
કુસુમ ફાઉન્ડેશન દ્વારા શિક્ષક દિને વલસાડમાં શિક્ષણ સાથે સમાજસેવા કરનાર શ્રેષ્ઠ શિક્ષકો અને પૂર દરમિયાન જીવ બચાવનાર ‘માનવતાવીરો’નું સન્માન કરાયું. ધરમપુરની વિદ્યાર્થીની પ્રિયાંશી થોરાટને જાપાન કક્ષાએ INSPIRE-MANAK એવોર્ડ બદલ ચેક અર્પણ કરી સન્માનિત કરાઈ.
શિક્ષણ અને માનવતાની સેવા ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર સેવાભાવી વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી કુસુમ ફાઉન્ડેશન દ્વારા 5 સપ્ટેમ્બરે શિક્ષક દિન નિમિત્તે વલસાડના ધોડિયા સમાજ હોલ ખાતે વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં શિક્ષણ, સમાજસેવા, સાહસ અને માનવતાના ક્ષેત્રે યોગદાન આપનાર વિવિધ પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
સમારોહમાં વલસાડ જિલ્લાના એવા શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેઓ પોતાની શૈક્ષણિક ફરજ ઉપરાંત સમાજસેવામાં પણ સક્રિય રીતે જોડાયેલા છે. વિદ્યાર્થીઓને માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપવાની સાથે સમાજ પ્રત્યેની જવાબદારી, સેવાભાવ અને માનવતાના સંસ્કારોનું સિંચન કરતા શિક્ષકોની કામગીરીને બિરદાવવામાં આવી હતી. શિક્ષક સમાજના ઘડવૈયા હોવાની ભાવનાને ઉજાગર કરતાં તેમના સેવાકાર્યોને સન્માન આપીને અન્ય શિક્ષકો અને યુવાનોને પણ સમાજસેવા માટે પ્રેરણા મળે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

તાજેતરમાં વલસાડ જિલ્લામાં સર્જાયેલી પૂર જેવી કુદરતી આપત્તિ દરમિયાન અનેક લોકોએ પોતાના જીવની પરવા કર્યા વિના પૂરગ્રસ્તોની મદદ કરી હતી. મુશ્કેલ અને જોખમી પરિસ્થિતિ વચ્ચે લોકોના જીવ બચાવવા માટે સાહસપૂર્વક કામગીરી કરનાર આવા સેવાયોદ્ધાઓને કુસુમ ફાઉન્ડેશન દ્વારા ‘માનવતાવીર’ સન્માનથી નવાજવામાં આવ્યા હતા. આપત્તિના સમયે તેમની હિંમત, તત્પરતા અને માનવતાપૂર્ણ કામગીરીને યાદ કરી ફાઉન્ડેશન દ્વારા તેમના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધરમપુર કેળવણી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની પ્રિયાંશી થોરાટનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. પ્રિયાંશીએ જાપાન કક્ષાએ INSPIRE-MANAK એવોર્ડ મેળવી વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તેની પ્રતિભા અને સિદ્ધિને પ્રોત્સાહન આપવા કુસુમ ફાઉન્ડેશન દ્વારા ચેક અર્પણ કરી સન્માનિત કરવામાં આવી હતી. નાની વયે વૈજ્ઞાનિક વિચારસરણી અને સર્જનાત્મકતાના ક્ષેત્રે પ્રાપ્ત કરેલી આ સિદ્ધિને ઉપસ્થિતોએ અભિનંદન પાઠવ્યા હતા.
કુસુમ ફાઉન્ડેશનના આ સન્માન સમારોહનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં શિક્ષણ, સેવા, સાહસ અને માનવતાના કાર્યોને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. સારા કાર્ય કરનાર વ્યક્તિઓને જાહેર સન્માન મળે તો અન્ય લોકો પણ સમાજહિતના કાર્યો કરવા પ્રેરાય તેવી ભાવના સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ફાઉન્ડેશન દ્વારા ‘સેવા એ જ સાચી સાધના’ અને
‘શિક્ષણ એ જ શ્રેષ્ઠ કલ્યાણ’
ના સંકલ્પ સાથે સમાજના વિવિધ વર્ગો માટે સેવાકીય અને પ્રોત્સાહક પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. શિક્ષક દિને યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ સાથે માનવતાની સેવા કરનાર વ્યક્તિઓને એક મંચ પર સન્માન મળતાં સમગ્ર કાર્યક્રમ સેવાભાવ અને પ્રેરણાનું ઉદાહરણ બની રહ્યો હતો.




