
કોસંબામાં યુવા કથાકાર જયભાઈ જોષીની 100મી ભાગવત કથા ભવ્ય રીતે યોજાઈ રહી છે.
વલસાડ જિલ્લાના કોસંબા ખાતે યુવા કથાકાર જયભાઈ જોષીની 100મી ભાગવત કથા ભવ્ય અને આધ્યાત્મિક માહોલમાં યોજાઈ હતી. નાની ઉંમરમાં જ આટલી મોટી સિદ્ધિ હાંસલ કરનાર જયભાઈને સમગ્ર વિસ્તારમાંથી અભિનંદન મળી રહ્યા છે. આ અવસરે પ્રખ્યાત અને પીઢ કથાકાર પ્રફુલભાઇ શુક્લ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જયભાઈને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે “ખૂબ જ નાની ઉંમરમાં 100 કથાઓ પૂર્ણ કરવી એ બજરંગદાસ બાપાની કૃપા અને સંસ્કારનું ફળ છે.”
કાર્યક્રમ દરમિયાન કૌશિકભાઈ નાનુભાઈ ટંડેલ, પ્રીત જોષી, પંથ જોષી તેમજ પ્રગતિ જોષી સહિતના આગેવાનો દ્વારા મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કથામાં કોસંબા ઉપરાંત અબ્રામા, હિંગરાજ, ભડેલી, પારનેરા, અતુલ, કિલ્લા પારડી, વાપી, ઉદવાડા અને દમણ સહિત સમગ્ર વલસાડ જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. ખાસ કરીને કથાના બીજા જ દિવસે જ મોટી માનવમેદની એકત્રિત થતાં કાર્યક્રમમાં વિશેષ ઉમંગ જોવા મળ્યો હતો.
પ્રફુલભાઇ શુક્લે જયભાઈની કથાશૈલી અને વક્તૃત્વ કૌશલ્યની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે તેમની વાણીમાં આધ્યાત્મિક ઊર્જા અને “નવા ભારત”નું દર્શન થાય છે. તેમણે કહ્યું કે યુવા પેઢી માટે જયભાઈ પ્રેરણાસ્ત્રોત બની શકે છે.
આ સાથે જ પ્રફુલભાઇ શુક્લ શુક્રવારથી કેપ ટાઉન, સાઉથ આફ્રિકામાં તેમની 891મી ભાગવત કથા માટે પ્રસ્થાન કરશે, જેના માટે કૌશિકભાઈ ટંડેલ અને કિલ્લા પારડીના વરિષ્ઠ પત્રકાર અમરતભાઈ પટેલ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
કોસંબામાં ચાલી રહેલી આ ભાગવત કથા સંગીતની મધુર સુરાવલી સાથે ભક્તિમય વાતાવરણ સર્જી રહી છે. કર્મકાંડ આચાર્ય પ્રીતભાઈ જોષી દ્વારા કથાનું સુચારૂ સંચાલન કરવામાં આવી રહ્યું છે, જ્યારે આદર્શ જાની અને આયુષ જાની દ્વારા મીડિયા સેવા આપવામાં આવી રહી છે.
સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહી કથાનો લાભ લઈ રહ્યા છે. જયભાઈ જોષીની ઓજસ્વી અને તેજસ્વી વાણી ભક્તોને આધ્યાત્મિક માર્ગદર્શન આપતી જોવા મળી રહી છે, જેના કારણે કોસંબા વિસ્તાર ભક્તિભાવથી ગૂંજી ઉઠ્યો છે.






