
કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું સુથારપાડા ગામ 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી ગૌરવ, સંસ્કૃતિ અને હક્કોની ઉજવણીનું કેન્દ્ર બની ગયું હતું. જય આદિવાસી માહા સંધ સુથારપાડા દ્વારા આયોજિત આ કાર્યક્રમ ભાસ્કરભાઈ શિગાડે (પ્રમુખ, જય આદિવાસી માહા સંધ) તેમજ ધનસુખભાઈ કડું (ઉપપ્રમુખ)ના નેતૃત્વ હેઠળ યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆત પરંપરાગત આદિવાસી ભૂમિ પૂજન અને આદિવાસી દેવ-દેવીઓની પૂજા મહેમાનોનું આદિવાસી વેશભૂષામાં તુરા-નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું. સાથે કાર્યક્રમને ધાર્મિક ભાવના સાથે જોડવામાં આવ્યો. કાર્યક્રમમાં સુથારપાડા તેમજ આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ-બહેનો, યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા.

પ્રમુખ ભાસ્કરભાઈ શિગાડેએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, “વિશ્વ આદિવાસી દિવસ માત્ર એક ઉજવણી નહીં, પરંતુ આપણા હક્કો, સંસ્કૃતિ અને પરંપરાની રક્ષા કરવાનો સંકલ્પ છે. આજના યુગમાં શિક્ષણ અને એકતા એ જ આપણું સાચું શસ્ત્ર છે.” ઉપપ્રમુખ ધનસુખભાઈ કડુંએ પણ યુવાનોને આદિવાસી ભાષા, નૃત્ય અને તહેવારો જીવંત રાખવા માટે પ્રેરિત કર્યા.

કાર્યક્રમ દરમિયાન આદિવાસી લોકનૃત્ય, ગીતો અને નાટિકાઓનું પ્રસ્તુતિકરણ થયું જેમાં આદિવાસી ઇતિહાસ અને સ્વતંત્રતા આંદોલનમાં બિરસા મુંડા જેવા મહાનાયકોના યોગદાનને રજૂ કરવામાં આવ્યું. યુવક-યુવતીઓએ આદિવાસી નૃત્યમાં ભાગ લઇ સમગ્ર માહોલને ઉમંગભેર બનાવી દીધો.
સુથારપાડા ગામના વડીલો દ્વારા નવી પેઢીને પરંપરાગત જ્ઞાન, પ્રકૃતિ પ્રત્યેનો લગાવ અને સહજીવનની સંસ્કૃતિ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમના અંતે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સૌએ એક સાથે ભોજન કરીને આદિવાસી ભાઈચારો મજબૂત કર્યો.
આ કાર્યક્રમ માત્ર સાંસ્કૃતિક ઉજવણી પૂરતો મર્યાદિત નહોતો, પરંતુ આદિવાસી સમાજના હકો અને પ્રશ્નો પર ચર્ચા કરવાનો મંચ પણ બન્યો. શિક્ષણ, આરોગ્ય અને રોજગાર જેવા મુદ્દાઓ પર યુવાનો અને આગેવાનો વચ્ચે ચર્ચા થઈ.
વિશ્વ આદિવાસી દિવસની આ ભવ્ય ઉજવણી સુથારપાડા ગામમાં આદિવાસી એકતા, ગૌરવ અને સંસ્કૃતિનો જીવંત દાખલો બની રહી. ગામજનો અને આયોજક મંડળે સંકલ્પ લીધો કે આવનારા સમયમાં પણ આવી ઉજવણી માત્ર તહેવાર ન રહી, પરંતુ સમાજના વિકાસ અને સશક્તિકરણની દિશામાં પ્રેરણાસ્ત્રોત બની રહેશે.






