
ગુજરાત સરકારે, મહેસૂલી સરળીકરણ માટે ‘જમીન મહેસૂલ અધિનિયમ-1879’ની કલમ 135-Dની જોગવાઈમાં મહત્ત્વપૂર્ણ સુધારા કર્યાં છે. જેમાં ખાસ કરીને (1) હવે કાયદેસરના જમીન અથવા મિલકતના વ્યવહારોમાં નાગરિકોને 30 દિવસની નોટિસના સમયગાળાની રાહ જોવામાંથી મુક્તિ મળશે. એવી જ રીતે (2) રેકોર્ડ પર જમીનમાં છેલ્લા એક વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ ફેરફાર નોંધ ન હોય, જમીન પર કોઈ લિટીગેશન કે દાવો પડતર ન હોય અને શાંત કબજો હોય તેમજ 7/12ના રેકોર્ડ પર દેખાતા તમામ હકદારોએ વેચાણ દસ્તાવેજમાં સહી કરી હોય તેવા વ્યવહારોમાં 135-Dની નોટિસ વગર, તે જ દિવસે વેચાણ દસ્તાવેજની નોંધ પાડવામાં આવશે.
આવા કિસ્સાઓમાં 135-Dની નોટિસ બજવવાની પ્રક્રિયા સિવાય સીધી નોંધનો નિર્ણય લેવામાં આવશે અને વેચાણની નોંધ તરત પ્રમાણિત કરીને ‘પાકી એન્ટ્રી’ કરવામાં આવશે.
પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી જમીન કે મિલકતના વેચાણ વ્યવહારોમાં 30 દિવસની ફરજિયાત નોટિસને કારણે સામાન્ય જનતાએ લાંબી રાહ જોવી પડતી હતી. આ સમયગાળાનો ખોટી રીતે ગેરલાભ લેનાર કેટલાક તત્ત્વો ખોટા વાંધા-વચકા ઉઠાવીને વેચનાર કે ખરીદનાર પાસેથી નાણાં પડાવવાનું, બ્લેકમેઈલિંગનું કામ કરતા હતા. સરકારના ધ્યાનમાં આ બાબતો આવતા મુખ્યમંત્રીએ આ જટિલતાને સમજીને ખેડૂતો અને મધ્યમ વર્ગના હિતમાં 135-Dની 30 દિવસની નોટિસની અનિવાર્યતામાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે.
એવી જ રીતે સરકારે જે બીજો સુધારા કર્યો છે. જે મુજબ, હવેથી રેકોર્ડ પર જમીનમાં છેલ્લા એક વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ ફેરફાર નોંધ ન હોય, જમીન પર કોઈ લિટીગેશન કે દાવો પડતર ન હોય અને શાંત કબજો હોય તેમજ 7/12ના રેકોર્ડ પર દેખાતા તમામ હકદારોએ વેચાણ દસ્તાવેજમાં સહી કરી હોય તેવા વ્યવહારોમાં 135-Dની નોટિસ વગર, તે જ દિવસે વેચાણ દસ્તાવેજની નોંધ પાડવામાં આવશે. આવા કિસ્સાઓમાં ૧૩૫Dની નોટિસ બજવવાની પ્રક્રિયા સિવાય સીધી નોંધનો નિર્ણય લેવામાં આવશે અને વેચાણની નોંધ તરત પ્રમાણિત કરીને ‘પાકી એન્ટ્રી’ કરવામાં આવશે. આ ઉપરાંત સક્ષમ અદાલત કે ટ્રિબ્યૂનલ દ્વારા આપવામાં આવેલા હુકમોની નોંધ વખતે પણ હવે 135-Dની નોટિસ બજવવાની રહેશે નહીં અને તેની સીધી જ અમલાવારી કરાશે.
તો 30ને બદલે 7 દિવસની નોટિસ અપાશે
જો એક વર્ષમાં રેકોર્ડમાં કોઈ ફેરફાર થયો હોય, વેચાણ પાવર ઓફ એટર્ની-PoA દ્વારા કરવામાં આવ્યું હોય, 7/12માં દેખાતા તમામ વ્યક્તિઓની દસ્તાવેજમાં સહી ન હોય અથવા કોઈ કેસ પેન્ડિંગ હોય તેવા તપાસની જરૂરિયાતવાળા કિસ્સામાં નોટિસનો સમયગાળો 30 દિવસથી ઘટાડીને માત્ર 7 દિવસ કરવામાં આવ્યો છે. સરકાર માને છે કે, આ 7 દિવસમાં સાચા હકદારો પોતાના આધાર-પુરાવા રજૂ કરી શકશે, જેથી કોઈને અન્યાય થાય નહીં.
આ સુધારો ખેતીની જમીન જ નહીં, દુકાન, ફ્લેટ, રહેણાકના મકાનો માટે પણ લાગુ થશે
આ સુધારો માત્ર ખેતીની જમીન માટે જ નહીં પરંતુ દુકાન, ફ્લેટ અને રહેણાકના મકાનો લેતી સામાન્ય જનતા માટે પણ લાગુ થશે. સીધી લીટીના વારસદારોના વ્યવહારોમાં પણ હવે સરળતા રહેશે. રેવન્યુ કોર્ટમાં મામલતદારથી લઈને SSRD સુધી ચાલતા કેસો, જે માત્ર 135-Dના વાંધાને લીધે વિલંબમાં હતા, તેનો ઝડપથી નિકાલ આવશે.
સરકારના નિર્ણયોથી કોને શું લાભ થશે?
-આ સુધારાઓથી રાજ્યના ખેડૂતો, મિલકત ખરીદનારાઓ અને સામાન્ય જનતાને બિનજરૂરી કાયદાકીય ગૂંચવણ અને વિલંબમાંથી કાયમી મુક્તિ મળશે.
-સીધી લીટીના વારસદારો વચ્ચે થતી તબદીલીમાં પણ હવે બિનજરૂરી હેરાનગતિ બંધ થશેભવિષ્યમાં તકરારી કેસો ખૂબ ઘટશે
-મિલકતના ભાવ વધતા કેટલાક લોકો જૂના બાનાખત-કાચી ચિઠ્ઠીના આધારે ખોટા વાંધા ઉઠાવીને રકમ પડાવતા હતા, તે બ્લેકમેઈલિંગ પણ હવે બંધ થશે.
-મિલકતો ખરીદનાર અને વેચનાર હવે કોઈપણ ડર વગર નિર્ભય થઈને વ્યવહાર કરી શકશે.






