
By:સંજીવ રાજપૂત જામનગર
એકજ પરિવારની નીકળી અંતિમયાત્રા તો કૃષિમંત્રીએ સંવેદના વ્યક્ત કરી
જામનગર ના સાધના કોલોની ખાતે ગઈ કાલે 3 માળની જર્જરિત ઇમારત ધરાશાયી થતા 3 લોકોના મોત અને 8 લોકો ઘાયલ થયા હતા ત્યારે એકજ પરિવારની અંતિમયાત્રા સાથે નીકળતા જામનગર શહેરમાં ગમગીની છવાઈ હતી અને હૃદય દ્રાવક માહોલ જોવા મળ્યો હતો.
તો બીજી તરફ રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા પણ આ બાબતે દુઃખ સાથે સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી અને શહેરના જર્જરિત મકાનો દૂર કરી લોકોને સલામત આશ્રયસ્થાન મળે તે અંગે તંત્ર સાથે ચર્ચા કરી જરૂરી કાર્યવાહી હાથ ધરાશે તેવું જણાવ્યું હતું. સાધના કોલોની જામનગર ખાતે ધરાશાયી થયેલ ત્રણ માળની બિલ્ડીંગમાં સ્થાનિક તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.અત્યાર સુધીમાં કુલ 8 લોકોને બહાર કાઢી સારવાર માટે શહેરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હિટાચી, જે.સી.બી. સહિતના સાધનોથી ફાયર, પોલીસ, 108, પી.જી.વી.સી.એલ, આરોગ્ય સહિતના વિભાગો બચાવ કામગીરીમાં જોડાયા છે. પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાત હાઉસિંગ બોર્ડના એક પણ અધિકારી આ સ્થળે ડોકિયું કરવા પણ આવ્યા નથી તેઓ ફોન બંધ કરી જાણે પોતે ગુનેગાર હોય તેમ ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું જાણવા મળી રહ્યું છે. જનતા જાણે સવાલ પૂછી રહી છે કે શહેરમાં હજુ આવી કેટલી ઇમારતો છે જેમાં આવનાર સમયમાં અન્ય લોકોનો ભોગ લેવાશે?






