
ગુજરાતમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે બે-ત્રણ દિવસની પિકનિકનું પ્લાન મન થાય ત્યારે કરી શકો છો. આજે આપણે ગુજરાતના મિની કાશ્મીરની વાત કરવાના છીએ. રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના અંતરિયાળ છેવાડાના વિસ્તારમાં આવેલું દૂધની જળાશય અત્યારે સહેલાણીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.



દમણગંગા નદી પર આવેલા દૂધની જળાશય જાણીતું પર્યટન સ્થળ છે. ચારેય બાજુ નાના-મોટા પર્વતોની હારમાળાઓ, નદી અને આ જળાશય એવા આ કુદરતના ત્રિવેણી સંગમ સ્થળ પર આવેલા દૂધની જળાશય પર જાણે કુદરતે સોળે કળાએ સુંદરતા બક્ષી છે. આથી દૂધની જળાશય સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.


હવે આ દૂધની જળાશયમાં સહેલાણીઓની સહેલગાહ માટે લગાવવામાં આવતી 100થી વધુ બોટને રંગબેરંગી કાપડ અને ફૂલોથી શણગારવામાં આવી છે. આથી આ શણગારેલી બોટ આ જળાશયના સૌંદર્યમાં વધારો કરી રહી છે. સહેલાણીઓને સહેલગાહ કરાવતી બોટો પણ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. અહીંનું કુદરતી વાતાવરણ જમ્મુ-કાશ્મીરના કુદરતી વાતાવરણની યાદ અપાવે છે. આથી દૂધની મીની કાશ્મીર તરીકે પણ જાણીતું બની રહ્યું છે.


આમ સંઘ પ્રદેશના છેવાડાના વિસ્તારમાં આવેલું આ દૂધની પર્યટકોને આકર્ષિત કરી રહ્યું છે. આથી મોટી સંખ્યામાં પર્યટકો પરિવાર સાથે અહીં આવે છે અને અહીંના કુદરતી નજારાનો આનંદ માણી અને આખો દિવસ કુદરતના ખોળામાં જ વિતાવે છે. શહેરોના ઘોંઘાટથી દૂર મોટી સંખ્યામાં લોકો આ જગ્યા પર આવી અહીંના કુદરતી વાતાવરણનો આનંદ માણે છે. નીરવ શાંતિનો અનુભવ કરે છે.

સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના છેવાડે આવેલું આ દૂધની ત્રણ પ્રદેશોના સંગમ સ્થળ પર આવેલું છે. એટલે કે, અહીં ત્રણ પ્રદેશોની હદનો ત્રિવેણી સંગમ થાય છે. એક બાજુ સંઘપ્રદેશ દાદરાનગર હવેલીનું દૂધની ગામ છે. તો બીજી બાજુ ગુજરાતના કપરાડા તાલુકાનું ચોંઢા અને વાડી તિસ્કરી ગામ આવેલું છે. તો અન્ય એકબાજુ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાનું ત્રંબકેશ્વર આવેલું છે. આમ બે રાજ્યો અને એક સંઘપ્રદેશની હદના ત્રિવેણી સંગમ પર આવેલું આ સ્થળ વર્ષોથી પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.
આથી આસપાસના વિસ્તારના ગરીબ આદિવાસી પરિવારો માટે પણ દૂધની એક રોજગારીનું માધ્યમ પણ પુરવાર થઈ રહ્યું છે. આથી કુદરતના ખોળામાં આવેલું દૂધની પર્યટકો માટે સૌથી મોટું હરવા-ફરવાનું અને પિકનિકનું સ્થળ બની રહ્યું છે. પહાડો, નદી અને જળાશયની સાથે અન્ય કુદરતી આકર્ષણને કારણે દૂધની પર્યટકોનું મન મોહી રહ્યું છે.
Ad…
















