હું ભાજપના દરેક ષડયંત્ર માટે તૈયાર છું, જેલમાં જવા તૈયાર છું, પરંતુ ગુજરાતમાં શાળાઓનું નિર્માણ થતું અટકશે નહીં. ગુજરાતની જનતાએ નક્કી કરી લીધું છે : મનીષ સીસોદીયા

0
183

અમદાવાદ/ગુજરાત

દિલ્હી સરકારના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાજી આજે ગુજરાત પધાર્યા છે. આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ મનીષ સિસોદિયાજીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર મનીષ સિસોદિયાજીએ મીડિયા મિત્રો સાથે વાત કરતા જણાવ્યું કે, હું વારંવાર ગુજરાત આવું છું તો મારી અંદર વધુને વધુ સંકલ્પ પેદા થાય છે કે મારે ગુજરાતની શાળાઓ માટે કામ કરવાનું છે. ગુજરાતના દરેક બાળકો માટે સારામાં સારી શાળાઓ હોવી જોઈએ. ગુજરાતના લોકોને અને ખાસ કરીને બાળકોના વાલીઓને આશા જાગી છે કે દિલ્હીમાં દરેક બાળકો માટે શાનદાર સ્કૂલો છે તો ગુજરાતમાં પણ હોવી જોઈએ અને એ 5 વર્ષમાં થઈ શકે છે.

ભાજપે 27 વર્ષમાં શિક્ષણ મુદ્દે કંઈ નથી કર્યું. આજે ગુજરાતના લોકો શિક્ષણના મુદ્દે વોટ આપવા માટે તૈયાર છે અને એટલા માટે જ ભાજપના લોકો CBI અને ED નો દુરુપયોગ કરીને મને ગુજરાત આવવાથી રોકવા માંગે છે. પરંતુ સચ્ચાઈમાં તાકાત હોય છે અને અંતમાં સચ્ચાઈ જ જીતશે. ભાજપના બધા ષડયંત્રો નાકામ થશે અને ગુજરાતમાં પણ આ વખતે એવી સરકાર બનશે જે અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં ગુજરાતની દરેક સ્કૂલોને શાનદાર બનાવશે અને દરેક બાળકને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપશે.

ભાજપ જે રીતે ED અને CBI નો દુરુપયોગ કરી રહી છે એ વાત કોઈનાથી છૂપી નથી, અને છેલ્લા બે મહિનાથી મારા ઘરમાં રેડ પાડી બધી તપાસ કરી, બેંકના લોકર તપાસ્યા, ગામડે જઈને મારી તપાસ કરી ત્યાં પણ કશું નથી મળ્યું છતાં પણ મને ગિરફતાર કરવાની તૈયારી ચાલી રહી છે, મારા વિરુદ્ધ ખોટા કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે.

એરપોર્ટથી નીકળ્યા બાદ મનીષ સિસોદિયા પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લેવા પહોંચ્યા હતા. પ્રેસ કોન્ફરન્સને સંબોધતા મનીષ સિસોદિયાજીએ કહ્યું કે, હું વાલીઓને મળ્યો છું, હું શાળાઓમાં બાળકોને મળ્યો છું, હું શિક્ષકને મળ્યો છું, હું સામાન્ય જનતાને મળ્યો છું. દરેક જગ્યાએ મને એક જ વાત સાંભળવા મળી છે કે જે રીતે દિલ્હીમાં શાળાઓ સારી થઈ છે તેવી રીતે ગુજરાતમાં પણ શાળાઓને સારી કરવાની જરૂર છે. ગુજરાતમાં શાળાઓની હાલત ઘણી જ ખરાબ છે. વાલીઓએ, શિક્ષકોએ પણ મને કહ્યું છે કે, શાળાની હાલત ઘણી જ ખરાબ છે. જે લોકો પોતાના બાળકોને પ્રાઇવેટ શાળાઓમાં ભણાવે છે તે લોકો એટલા માટે દુઃખી છે કે પ્રાઇવેટ શાળાઓ દર વર્ષે ફીમાં વધારો કરે છે અને જે લોકો પોતાના બાળકોને સરકારી શાળામાં ભણાવે છે તેઓ દુઃખી છે કે સરકારી શાળાઓની હાલત ખૂબ જ ખરાબ છે. મેં દરેક જગ્યાએ લોકોને કહ્યું છે કે જે રીતે દિલ્હીમાં શાળાઓ સારી થઈ ગઈ, દિલ્હીના લોકોએ મોકો આપ્યો અને આજે દિલ્હીની બધી જ શાળાઓ સંપૂર્ણ રીતે સારી થઈ ગઈ છે. તમામ શાળાઓ શાનદાર બની છે, તેવી જ રીતે ગુજરાતની શાળાઓ પણ શાનદાર બની શકે છે.

હું આજે વિનંતી કરવા આવ્યો છું કે ,અરવિંદ કેજરીવાલજીની રાજનીતિને એક મોકો આપો અને 5 વર્ષમાં તમામ શાળાઓ શાનદાર થઈ જશે. પ્રાઇવેટ શાળાઓની ફીમાં વધારો નહીં થાય એની અમે ગેરંટી આપીએ છીએ, જેવી રીતે દિલ્હીમાં તેને વધવા નથી દીધી. દિલ્હી સરકાર એકમાત્ર એવી સરકાર છે જેણે શાળાઓ પાસેથી ચૂકવેલી ફી પરત કરાવી છે. અમારી સરકાર આવી તે પહેલા ફી વધારો હતો. જેને અમે દિલ્હીમાં સરકાર બન્યા પછી અમે તેને પાછી અપાવી. સરકારી શાળાઓ માટે જેટલું ઈન્ફ્રાસ્ટ્રક્ચર કર્યું, સારા પરિણામો આવ્યા, આજે દિલ્હીમાં દરેક બાળક માટે એક શાનદાર શાળા છે.

ગુજરાતમાં દરેક બાળક માટે શાનદાર શાળાની વ્યવસ્થા થઇ શકે છે. અમે તેનો સંપૂર્ણ અભ્યાસ કર્યો છે. અમે ગુજરાતની દરેક શાળાનું મેપિંગ કરાવ્યું છે. પ્રાઇવેટ શાળાની, સરકારી શાળાનું મેપીંગ કરાવ્યું છે. તેનો સંપૂર્ણ પ્લાન બનાવ્યો છે કે, કેવી રીતે કેટલી શાળાઓને કેટલા સમયમાં સારી કરી શકાય અને બીજું શું-શું કરવાની જરૂર છે. આપણે જોયું છે કે ગુજરાતના 44 લાખ બાળકો પ્રાઇવેટ શાળાઓમાં ભણે છે. એ સૌનાં વાલીઓ ફરિયાદ કરે છે કે જો આ પ્રાઇવેટ શાળાઓને લૂંટે છે તો સરકાર બનતાની સાથે જ આ લૂંટને બંધ કરવામાં આવશે. મન મરજીથી કોઈપણ પ્રાઇવેટ શાળા ફી નહીં વધારી શકે.

સરકારનું બજેટ અમે જોયું. સરકાર શિક્ષણ પાછળ ખર્ચ કરતી નથી, શિક્ષકો નથી. વિદ્યા સહાયકની નિમણૂક નથી કરવામાં આવી, TATની પરીક્ષાઓ લેવાઇ નથી. કેજરીવાલજી પહેલા ગેરંટી આપી ચૂક્યા છે કે આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ 1 વર્ષની અંદર અંદર નવેમ્બર સુધીમાં આ તમામ ભરતી પૂર્ણ કરવામાં આવશે. TATની પરીક્ષા લેવામાં આવશે. ડિપાર્ટમેન્ટમાં એક પણ વિદ્યા સહાયકની પોસ્ટની જગ્યા ખાલી રહેશે નહીં.

બીજો એક વિશેષ પ્લાન મનીષ સિસોદિયાજીએ આજે જાહેર કરતા કહ્યું કે, ગુજરાતના તમામ મોટા શહેરોમાં ઘણી બધી પ્રાઇવેટ શાળાઓ છે, સરકારી શાળાઓ પણ છે, પરંતુ સરકારી શાળાઓમાં કોઈ પણ વાલી પોતાનાં બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ થતાં જોઈ શકતા નથી. એટલા માટે આજે હું એ જાહેર કરું છું કે, અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર અને જૂનાગઢ આ આઠ શહેરોમાં દર 4 કિલોમીટરે એક શાનદાર સરકારી શાળાનું નિર્માણ કરવામાં આવશે જે પ્રાઇવેટ શાળા કરતાં પણ વધારે સારી હશે. એક વર્ષની અંદર આ આઠ શહેરોમાં દર 4 કિમીની અંદર એક સરકારી શાળા ઉભી કરવામાં આવશે. અમે આ માટેનો સંપૂર્ણ પ્લાન તૈયાર કરી દીધો છે. અમે હવામાં વાત નથી કરતા, જુમલાઓ નથી આપતા. અમે એક-એક શાળાઓનું મેપિંગ કરાવ્યું છે. હું જવાબદારીપૂર્વક કહું છું કે, અમે આ આઠ શહેરોની દરેક શાળાઓનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. તેનું બજેટ કેવી રીતે આવશે? કેટલું આવશે? તે ક્યાંથી આવશે? અમે ગુજરાતના બજેટનો પણ અભ્યાસ કરાવી લીધો છે.

હું ગુજરાતની જનતાને એકવાર ફરીથી એ જ કહેવા માંગુ છું કે, તમે 27 વર્ષ સુધી ભાજપનું શાસન જોયું પરંતુ તેમણે આજ સુધી શાળાઓ પર કોઈ કામ કર્યું નથી. આજે ગુજરાતની જનતા પાસે એક મોકો છે કે એકવાર આમ આદમી પાર્ટીને એક વખત મોકો આપે. ગામડાં, નાના કસ્બાઓ અને શહેરોમાં પણ એક જ વર્ષમાં એક જ સરખી સરકારી શાળા બનાવવામાં આવશે. અમે એક-એક શહેરની એક-એક શાળાને મેપ કરીને રાખ્યા છે કે,કેટલી શાળાઓમાં કેટલા બાળકો અભ્યાસ કરે છે? શાળાની હાલત શું છે ? રૂમ કેવા છે? અમે તે બધું મેપ કરીને રાખ્યું છે. ગુજરાતમાં શાળાઓ તો ઘણી બધી છે. 48000 શાળાઓમાં એક કરોડ બાળકો અભ્યાસ કરે છે. પરંતુ આ પૈકી 36000 શાળાઓની હાલત અત્યંત ખરાબ છે. આ તમામ શાળાઓએ શાનદાર બનાવવાની છે. માત્ર 5 વર્ષની અંદર ગુજરાતની દરેક શાળાને શાનદાર બનાવી શકાય છે, જેવી રીતે દિલ્હીની શાળાઓને શાનદાર બનાવવામાં આવી.

હું ભાજપના દરેક ષડયંત્ર માટે તૈયાર છું, જેલમાં જવા તૈયાર છું, પરંતુ ગુજરાતમાં શાળાઓનું નિર્માણ થતું અટકશે નહીં. ગુજરાતની જનતાએ નક્કી કરી લીધું છે કે હવે તેઓ તેમના બાળકો માટે શાનદાર શાળા બનાવીને રહેશે. પહેલા ભાજપવના લોકોએ મારો સંપર્ક કર્યો અને ગઈકાલે જ્યારે હું સીબીઆઈની ઓફિસે પહોંચ્યો ત્યારે મને કહેવામાં આવ્યું કે “તમે કેવા ચક્કરમાં પડ્યા છે, આ FIR તો લાંબા સમય સુધી ચાલશે, તમે આમ આદમી પાર્ટી છોડી દો.” ત્યાં એટલા બધા લોકો હતા અને હું કોઈને ઓળખતો પણ નહોતો, તો આ વાત કોણે કરી એ તો એ લોકો જ જણાવી શકે છે.

હું શહીદ-એ-આઝમ ભગત સિંહનો બહું જ મોટો અનુયાયી છું, તેઓ ખૂબ જ મહાન હતા અને તેમણે તેમના જીવનમાં જે મુકામ હાંસલ કરી છે, આપણે તો એનાંથી ધૂળની બરાબર છીએ. અને હું માનું છું કે જો આપણામાં ભગતસિંહનો એક પણ અંશ હોય તો આપણને ન તો જેલ રોકી શકે અને ન તો CBI, ED રોકી શકે. અમે બાળકોને ભણાવીશું, અમને એ વાતમાં આનંદ આવે છે, જેવી રીતે ભગતસિંહ આઝાદીની લડાઈ લડવામાં આનંદ માણતા હતા. દેશને આઝાદ કરવાનું તેમનું સ્વપ્ન છે. આજે અમારું સપનું છે કે અમે અમારું આખું જીવન શિક્ષણ પ્રણાલીને બદલવામાં સમર્પિત કરી દઇએ. છેલ્લા 75 વર્ષમાં એવું બન્યું છે કે જ્યારે કોઈ બાળકોને ભણાવવાની વાત કરે છે ત્યારે તેને હંમેશા કચડી નાખવામાં આવે છે. આજે હું એ દાવા સાથે ઉભો છું કે શિક્ષણ નહીં અટકે.

કોંગ્રેસ પાર્ટીએ આમ આદમી પાર્ટી પર સવાલો ઉઠાવ્યા હતા, જેના જવાબમાં મનીષ સિસોદિયાજીએ કહ્યું કે, કોંગ્રેસ એ જણાવે કે પોતાનાં ધારાસભ્યોને વેચીને જે પૈસા મળ્યા છે તેનું શું કર્યું, તે પૈસા ક્યાં ગયા?

આ મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા સાથે આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા.

*આમ આદમી પાર્ટી ગુજરાત*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here