આપણી હયાતીનું પ્રમાણ. પવન પુત્ર તરીકે જોઈએ તો હનુમાનજીનો પ્રકૃતિ સાથે સીધો સંબંધ છે. : ફાલ્ગુની વસાવડા

0
15

હનુમાન જયંતી એ હનુમાનજી ને સ્મીરીએ, કારણ કે હનુમાનજી જ છે આપણી હયાતીનું પ્રમાણ.

હનુમાન જયંતીના દિવસે પૂજા કરવાથી વ્યક્તિને દરેક દોષ, કષ્ટ, સંકટ અને શત્રુઓથી મુક્તિ મળે છે. પૌરાણિક કથાઓ અનુસાર, હનુમાનજી આજે પણ કળયુગમાં જીવિત છે. તેઓ એ 7 ચિરંજીવીઓમાંથી એક છે, જેમને અમરત્વનું વરદાન મળ્યું છે.

હિન્દુસ્તાનની ધરતી પર વિવિધ દેવી-દેવતાઓને ઈશ્વર તરીકે સ્વીકારવામાં આવ્યા છે, એમાં મુખ્યત્વે રામ ક્રિષ્ન શંકર અને દુર્ગાના સ્વરૂપો ઈશ્વર તરીકે પૂજાય છે. પરંતુ આ દેશમાં ગણેશ અને હનુમાનનેં એ પણ એટલું જ મહત્વ આપવામાં આવે છે. ચૈત્ર સુદ પૂનમના દિવસને આપણે ત્યાં હનુમાન જયંતી તરીકે ઉજવવામાં આવે છે, હનુમાન એક બંદર હતાં, અને રામાયણ કાળમાં ભગવાન શ્રીરામની મદદ કરી હતી, અથવા તો શંકર અવતાર હતા,આવી ઉપલબ્ધ વાતોની ‌જ ખબર છે. પરંતુ હનુમાનજી માનવીય જીવનનો મુખ્ય આધાર છે,અને હનુમાન એ અન્ય દેવી દેવતાઓની જેમ માત્ર કલ્પના કે અનુમાન નથી, પરંતુ પવન પુત્ર હોવાથી પ્રત્યક્ષ દેવ તરીકે સ્વીકાર્યા છે, અને હનુમાન જ છે આપણી હયાતીનું પ્રમાણ. પવન પુત્ર તરીકે જોઈએ તો હનુમાનજીનો પ્રકૃતિ સાથે સીધો સંબંધ છે, અને સૃષ્ટિ સર્જન માટે ઉપયોગી છે. આજકાલ તો હવે ગ્લોબલ વોર્મિંગને કારણે ઋતુ પ્રભાવ વધતો જાય છે, એટલે થોડું મુશ્કેલ છે,પણ બાકી ચૈત્રના તડકા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ શુભકારી માનવામાં આવે છે, અને આખા વર્ષનું વિટામિન ડી સૂર્ય ઉપાસનાથી પ્રાપ્ત થાય છે. પ્રદૂષણને કારણે વાતાવરણમાં ઓક્સિજનની કમી પણ વરતાઈ રહી છે, અને એ બધુ સરભર કરવા માટે બહુ લાંબો સમય જાય તેમ છે. પ્રત્યેક જણાએ હવે પોતાનું અસ્તિત્વ બચાવવાં માટે પ્રકૃતિ સન્મુખ થઈ આ સમસ્યાનું નિવારણ કરવું પડશે, તો જ આગળ ઉપર આપણે સુરક્ષિત જીવી શકીશું. પ્રકૃતિ નિસ્વાર્થ પ્રેમમાં માનનારી છે, અને એટલે જ આપણી તરફથી થતી આટલી ઉપેક્ષા છતાં, તે ક્યારેય પોતાના કર્તવ્યથી વિમુખ થતી નથી. જેમકે સૂર્ય પોતાનાં નિયત સમયે ઉદય પામે છે, અને નિયત સમયે અસ્ત પામે છે. ચંદ્ર પણ એકમથી પૂનમ, અને પૂનમથી એકમ એમ પોતાની નિશ્ચિત ધરી પર પરિભ્રમણ કરે છે. પૃથ્વી પણ ટાઢ, તડકો, વરસાદ બધું સહન કરે સંતુલન રાખીને પોતાની ધરી પર પરિભ્રમણ કરે છે, પવન નિયત વેગથી આપણી આસપાસ લહેરાય છે. પાણી આજે પણ આપણને ઠંડક પ્રદાન કરે છે, અને તૃપ્ત કરે છે, આકાશ આજે પણ છત બની આપણું રક્ષણ કરે છે, અને આપણને વિશાળતાથી સ્વીકારે છે,અને માનવી છે કે એને આ બધું દેખાતું નથી. પણ ક્યાં સુધી પ્રકૃતિ રુપે પવન આમ નિસ્વાર્થ પ્રેમ કરી શકશે? કારણ કે દિવસે ને દિવસે તેના અસ્તિત્વ પર પ્રદૂષણ રૂપી ધા થતા રહે છે. ખેર છોડો! આપણે વિષયમાં પ્રવેશ કરીએ, એટલે કે આજે હનુમાન જયંતી છે તો હનુમાન એ કેવળ અનુમાન નથી, પરંતુ પ્રત્યક્ષ પ્રતીતિ કરાવનાર દેવ છે એ વિશે આજે આપણે ચિંતનમાં વાત કરીશું.

રામાયણની કથાથી સૌ કોઈ વાકેફ છે, અને હનુમાન ચરિત્રથી પણ વાકેફ છે. એટલે કે ત્રેતા યુગમાં જ્યારે ભગવાન શ્રી રામ સીતાજીની શોધ માટે ભટકતા હતાં, ત્યારે કિષકીન્ધામાં હનુમાન સાથે તેમનું મિલન થયું, અને હનુમાન એટલે કે જે કેસરીનંદન, અંજની સૂત અને પવનસુત ના નામે ઓળખાય છે, તેમણે ભગવાન શ્રીરામના આ ભાગીરથ કાર્યમાં પોતાનો સહયોગ આપ્યો. હનુમાનજીએ ભગવાન રામને સાથ આપી,અને સીતાની શોધ કરી ,લંકા પર વિજય પ્રાપ્ત કરી, સીતાજી ને પાછા મેળવ્યા. મૂળ રીતે આ કથાનક છે, પરંતુ આપણે સૌ જાણીએ છીએ, તેમ હનુમાન એ શિવ અવતાર છે, અને રુદ્રના અગિયારમા અવતાર તરીકે તેને માનવામાં આવે છે. શંકરનાં ઇષ્ટદેવ ભગવાન શ્રીરામ છે, અને એ રીતે હનુમાન પોતાના ઇષ્ટદેવની સેવા સ્વીકારે છે. તેમને માતા સીતા તરફથી અજર-અમર ના આશીર્વાદ પ્રાપ્ત થયા છે, અને જ્યારે રામ વિદાય લઈ રહ્યા હતાં, ત્યારે હનુમાનજીએ કહ્યું કે પૃથ્વી પર રામનામ જ્યાં સુધી રહેશે, ત્યાં સુધી પોતે પણ પૃથ્વી પર જ રહેશે, અને આમ તે આજે પણ અહીં વસે છે.

ભગવાન રામ ઈચ્છતા હતા કે ધરતી પર ભક્તિનો મહિમા વધે અને સૌ ભક્તિ તરફ વળે, એટલે હનુમાન દ્વારા પોતાના કરતાં પણ રામનામને વધુ મહત્વ અપાયું છે. હનુમાનજી જ્યારે સીતાજીની શોધ કરવાં માટે ગયાં, ત્યારે તેમણે સમુદ્ર લાઘ્યો હતો, એ વાત આપણે સૌ જાણીએ છીએ. હનુમાનજીના મનમાં અધર્મી રાવણના સકંજામાં સપડાયેલી સીતા મૈયાને છોડાવવાનો શુદ્ધ સંકલ્પ હતો, અને મુખમાં પોતાના ઈષ્ટદેવ રામનું નામ હતું. એટલે કે સત્ય અને સત્ય સાક્ષી બન્નેનું અનુગમન હતું, એટલે તેનામાં સમુદ્રને લાંઘી શકવાની શક્તિ હતી. જ્યારે આપણે સૌ જાણીએ છીએ, કે ભગવાન શ્રીરામ લંકા પર વિજય પ્રાપ્ત કરવા સમુદ્ર કિનારે પહોંચ્યાં, તો તેમને સમુદ્ર પર સેતુ બાંધીને જવું પડ્યું. એટલે જ ભગવાન કરતાં ભગવાનના નામનો મહિમા ગવાયો છે, ભગવાન તત્વને પામવા માટે પણ ભગવાનના નામનો જ સહારો અતિ ઉત્તમ છે, અને એ પણ કળિયુગમાં તો એક માત્ર સાધન બતાવાયું છે. આમ પણ રામ સુધી પહોંચવું હોય તો રામ ના દ્વારપાળ હનુમાન પાસે ગયા વગર ચાલતું નથી, અને હનુમંત સાધના થકી જ તેનાં હૃદયમાં બિરાજમાન રામ લક્ષ્મણ જાનકી સુધી પહોંચાય છે. હનુમાન શંકર સ્વરૂપ હોવાથી તેની સાધના પણ સીધી સાદી છે, એટલે કે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી આપણે તેની પ્રતીતિ કરી શકીએ છીએ. આપણી મલિનતા ઓછી થતી જાય છે, આપણી છાતી મજબૂત થતી જાય છે, એટલે કે સાહસ વૃત્તિ વધે છે. શક્તિ વધે છે, અને સત્યનુ અનુગમન કરવાની પૂર્ણ નિષ્ઠા પણ પ્રબળ બને છે, એટલે જ હનુમાન એ કેવળ અનુમાન નથી પરંતુ એક પ્રત્યક્ષ દેવ છે.

આજકાલ સમાજમાં અધર્મની પરાકાષ્ઠા છે,અને ધર્મ ને નામે પણ બોલી લાગે છે. પરંતુ દુનિયા અને સંસાર છે ત્યાં આવું બધું તો રહેવાનુ જ. આપણે આપણા સત્યને વળગી રહેવાનું, કોઈ કહે એટલે કંઈ આપણે સત્ય છોડી થોડું દેવાય ?, આપણા આત્મોદ્ધાર કે આત્મકલ્યાણનું ન વિચારીએ, તો પણ પૃથ્વી પર રામનામ બની રહે એ માટે હનુમાનની મંત્ર ઉપાસના કે સાધના કરવી પડે, બને તો તંત્ર સાધનામાં જવું નહીં. આમ પણ હનુમાન એ પ્રાણ સંકટ હરનારા દેવ છે, તો જ્યારે જ્યારે કપરી પરિસ્થિતિ આવશે, ત્યારે એ આપણને સંભાળી લેશે, એ ભરોસા સાથે આપણે હનુમંત સાધના કરવાની છે, અને હનુમંત ચરિત્રને ધરા પર રાખીને આ હિન્દુ રાષ્ટ્રનો, શ્રીરામનો જય ઘોષ કરવાનો છે. આમ પણ આપણી સંસ્કૃતિ આપણને આ જ શીખવી રહી છે, એટલે કે, સત્ય માટે જાગૃત થવું, સત્ય માટે શૂરવીર બનવું, એટલે કે સાહસ કરવું, સત્ય માટે સમર્પણ કરવું, એટલે કે સહન કરવું, અને સત્ય માટે બલિદાન આપવું, અને સત્ય માટે સત્ય નું જ સ્મરણ કરવું. તો ભગવાન શ્રી રામ નું રામરાજ્ય બનાવવા માટે એમના પ્રિય ભક્ત હનુમાનની હનુમાન ચાલીસા જેવી સીધી સાદી સાધના કરતા રહીએ, અને આ રીતે રામ નામ ને વધુ ને વધુ શક્તિશાળી બનાવતા રહીએ, શ્રી રામરુપી સત્યને ફરી પ્રસ્થાપિત કરવા જાગૃત થવું પડશે, સાહસિક થવું પડશે,સહન કરવું પડશે, સમર્પણ કરવું પડશે,અને બલિદાન પણ દેવું પડશે, જેથી કરીને આવતીકાલે આ સંસ્કૃતિ ફરી પાછી વિશ્વ ઉજાગર થાય. તો આપણે સૌ રામરાજય માટે પ્રભુ શ્રી રામનું ચરિત્ર આત્મસાત કરવા માટે,કે રામનામ ને પ્રબળ બનાવવા હનુમંત સાધના કરતાં રહીએ, અને આ રીતે અનીતિના પ્રાણ સંકટથી પણ દૂર રહી શકીએ,તો જ કંઈક પરિણામ મળી શકે.

રાવણ ના વધ બાદ જ્યારે પ્રભુ શ્રી રામ સીતા સહિત અયોધ્યા પધાર્યા ત્યારબાદ તેમનો રાજ્યાભિષેક થયો અને અયોધ્યામાં રામરાજ્ય સ્થપાયું જ્યાં રાય રંકનો ભેદ નહોતો, અને સૌને સમાન અધિકાર મળતાં હતાં.આવું રામરાજ્ય એ હંમેશા આપણું સ્વપ્ન રહ્યું છે, અને સંસ્કૃતિ ને પુનઃ પ્રસ્થાપિત કરવા માટે એમના પ્રિય ભક્ત હનુમાનની હનુમાન ચાલીસા જેવી સીધી સાદી સાધના કરતા રહીએ. આ રીતે રામ નામ ને વધુ ને વધુ શક્તિશાળી બનાવતા રહીએ, શ્રી રામરુપી સત્ય ને ફરી પ્રસ્થાપિત કરવા જાગૃત થવું પડશે, સાહસિક થવું પડશે,સહન કરવું પડશે, સમર્પણ કરવું પડશે,અને બલિદાન પણ દેવું પડશે, જેથી કરીને આવતીકાલે આ સંસ્કૃતિ ફરી પાછી વિશ્વ ઉજાગર થાય. તો આપણે સૌ રામરાજય માટે પ્રભુ શ્રી રામનું ચરિત્ર આત્મસાત કરવા માટે,કે રામનામ ને પ્રબળ બનાવવા હનુમંત સાધના કરતાં રહીએ, અને આ રીતે અનીતિના પ્રાણ સંકટથી દૂર રહીએ તો જ હનુમાનજીનો તથા આપણો‌ રામ રાજ્ય નો મનોરથ પુરો થાય. જય શ્રી રામ.

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here