કપરાડા તાલુકાના અંભેટી ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

0
753

૭૭મા સ્વાતંત્ર્ય દિનની રાજ્યકક્ષાની ઉજવણી:૨૦૨૩-વલસાડ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
◆ ગુજરાતના ૭.૭૫ લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી
◆ રાજ્યની ૬,૭૫૦ ગ્રામ પંચાયતોમાં પ્રત્યેકમાં ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે
◆ આત્મા વિભાગ અને માસ્ટર ટ્રેનરો દ્વારા પ્રતિ મહિને ૩.૫૦ થી ૪ લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી રહ્યા છીએ
◆ આવનારા બે વર્ષમાં ગુજરાતને યુરિયા-ડી.એ.પી., રસાયણમુક્ત ખેતી કરતું રાજ્ય બનાવવું છે

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
◆ વિઝનરી લીડર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ‘બેક ટુ બેઝિક’ના મંત્ર સાથે ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતીને દેશમાં ગતિ આપી
◆ આવનારી પેઢીને સ્વસ્થ અને સશક્ત બનાવવા પ્રાકૃતિક ખેતીને વ્યાપક બનાવવી અનિવાર્ય
◆ પ્રાકૃતિક ખેતીની ઝુંબેશ જનઅભિયાનના રૂપમાં રાજ્યના ગામેગામ પહોંચી ચૂકી છે

કૃષિ અને કિસાનની ઉન્નતિ તેમજ દેશની આર્થિક સમૃદ્ધિ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા ખેડૂતોને માર્ગદર્શન આપતા રાજ્યપાલશ્રી

વલસાડમાં ૭૭મા સ્વાતંત્ર્ય દિનની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણીના ભાગરૂપે કપરાડા તાલુકાના અંભેટી આશ્રમ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ધરતીમાતાનું સંવર્ધન ગોબરધનથી કરવા આહ્વાન કર્યું હતું.
રાજ્યપાલશ્રીએ ગ્રામ અને કૃષિ સંસ્કૃતિના સંવર્ધનથી જ ભારત વૈશ્વિક તાકાત બનીને ઉભરશે એમ સ્પષ્ટપણે જણાવતા ઉમેર્યું કે, પ્રાકૃતિક ખેતી સાચા અર્થમાં ધરતીમાતાની સેવા સહ ઉપાસના છે. મનુષ્ય માટે ઉત્તમ સ્વાસ્થ્ય જરૂરી છે. ઉત્તમ સ્વાસ્થ્ય માટે ઉત્તમ આહાર જરૂરી છે. પ્રાકૃતિક પેદાશો માનવીને નિરોગી રાખે છે, એટલે સરવાળે પ્રાકૃતિક ખેતી ફાયદાની ખેતી સાબિત થઈ રહી છે.

ગુજરાતના ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે આવેલી જાગૃતિની વિગતો આપતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, ગુજરાતના ૭.૭૫ લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. આત્મા વિભાગ અને માસ્ટર ટ્રેનરો દ્વારા પ્રતિ મહિને રાજ્યના ૩.૫૦ લાખથી ૪ લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી રહ્યા છીએ. રાજ્ય સરકારના સતત પ્રયાસોથી રાજ્યની ૬,૭૭૫ ગ્રામ પંચાયતોમાં પ્રત્યેકમાં ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ઉપરાંત, આવી પંચાયતોનું પ્રમાણ સતત વધી રહ્યું હોવાનું જણાવી પ્રાકૃતિક ખેતીને અપનાવનાર જાગૃત ખેડૂતોને તેમણે બિરદાવ્યા હતા.

રાજ્યપાલશ્રી દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિનું મહત્વ વિગતવાર સમજાવીને તેની અતિ ઉપયોગિતા વર્ણવતા કહ્યું કે, પ્રાકૃતિક ખેતીથી પર્યાવરણ અને સૂક્ષ્મ જીવાણુઓની રક્ષા થાય છે. હવા શુદ્ધ રહે છે અને જમીનની ફળદ્રુપતા વધે છે. ગાયમાતા અને ધરતીમાતાનું સંરક્ષણ થાય છે. આવનારા બે વર્ષમાં ગુજરાતને યુરિયા, ડી.એ.પી., રસાયણમુક્ત ખેતી કરતું રાજ્ય બનાવવું છે એમ સ્પષ્ટપણે જણાવતા પ્રાકૃતિક ખેતીને અપનાવીને રાજ્યના ખેડૂતો પ્રકૃતિની રક્ષા સાથે સમગ્ર વિશ્વને જીવન જીવવાનો માર્ગ બતાવશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વિઝનરી લીડર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ‘બેક ટુ બેઝિક’ના મંત્ર સાથે ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતીને દેશમાં ગતિ આપી છે.

રાજ્યમાં વધુ ને વધુ કિસાનો પ્રાકૃતિક ખેતી પ્રતિ જાગૃત બને એ માટે સરકાર દ્વારા નિરંતર પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે આ સંદર્ભે ગુજરાતના રાજ્યપાલશ્રીની સરાહના કરતા કહ્યું કે, આચાર્ય દેવવ્રતજીએ જાતે પ્રાકૃતિક ખેતી કરી તેના અદ્દભુત પરિણામોને સામાન્ય કિસાનો સુધી પહોંચાડ્યા. રાજ્ય સરકારના સહયોગ અને રાજ્યપાલશ્રીના ઉમદા પ્રયાસોથી પ્રાકૃતિક ખેતીની ઝુંબેશ જનઅભિયાનના રૂપમાં ગામેગામ પહોંચી ચૂકી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગના કારણે વરસાદની પેટર્ન બદલાઈ છે, ઉષ્ણતામાન વધવા અને હવામાનમાં ફેરફારો જેવા પર્યાવરણીય સંકટો સામે લડવાના રોડમેપ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૃષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતે ૨૦૦૯માં એશિયાભરમાં પ્રથમવાર ક્લાઈમેટ ચેન્જનો અલાયદો વિભાગ શરૂ કરી દેશ અને દુનિયાને આગવી દિશા દર્શાવી છે.

રાસાયણિક ખેતીની માનવ સ્વાસ્થ્ય પર થતી વિપરીત અસરો અંગે વિગતે વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અગાઉ પચાસ- પંચાવન વર્ષની ઉંમરે લોકો સ્વાસ્થ્યની તપાસ કરાવતા હતા. હવે યુવાન વયે જ લોકોમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ એટેકની બિમારીઓ વધી રહી છે, ત્યારે શુદ્ધ અને સ્વચ્છ આહાર અપનાવી સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાનો અનુરોધ કર્યો હતો.
પ્રાકૃતિક ખેતીને અનુલક્ષીને તમામ પ્રશ્નોનું નિવારણ થતાં સો ટકા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળશે એવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ આવનારી પેઢીને સ્વસ્થ અને સશક્ત બનાવવા પ્રાકૃતિક ખેતીને વ્યાપક બનાવવી અનિવાર્ય છે એવો મત વ્યક્ત કર્યો હતો. તેમણે આઝાદીના અમૃતકાળમાં ‘આત્મનિર્ભર ખેડૂત થકી આત્મનિર્ભર ગુજરાત’ના નિર્માણની સંકલ્પના સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે શહીદો, સ્વાતંત્ર્ય વીરોને સ્મરણાંજલિ અર્પણ કરી હતી.

રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રીએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-અંભેટી તેમજ કાર્યક્રમ સ્થળે આયોજિત પ્રાકૃતિક કૃષિના સ્ટોલ્સની મુલાકાત પણ લીધી હતી.
પ્રારંભે સ્વાગત પ્રવચન કરતા જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ રાજ્યપાલ શ્રી, મુખ્યમંત્રીશ્રી સહિત મહાનુભાવોને આવકાર્યા હતા. તેમણે રાજ્ય સરકારના સક્રિય પ્રયાસોને કારણે જિલ્લાના ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે આવેલી જાગૃતિનો ચિતાર આપ્યો હતો.
આ વેળાએ સ્વાધ્યાય કેન્દ્ર-કિલ્લા પારડીના ૧૧ ઋષિકુમારોએ સુમધુર સ્વરે પવિત્રવૈદિક મંત્રગાન કરીને સભાસ્થળને દિવ્ય અને ઊર્જાસભર બનાવ્યું હતું.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રીનું મિલેટ બાસ્કેટ અર્પણ કરી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે ગુજરાત વિદ્યાપીઠના સેક્રેટરી શ્રી ડો.હર્ષદભાઈ પટેલે આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે નાણા, ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, વલસાડ- ડાંગના સાંસદ ડો. કે. સી. પટેલ, કપરાડાના ધારાસભ્યશ્રી જીતુભાઇ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાની સહિત મોટી સંખ્યામાં જિલ્લાના ખેડૂતો, પ્રાકૃતિક ખેતીપ્રેમી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Ad.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here