News

સુખાલા ગામનો ગૌરવવંતો ઇતિહાસ સચવાશે, આચાર્ય હરેશ પટેલે તૈયાર કર્યો રોડમેપ !

સિનિયર સિટીઝન સાથે વિચારમંથન, ગામના સામાજિક-સાંસ્કૃતિક વારસાને પુસ્તક સ્વરૂપે રજૂ કરવાની દિશામાં પહેલ

Advertisement

વલસાડ જિલ્લાના નાનાપોઢા તાલુકાના સુખાલા ગામનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો ભાવિ પેઢી સુધી પહોંચે તે માટે આગવી પહેલ હાથ ધરવામાં આવી છે. સુખાલા સ્થિત વિજ્ઞાન પ્રયોગ શાળા ખાતે આચાર્ય હરેશ પટેલના નેતૃત્વમાં ગામના ઇતિહાસ લેખન માટે શિક્ષિત સિનિયર સિટીઝન સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં સુખાલા ગામના વિવિધ પાસાઓને આવરી લેતું ઇતિહાસનું પુસ્તક તૈયાર કરવા અંગે વિગતવાર ચર્ચા અને વિચારમંથન કરવામાં આવ્યું હતું.

આચાર્ય હરેશ પટેલે ગામના ઇતિહાસને માત્ર તારીખો અને ઘટનાઓ પૂરતો સીમિત ન રાખીને ગામની સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને આર્થિક સફરને દસ્તાવેજીકરણ કરવાનો રોડમેપ તૈયાર કર્યો છે. આવનારી પેઢીને પોતાના ગામના ગૌરવવંતો વારસો અને પૂર્વજોના સંઘર્ષની જાણકારી મળે તે આ પ્રયાસનો મુખ્ય હેતુ છે.

પ્રસ્તાવિત પુસ્તકમાં ગામના દરેક ફળિયાના નામકરણ પાછળનો ઇતિહાસ, સુખાલા ગામનું નામ કેવી રીતે પડ્યું તેની વિગતો, ધાર્મિક તથા ઐતિહાસિક સ્થળો, ગામના સરપંચોની ઓળખ અને તેમના કાર્યકાળ દરમિયાન થયેલા વિકાસની માહિતીનો સમાવેશ કરવાની યોજના છે. સાથે જ નિવૃત્ત સિનિયર સિટીઝનના જીવનસંઘર્ષ, સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓ અને આગવી પ્રતિભા ધરાવતી સ્ત્રીશક્તિની પ્રેરણાદાયી કામગીરીને પણ સ્થાન આપવામાં આવશે.

ગામના રાજકીય ક્ષેત્રમાં યોગદાન આપનાર વ્યક્તિઓ, રીત-રિવાજોમાં આવેલા બદલાવ માટે પહેલ કરનાર આગેવાનો, આદિવાસી સમાજની પરંપરા અને ઓળખ, શૈક્ષણિક સંસ્થાઓનો પરિચય તેમજ દરેક શાળાના નિવૃત્ત આચાર્યોની કામગીરી પણ પુસ્તકમાં સમાવવાની ચર્ચા થઈ હતી. વર્તમાન યુવા પેઢીના તેજસ્વી તારલાઓની સિદ્ધિઓ સાથે અંગ્રેજ શાસન દરમિયાન વેઠ અને મુશ્કેલીઓનો સામનો કરનાર સ્થાનિક વ્યક્તિઓની ઓળખ પણ ઇતિહાસનો ભાગ બનશે.

આ ઉપરાંત સ્થાનિક સંસ્થાઓ, શ્વેતક્રાંતિ, કૃષિક્રાંતિ, આદિવાસી સમાજના સત્યાગ્રહીઓ, આદિવાસી તહેવારો, પરંપરાગત પોષાક, ઘરેણાં, લગ્નવિધિ, મરણવિધિ અને દિયાડા વિધિ સહિતની સામાજિક પરંપરાઓને પણ દસ્તાવેજીકરણ કરવાનો નિર્ણય લેવાયો હતો. ગામના રોડ-રસ્તા, બસની સુવિધા, ખેતી, પિયતની વ્યવસ્થા, જમીન અને ગ્રામ્ય વિકાસની સફર સહિતના વિષયોનો પણ સમાવેશ કરવામાં આવશે.

બેઠકમાં નિવૃત્ત સિનિયર સિટીઝન ઉત્તમભાઈ સી. પટેલ, રામુભાઈ આર. પટેલ, રામુભાઈ એસ. પટેલ, ધનસુખભાઈ એન. પટેલ, રમેશભાઈ જે. પટેલ અને અરવિંદભાઈ આર. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમના અનુભવો અને સ્મૃતિઓના આધારે ગામના ભૂતકાળની અનેક મહત્વપૂર્ણ વિગતો એકત્રિત કરવાની દિશામાં ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકના અંતે આચાર્ય હરેશ પટેલે ઉપસ્થિત તમામ સિનિયર સિટીઝનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં ફરી બેઠક યોજીને માહિતી એકત્રિત કરવાની પ્રક્રિયાને આગળ વધારવા સહકાર આપવા વિનંતી કરી હતી. સુખાલા ગામના ઇતિહાસને પુસ્તક સ્વરૂપે સાચવવાની આ પહેલ ગ્રામ્ય વારસાના સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *