભગવાનશ્રી વાલરામજીની ૧૦૦મી જન્મજયંતિએ તેમની દિવ્ય ચેતનાને વંદન કરતાં જણાવ્યું હતું કે, ભાગવત કથા જ્ઞાનયજ્ઞમાં સામેલ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે માટે હું મારી જાતને ધન્ય માનું છું. પૂજ્ય સંતશ્રી હરિદાસ મહારાજની પ્રેરણાથી આપણાં દેશમાં ગુપ્તદાનની અનોખી પરંપરા છે. દાન એવું હોવું જોઈએ કે એક હાથથી આપીએ તો બીજા હાથને ખબર પણ ના પડે. ભાનુશાલી સમાજે આ પરંપરાને સાર્થક બનાવી છે.

તેમણે ઉમેર્યું હતું કે ભગવાન ઓધવરામજી મહારાજનું જીવન સમાજસેવા માટે સમર્પણનું જ્વલંત ઉદાહરણ છે. સમાજના શિક્ષણ, સંસ્કાર અને આધ્યાત્મિક વિકાસ માટે તેમણે અનેક પ્રયત્નો કર્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળ ગીતાજી પ્રબોધ, અંધજન ગુરુકુલ, સંગીત શાળાઓ અને ખેતીમાં આધુનિકરણ જેવી પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી હતી. સમાજમાં આધ્યાત્મિકતા અને સેવાભાવના સંસ્કાર પ્રસ્થાપિત કરવામાં તેમનું યોગદાન અદ્વિતીય રહ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત માટે નવ સંકલ્પો આપ્યા છે, જેમાં પ્રકૃતિનું સંરક્ષણ, સ્વચ્છતા, પાણી બચાવો, એક પેડ મા કે નામ, કેચ ધ રેઇન, વોકલ ફોર લોકલ, પ્રાકૃતિક ખેતી, આરોગ્યપ્રદ જીવનશૈલી, યોગ અને રમતગમત જીવનનો હિસ્સો બનાવવો જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ સંકલ્પોને સાકાર કરવામાં સમાજની સક્રિય ભાગીદારી ખૂબ જ જરૂરી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાનુશાલી સમાજે સમાજના ઉત્થાન માટે શિક્ષણક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. છાત્રાલયો, પાઠશાળાઓ, કન્યા શિક્ષણ, મંદિરોના નિર્માણ અને ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા સમાજને એક નવી દિશા મળી છે. આજે પણ પૂજ્ય વાલરામજી મહારાજની જ્ઞાન અને ભક્તિની સુવાસ સમાજને પ્રેરણા આપી રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સનાતન સંસ્કૃતિના પ્રચાર માટે કચ્છથી લઈ મુંબઈ સુધી ૧૫થી વધુ ઓધવ મંદિરો બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ મંદિરો માત્ર ધાર્મિક કેન્દ્રો નહીં પરંતુ શિક્ષણ અને આરોગ્ય જેવી સેવાકીય પ્રવૃત્તિઓ માટે પણ કેન્દ્ર બની રહેશે. સમાજના યુવાનો આ સંકલ્પ સાથે જોડાય અને સમાજના વિકાસમાં યોગદાન આપે તે જરૂરી છે.

કાર્યક્રમમાં રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ અને વલસાડના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલ, લોકસભા સાંસદશ્રી ધવલભાઈ પટેલ, ધારાસભ્યો સર્વેશ્રી ભરતભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ અને જીતુભાઈ ચૌધરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત વલસાડ જિલ્લા કલેક્ટરશ્રી ભવ્ય વર્મા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત તથા પોલીસ અધિક્ષકશ્રી યુવરાજસિંહ જાડેજા સહિત જિલ્લા પ્રશાસનના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ વલસાડના પ્રમુખશ્રી કાંતિભાઈ ભદ્રા તથા ટ્રસ્ટના સભ્યો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સમાજના દાતાશ્રીઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમમાં ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ જોવા મળ્યો હતો.

શ્રી ઓધવ ભવનના લોકાર્પણથી ભાનુશાલી સમાજમાં નવી ઊર્જા અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે. સમાજના લોકોનું માનવું છે કે આ ભવન ભવિષ્યમાં સમાજના સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક કાર્યક્રમો માટે એક કેન્દ્રબિંદુ બનશે. મુખ્યમંત્રીશ્રીએ સમાજને શુભેચ્છા પાઠવી અને જણાવ્યું હતું કે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં ભાનુશાલી સમાજનું યોગદાન નોંધપાત્ર રહેશે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

નારવડ ગામે અખાત્રીજ નિમિત્તે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીનું ધાન્યથી ભવ્ય સન્માન !

કપરાડા વિધાનસભા 181માં જીતુભાઈ ચૌધરીના પ્રચારને જબરદસ્ત જનસમર્થન સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી–2026માં ભાજપે રેકોર્ડ બહુમતીનો દાવો, વિકાસ મુદ્દે મતદારો ઉત્સાહિત !

કપરાડા વિધાનસભામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ભાજપનો પ્રચાર તેજ

સુખાલા–નાનાપોઢામાં ભાજપનો જોરદાર પ્રચાર: મમતા બેન પટેલ અને મિતેશભાઈ પટેલને મતદારોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ

મહાકાળી માં જગતમાં કરુણામઈ માઁ છે — પ્રફુલભાઈ શુક્લ

“જીવનમાં આપણું ધારેલું થાય તો તેને પ્રભુની કૃપા સમજવી અને જો ધારેલું ના થાય તો તે પણ પ્રભુની ઈચ્છા માની સ્વીકારી લેવું.” પ્રફુલભાઈ શુક્લ

error: Content is protected !!