
-
મહિલા પેનલિસ્ટસ તરફ ધસી ગયેલા સંજય નિરુપમને અટકાવવા પડયા
-
લાઈવ શોમાં પ્રણીતિ, પ્રિયંકા ચતુર્વેદીનું આકરું સ્વરુપ : મહિલાઓને ચુપ કરાવવી, નીચું દેખાડવું એ ભાજપની નીતિરીતિ છે
-
પ્રણીતિ શિંદેએ સસ્તી હરકતો બંધ કરવાનું કહેતાં સંજય નિરુપમે ચાલતી પકડી
મુંબઈ : મુંબઈમાં એક લાઈવ શો દરમિયાન સંજય નિરુપમ ઊંચા અવાજે બોલી મહિલા પેનલિસ્ટસ તરફ ધસી જતાં કોંગ્રેસનાં સાંસદ પ્રણીતિ શિંદે તથા શિવસેના યુબીટીનાં સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આ તો મહિલાઓને ચુપ કરાવવાની નીતિરીતિ છે, એમ અમે ડરવાના નથી, આવી સસ્તી હરકતો બંધ કરો તેમ કહી આક્રમક સ્વરુપ દેખાડયું હતું. આખરે સંજય નિરુપમે હું સસ્તી હરકતો કરતો હોઉં તો સ્ટેજ છોડી દઉં છું એમ કહી ચાલતી પકડવી પડી હતી.
પ્રણીતિ શિંદેએ આક્રમક રીતે કરેલી રજૂઆત અને તેના બદલામાં સંજય નિરુપમે કરેલી ચેષ્ટાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તે અંગે લોકો જાત જાતના પ્રત્યાઘાત પણ આપી રહ્યા છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેવા સમયે અનેક પ્રકારના લાઈવ શો વગેરે દરમિયાન ભાજપ તથા એકનાથ શિંદેની શિવસેનાના નેતાઓએ કેવી રીતે વર્તાવ કરવો તેના ક્લાસ કરવા પડશે તેવી કોમેન્ટસ લોકો કરી રહ્યા છે.
આ લાઈવ શો દરમિયાન પ્રણીતિ શિંદેએ ભાજપ દ્વારા જાતિ-સમુદાયો વચ્ચે ભાગલા પડાવવાની નીતિ પર પ્રહાર કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે ખુદ વડાપ્રધાન જ ટોચના સ્તરેથી આવા પ્રયાસો કરે છે અને તેને બાકીનો પક્ષ અનુસરે છે. પરંતુ, ભારતનું પોત હજુ પણ ધર્મનિરપેક્ષતા તથા સર્વધર્મ સમભાવનું છે અને તેને કોઈ નાબૂદ નહીં કરી શકે.
પ્રણીતિએ એમ પણ કહ્યું હતું કે ભાજપ અને શિંદેની શિવસેના પાસે ચૂંટણી લડવા માટે અસલી મુદ્દાો જ નથી. તેઓ લાડકી બહિન યોજના જેવી એક પ્રકારની મતદારોને અપાતી લાંચની પ્રયુક્તિઓમાં ફસાવાના નથી.
સંજય નિરુપમે કહ્યું હતું કે મહાવિકાસ આઘાડી એક વેરવિખેર ગઠબંધન છે. ઉદ્ધવ ઠાકરે રસાલા સાથે દિલ્હી જાય છે અને ત્યાં કોંગ્રેસ મોવડીમંડળ સમક્ષ હાથ જોડીેને કહે છે કે મને સીએમ ફેસ બનાવી દો.
આ વાતનો આકરો જવાબ આપતાં પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું હતું કે દરબારી તો તમારા મુખ્યમંત્રી છે જે મોદીના દરબારમાં જઈને ભીખ માગે છે.
આ શાબ્દિક તડાફડી બાદ મંચ પર હોબાળો થયો હતો.
સંજય નિરુપમે પોડિયમ પર જોરથી હાથ પછાડયો હતો અને કહ્યું હતું કે જો આ રીતે વાત કરશો તો પછી બોલી નહીં શકો. પ્રિયંકાએ પણ આંગળી ચીંધીને કહ્યું હતું કે ગેરવર્તાવ ન કરો. મારે આવા માણસ સાથે વાત પણ નથી કરવી. ભારે ધમાલને કારણે મહિલા એન્કરે દરમિયાનગીરી કરવી પડી હતી અને સંજય નિરુપમની બેઠક પણ બદલવી પડી હતી.
સંજય નિરુપમ ઊભા થઈને મહિલા પેનલિસ્ટસ પાસે પહોંચી જતાં પ્રણીતિએ કહ્યું હતું કે આમાં કોઈ નવાઈની વાત નથી. આ લોકોને આમ જ મહિલાઓને દબાવતાં ચૂપ કરાવતાં જ આવડે છે. આ બધી સસ્તી હરકતો રહેવા દો.
આ તબક્કે સંજય નિરુપમ જો મારી હરકત સસ્તી લાગતી હોય તો મારે અહી રહેવું નથી તેમ કહી ચાલવા લાગ્યા હતા.






