કપરાડા વિધાનસભા વિસ્તારમાં રવિવાર તા. 29 માર્ચ 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રસારિત થયેલ ‘મન કી બાત’ કાર્યક્રમના 132મા ભાગનું સામૂહિક નિહાળન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કપરાડા વિધાનસભા ભાજપ મંડળ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, આગેવાનો તેમજ વિવિધ મોરચાના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન કપરાડા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ કાર્યકર્તાઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિકાસ યોજનાઓનો લાભ દરેક ગામ અને દરેક ઘેર પહોંચાડવો એ દરેક કાર્યકર્તાની જવાબદારી છે. તેમણે ખાસ કરીને ગામડાઓમાં રોડ અને બ્રિજના વિકાસ, વીજ કનેક્શન, ખેડૂતો માટે વિવિધ સહાય યોજનાઓ, તેમજ ચેકડેમ અને પાણીની સુવિધાઓ જેવા મુદ્દાઓ પર સરકાર દ્વારા કરવામાં આવેલા કામોની માહિતી આપી હતી. સાથે જ તેમણે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાર્યકર્તાઓને વધુ સક્રિય બનવા અનુરોધ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ‘મન કી બાત’ કાર્યક્રમમાં છેલ્લા 25 વર્ષમાં દેશના વિકાસના વિવિધ ક્ષેત્રોની ચર્ચા કરી હતી અને “ઘર-ઘર વિકાસ”નો સંદેશ આપ્યો હતો. તેમણે સામાન્ય નાગરિક સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે તે માટે સતત પ્રયાસ કરવાની વાત કરી હતી. શિક્ષણ ક્ષેત્રે મળતી સહાય, ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને મેડિકલ અને એન્જિનિયરિંગ અભ્યાસ માટે મળતી વિવિધ સહાય યોજનાઓ અંગે પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓએ વડાપ્રધાનના સંબોધનને ખૂબ ધ્યાનપૂર્વક નિહાળ્યું હતું અને ત્યારબાદ વિકાસ અને જનજાગૃતિના મુદ્દાઓ અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સિલ્વર હોટલ ખાતે ટીફીન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન મતદાર યાદીનું વિશ્લેષણ, નવા મતદારોનો સંપર્ક, જૂના કાર્યકર્તાઓ સાથે ફરીથી સંકલન, તેમજ સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સુધી પહોંચવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ દરેક બૂથ સ્તરે સંગઠન વધુ મજબૂત બનાવવાની પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત બેઠકમાં 370 કલમ, રામ મંદિર અને સમાન નાગરિકતા જેવા રાષ્ટ્રીય મુદ્દાઓ અંગે પણ કાર્યકર્તાઓને સમજ આપવામાં આવી હતી. સ્થાનિક પ્રશ્નો પર પણ ખાસ ધ્યાન આપવાની અને લોકોની સમસ્યાઓનું સમયસર નિરાકરણ લાવવા માટે કાર્યકર્તાઓને સૂચના આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને સંગઠનાત્મક એકતા સ્પષ્ટ રીતે જોવા મળી હતી.
આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી નિખિલભાઈ ચોકસી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા તથા તાલુકા સંગઠનના હોદેદારો, શક્તિ કેન્દ્ર સંયોજકો, બૂથ પ્રમુખો, કપરાડા અને નાનાપોઢા તાલુકાના મોરચાના પ્રમુખ તથા મહામંત્રીઓ સહિત દરેક બૂથના કાર્યકર્તાઓ અને સરપંચોએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ અને સફળ રીતે પૂર્ણ થયો હતો.




કપરાડા વિસ્તારમાં ‘મન કી બાત’ના 132મા ભાગનું સામૂહિક નિહાળન, વિકાસ અને ચૂંટણી તૈયારીઓ પર ભાર






