નાનાપોઢા તાલુકાના લવાછા ખાતે દમણગંગા નદીના કિનારે આવેલા પવિત્ર શ્રી રામેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. શ્રાવણ માસના પાવન અવસરે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરે ઉમટી પડ્યા હતા. ભક્તોએ ભગવાન ભોળાનાથને જળાભિષેક, પૂજા-અર્ચના તથા વિવિધ ધાર્મિક વિધિઓ કરી શિવજીના દર્શનનો લાભ લીધો હતો.

શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવની આરાધનાનું વિશેષ મહત્ત્વ હોવાથી મંદિર પરિસરમાં હર હર મહાદેવના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ભક્તોએ ભગવાન ભોળાનાથના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરી પરિવાર તથા સમાજના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે મંગલકામનાઓ કરી હતી.
આ પ્રસંગે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પણ અગ્રણી કાર્યકરો અને આગેવાનો સાથે શ્રી રામેશ્વર મહાદેવ મંદિર, લવાછા ખાતે પહોંચીને ભગવાન ભોળાનાથની ભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. તેમણે મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી સૌના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સર્વાંગી કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે શ્રાવણ માસ ભક્તિ, આસ્થા અને આધ્યાત્મિક ચેતનાનો પવિત્ર સમય છે. ભગવાન શિવની આરાધના થકી સમાજમાં સુખ-શાંતિ અને સદભાવના જળવાઈ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
શ્રાવણના બીજા સોમવારે લવાછાના રામેશ્વર મહાદેવ મંદિરે ઉમટેલા ભક્તો માટે દર્શન અને પૂજા-અર્ચનાની વ્યવસ્થા કરવામાં આવી હતી. દમણગંગા નદીના કિનારે આવેલા આ પ્રાચીન ધાર્મિક સ્થળે સમગ્ર દિવસ દરમિયાન ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ છવાયેલો રહ્યો હતો.
