રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષકથી માંડીને આદિવાસી અને વંચિત બાળકોના શિક્ષણ માટે કાર્ય કરનારા શિક્ષકોને બહુમાન


5 સપ્ટેમ્બર, 2026 : શિક્ષક દિન નિમિત્તે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા શિક્ષકોને બિરદાવવાના હેતુથી વાપીની શ્રી સર્વોદય મંડળ સંચાલિત શ્રી ખંડુભાઈ હરિભાઈ દેસાઈ પુરુષ અધ્યાપન મંદિર ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. સંસ્થાના પ્રિન્સિપાલ ડૉ. કિરણભાઈ પટેલના આયોજન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં સંસ્થામાં તાલીમ મેળવી શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર 11 ભૂતપૂર્વ તાલીમાર્થી શિક્ષકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

સમારોહમાં શિક્ષકોની વિવિધ ક્ષેત્રની સિદ્ધિઓને યાદ કરી તેમના શૈક્ષણિક, સામાજિક અને સેવાકીય પ્રદાનને બિરદાવવામાં આવ્યું હતું. એક તરફ રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ મેળવનારા શિક્ષકો છે તો બીજી તરફ વંચિત બાળકોના શિક્ષણ માટે પોતાનું જીવન સમર્પિત કરનારા શિક્ષકો પણ આ સન્માનના હકદાર બન્યા હતા.
રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મેળવનાર વિરેન્દ્રભાઈ પટેલનું સન્માન
અભ્યાસ વર્ષ 2001-03ના ભૂતપૂર્વ તાલીમાર્થી અને દમણના રીંગણવાડા ડાભેલની સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાના આચાર્ય વિરેન્દ્રભાઈ શાંતિભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે તેમના ઉત્કૃષ્ટ પ્રદાન બદલ વર્ષ 2021માં તેમને રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત 2019માં લાયન્સ ક્લબ દ્વારા બેસ્ટ શિક્ષક એવોર્ડ તથા 2024માં ‘વાવ વિંગ્સ ફોર ડ્રીમ’ એવોર્ડ અને વર્લ્ડ વાઈડ બુક એવોર્ડથી પણ તેઓ સન્માનિત થયા છે.

5 બાળકોની શાળાને 168 સુધી પહોંચાડનાર નિલેશભાઈ
ધરમપુર તાલુકાની મુરદડ પ્રાથમિક શાળાના આચાર્ય નિલેશભાઈ નિકુળિયાએ વંચિત બાળકોના શિક્ષણ માટે અનોખું કાર્ય કર્યું છે. 2002-04ના તાલીમાર્થી રહેલા નિલેશભાઈએ પોતાની કામગીરીથી શાળામાં માત્ર પાંચ બાળકોની સંખ્યા હતી ત્યાંથી તેને 168 સુધી પહોંચાડી છે. એટલું જ નહીં, પોતાની માલિકીની જમીન પર છાત્રાલય શરૂ કરી 120 બાળકોને મફત રહેવા, જમવા અને શિક્ષણની સુવિધા પૂરી પાડવાની સેવા કરી રહ્યા છે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવનાર સુનિલકુમાર ગાંવિત
વડોદરાની PM SHRI N.P. સયાજીગંજ શાળા નં. 52ના HTAT સુનિલકુમાર શીવલભાઈ ગાંવિતનું પણ સન્માન થયું હતું. 2005-07ના તાલીમાર્થી સુનિલકુમારે SEB ગાંધીનગરની પરીક્ષામાં રાજ્યમાં ટોપ-10માં ત્રીજો ક્રમ મેળવ્યો છે. તેમણે TET, CTET તેમજ SPIPA-GPSC પ્રિલિમ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ સફળતાપૂર્વક પાસ કરી છે.
અનુભવી નિવૃત્ત શિક્ષક મણિલાલ વસાવાને બિરદાવ્યા
1988ના ભૂતપૂર્વ તાલીમાર્થી અને ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નિવૃત્ત શિક્ષક મણિલાલ મીઠાભાઈ વસાવાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે માતૃ સંસ્થામાં ગૃહપતિ તરીકે સેવા આપી છે. સ્કાઉટ-ગાઈડમાં માર્ગદર્શક તરીકે કામગીરી ઉપરાંત HSC બોર્ડમાં સરકારી પ્રતિનિધિ તરીકે પાંચ વર્ષ સેવા આપી હતી. પ્રૌઢ શિક્ષણ અને માસ્ટર ટ્રેનર તરીકે પણ તેમણે નોંધપાત્ર કામગીરી કરી છે.
સ્થાનિક બોલીમાં સાહિત્ય અને ફળિયા શિક્ષણમાં યોગદાન
વાંસદા તાલુકાની ઝરી મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્ય પંકજભાઈ પટેલએ શિક્ષણમાં સ્થાનિકતા અને નવીનતાને મહત્વ આપ્યું છે. 1988-90ના તાલીમાર્થી પંકજભાઈએ સ્થાનિક બોલીમાં સાહિત્યનું સર્જન કર્યું છે. સ્ટેટ કક્ષાએ રિસર્ચ પર્સન તરીકે કામગીરી ઉપરાંત ફળિયા શિક્ષણ પ્રકલ્પમાં યોગદાન આપ્યું છે. તેમની કામગીરીથી શાળાએ સતત બે વર્ષથી A+ ગ્રેડ મેળવવામાં સફળતા મેળવી છે.
સંગીત અને સંશોધન સાથે શિક્ષણને નવી દિશા
ધરમપુર તાલુકાની કાનુર બરડા પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ તાલીમાર્થી અને પ્રોફેસર/HTAT ડૉ. કલ્પેશકુમાર રમણભાઈ પોલ પરમારએ શિક્ષણમાં સંગીતનો અસરકારક ઉપયોગ કર્યો છે. બાળકોમાં સંગીતના માધ્યમથી અભ્યાસ પ્રત્યે રસ કેળવવાની સાથે તેમણે 10 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રિસર્ચ પેપર પ્રકાશિત કર્યા છે.
દુર્ગમ વિસ્તારમાં શિક્ષણની જ્યોત પ્રગટાવનાર વિજયભાઈ
કપરાડા તાલુકાની સુથારપાડા પ્રાથમિક શાળાના શિક્ષક વિજયભાઈ સોમાભાઈ વાંકનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. 2008-10ના તાલીમાર્થી વિજયભાઈએ કચ્છ જેવા દુર્ગમ અને વિષમ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા વિસ્તારમાં પ્રથમ નિમણૂક મેળવી ત્યાં બાળકોને શિક્ષણ આપ્યું હતું. વિદ્યાર્થીઓને વિવિધ પ્રાથમિક શિક્ષણલક્ષી પરીક્ષાઓ માટે તૈયાર કરવામાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે.
ICT અને નવી શિક્ષણ પદ્ધતિથી વર્ગખંડને જીવંત બનાવ્યો
વાપીની ચીભડકચ્છ પ્રાથમિક શાળાના શિક્ષક પ્રશાંતસિંહ કિશોરસિંહ પરમારએ મોડેલ પ્રશ્નપત્રો દ્વારા પુનરાવર્તન, પ્રજ્ઞા અભિગમથી વાંચન-લેખન, હરિયાળી શાળા પ્રકલ્પ અને ICTના ઉપયોગથી શિક્ષણને વધુ અસરકારક બનાવ્યું છે. 2006-07ના તાલીમાર્થી રહેલા પ્રશાંતસિંહને તેમની શૈક્ષણિક નવીનતા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપનાર ડૉ. જીતેન્દ્રસિંહ
નવસારીની એસ.બી. ગાર્ડા આર્ટ્સ અને પી.કે. પટેલ કોલેજ ઓફ કોમર્સના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. જીતેન્દ્રસિંહ કિશોરસિંહ પણ સન્માનિત થયા હતા. 2008-10ના તાલીમાર્થી ડૉ. જીતેન્દ્રસિંહે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સુરત રિજનલ ડિરેક્ટર તરીકે સેવાઓ આપી છે. ઉપરાંત સાતથી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં સહભાગી થયા છે.
વિદ્યાર્થી જીવનની સિદ્ધિને શિક્ષણ સેવામાં પરિવર્તિત કરી
કપરાડા તાલુકાની સામરપાડા બૂરવડ પ્રાથમિક શાળાના શિક્ષક સંજય સુભાવ ભોયા પણ સન્માનિત થયા હતા. 2006-08ના તાલીમાર્થી સંજયભાઈએ ધોરણ-10માં DNHમાં ST કેટેગરીમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થવા બદલ રાજ્યપાલના હસ્તે ટ્રોફી અને રોકડ ઇનામ મેળવ્યું હતું. યુવા ક્રાંતિદળ દ્વારા ‘શ્રી રામસ્થ મંગળ મૂર્તિ એવોર્ડ’થી પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા છે.
ડાંગમાં નવાચાર આધારિત શિક્ષણ માટે ધર્મેશભાઈનું યોગદાન
ડાંગ જિલ્લાના સુબિર તાલુકાની મોટી જાડદવ પ્રાથમિક શાળાના શિક્ષક ધર્મેશભાઈ ભાયકુભાઈ ગાંવિતનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. 2010-11ના તાલીમાર્થી ધર્મેશભાઈને પ્રતિભાશાળી શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. શિક્ષણ ક્ષેત્રે નવાચાર એટલે કે Innovationને પ્રોત્સાહન આપી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તેઓ કાર્યરત છે.
આ સન્માન સમારોહમાં એક જ સંસ્થામાં તાલીમ મેળવી વિવિધ વિસ્તારોમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનારા શિક્ષકોની યાત્રાને બિરદાવવામાં આવી હતી. વાપીથી લઈને દમણ, ધરમપુર, કપરાડા, નવસારી, વડોદરા, કચ્છ અને ડાંગ સુધી શિક્ષણની સેવા આપતા આ શિક્ષકોએ બતાવ્યું છે કે એક સારો શિક્ષક માત્ર વર્ગખંડ પૂરતો સીમિત રહેતો નથી, પરંતુ સમાજના ઘડતરનું કાર્ય પણ કરે છે.
શિક્ષક દિને યોજાયેલા આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ તાલીમાર્થીઓની સિદ્ધિઓને યાદ કરી આગામી પેઢીના શિક્ષકો માટે પ્રેરણારૂપ સંદેશ આપવામાં આવ્યો હતો. શિક્ષણમાં ગુણવત્તા, નવાચાર, સંશોધન, સેવાભાવ અને વંચિત બાળકો પ્રત્યેની જવાબદારી—આ તમામ પાસાંને એકસાથે ઉજાગર કરતો આ સન્માન સમારોહ શિક્ષણ જગત માટે પ્રેરણાદાયી બની રહ્યો હતો.









