- પાર્લામેન્ટરી બોર્ડની ત્રણ દિવસીય બેઠકથી ઉમેદવારોની યાદી તબક્કાવાર જાહેર થશે

ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ બની છે. આજથી Bharatiya Janata Partyની પાર્લામેન્ટરી બોર્ડની મહત્વપૂર્ણ બેઠક શરૂ થઈ રહી છે, જે સતત ત્રણ દિવસ સુધી ચાલશે. આ બેઠક Bhupendra Patelના નિવાસ સ્થાને યોજાશે, જેમાં ઉમેદવારોની પસંદગી અંગે વિસ્તૃત ચર્ચા થશે.
બેઠક પૂર્ણ થયા બાદ ઉમેદવારોના નામ તબક્કાવાર જાહેર કરવામાં આવશે. પક્ષના સૂત્રો મુજબ આ વખતે ભાજપ નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરશે. અંદાજે 50 ટકાથી વધુ નવા ચહેરાઓને તક આપવામાં આવશે, જે પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ ગણાય છે. સાથે જ આશરે 30 ટકા હાલના સભ્યોને રિપીટ કરવામાં આવશે, જ્યારે 20 ટકા સંપૂર્ણ નવા ઉમેદવારોને પ્રથમવાર તક આપવામાં આવશે.
ભાજપ યુવા અને સક્રિય કાર્યકરોને આગળ લાવવા પર ભાર મૂકી રહી છે, જેથી સ્થાનિક સ્તરે નવી ઉર્જા અને નેતૃત્વ ઉભું થઈ શકે. આ નિર્ણયથી પક્ષમાં આંતરિક સ્પર્ધા વધવાની સાથે રાજકીય સમીકરણોમાં પણ બદલાવ જોવા મળી શકે છે.
ક્યાં કેટલી બેઠકો પર જામશે ચૂંટણી જંગ :
આ વખતે રાજ્યભરમાં કુલ 9,992 બેઠકો માટે ચૂંટણી યોજાશે. જેમાં મહાનગરપાલિકાની 15 સંસ્થાઓની 1,044 બેઠકો, 84 નગરપાલિકાની 2,624 બેઠકો, 34 જિલ્લા પંચાયતની 1,090 બેઠકો અને 260 તાલુકા પંચાયતની 5,234 બેઠકોનો સમાવેશ થાય છે. કેટલાક વિસ્તારોમાં સીમાંકનમાં ફેરફાર પણ કરાયો છે, જે ચૂંટણીને વધુ રસપ્રદ બનાવશે.






