પ્રગટેશ્વર ધામ આછવણીમાં પ્રફુલભાઈ શુક્લનો 66મો જન્મોત્સવ — ભવ્ય ધાર્મિક મહાસંમેલનનું આયોજન

On: August 12, 2025 7:07 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વિશ્વ પ્રસિદ્ધ કથાકાર અને સનાતન સંસ્કૃતિના પ્રખર વક્તા પ્રફુલભાઈ શુક્લનો 66મો જન્મદિન આ વર્ષે વિશેષ ભવ્યતાથી ઉજવાશે. પૂજ્ય પરભું દાદાની પ્રેરણાથી આ પાવન પ્રસંગ સ્વતંત્રતા દિવસના અવસર પર, સવારે 11 વાગ્યે પ્રગટેશ્વર ધામ, આછવણી ખાતે યોજાશે.

શિવ પરિવારના પ્રમુખ બિપીનભાઈ પરમાર અને ગુજરાત રાધેશ્યામ પરિવારના પ્રમુખ અશોકભાઈ ગજેરાએ જણાવ્યું કે, પ્રફુલભાઈએ માત્ર 14 વર્ષની ઉંમરે કથાવાચન ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો અને 52 વર્ષની અવિરત સેવા દ્વારા વિશ્વભરમાં સનાતન ધર્મનો ધ્વજ ફરકાવ્યો છે. અત્યાર સુધી તેઓ વિશ્વના 40 દેશોમાં કથાઓ કરી ચૂક્યા છે.

જીવનયાત્રાની ઝલક

15મી ઓગસ્ટ 1960માં જન્મેલા પ્રફુલભાઈને બાળપણથી જ ભક્તિભાવ અને સંસ્કારનો અમૂલ્ય વારસો મળ્યો. કથાઓમાં તેઓ વેદાંત, પુરાણો અને ભક્તિભાવ સાથે જીવનમૂલ્યોનો અનોખો સંદેશ પ્રસ્તુત કરે છે. તેમની કથાઓ માત્ર ધાર્મિક કથન સુધી સીમિત નથી, પરંતુ શ્રોતાઓને જીવનમાં સત્ય, દયા, નૈતિકતા અને સેવા ભાવના અપનાવવાની પ્રેરણા આપે છે.

ઉજવણીની વિશેષતાઓ

  1. 66 દીપ પ્રગટાવવાની વિધિ: પ્રફુલભાઈના 66 વર્ષનું પ્રતિકરૂપ.
  2. સાંસ્કૃતિક કાર્યક્રમો: ભજન-કીર્તન, સ્તુતિગાન અને કથાસેવા અનુભવોનું વહન.
  3. સંતો અને આગેવાનોના આશીર્વચન: વિવિધ ધર્મસ્થાનોથી સંતો ઉપસ્થિત રહી શુભકામનાઓ પાઠવશે.
  4. સામાજિક એકતાનો અવસર: દક્ષિણ ગુજરાત, દમણ-સેલવાસ સહિતના વિસ્તારોના લોકો એકત્રિત થશે.

વિશાળ ઉપસ્થિતિમાં દમણ પ્રદેશ કોળી સમાજના પ્રમુખ ચંચળબેન ડાહ્યાભાઈ પટેલ સહિત રાજકીય, સામાજિક, ધાર્મિક આગેવાનો અને પ્રખ્યાત કથાકારો ઉપસ્થિત રહેશે.

સતિષ પટેલ ( સમભાવ સંદેશ) સાથે ખાસ ઇન્ટરવ્યૂ

પ્રશ્ન: 66મા જન્મદિને શું અનુભવો છો?
જવાબ:”ખૂબજ પ્રસન્નતા અનુભવું છું. માતા-પિતા અને સદગુરુ બજરંગદાસ બાપાના આશીર્વાદથી 12/12/1974ના રોજ ખેરગામથી કથાયાત્રાની શરૂઆત કરી હતી. આજ સુધીમાં 884મા મુકામ સુધી આવી પહોંચ્યો છું. કથાના માધ્યમથી દુનિયાના 40 દેશોમાં જવાનું સૌભાગ્ય મળ્યું છે. આ બધુંજ રામકૃપાનું ફળ છે.”

પ્રશ્ન: હવે આગળનું આયોજન
જવાબ:”હવે 16 કથાઓ બાકી છે. 900મી કથા પછી ક્ષેત્ર-સન્યાસ લેશેવાનો છું. ત્યારબાદ બધું હરિ ઈચ્છા પર નિર્ભર છે.”

પ્રશ્ન: વિદેશ અને ભારતની સંસ્કૃતિમાં તફાવત
જવાબ:”વિદેશમાં સુવિધાઓ અને ટેકનોલોજી અદભુત છે, પરંતુ પરિવારનું જોડાણ અને સંસ્કૃતિનો ઊંડો વારસો ઓછો છે. ભારતમાં ભલે અભાવ હોય, પરંતુ માનવીય મૂલ્યો, વડીલોનો આદર અને ભગવાન પ્રત્યેની ભાવના અતૂટ છે. બંનેમાંથી શીખવું જરૂરી છે.”

પ્રશ્ન: યુવાનોને સંદેશ
જવાબ: “યુવાનો પોતાનો સમય બગાડે નહીં, સારા સંસ્કાર, સચ્ચરિત્રતા અને મહેનતને સ્થાન આપે. મોબાઇલ-સોશિયલ મીડિયા પર સમય વેડફવાને બદલે માતા-પિતાના આશીર્વાદ અને સદગુરુના માર્ગદર્શન હેઠળ જીવન ઘડે.”

પ્રશ્ન: સમાજને સંદેશ
જવાબ:”ધર્મનો ઉપયોગ અફીણની જેમ નહીં, પરંતુ ઔષધિની જેમ થવો જોઈએ. ભારત વિશ્વગુરૂ હતું, છે અને રહેશે.”

જીવન સંદેશનો સાર

પ્રફુલભાઈનું માનવું છે કે — “ધર્મ એ માત્ર તહેવાર કે મંદિરમાં દીવો પ્રગટાવવાનો મુદ્દો નથી, પરંતુ દરેક કાર્યમાં સત્ય, અહિંસા, દયા અને સેવા જીવંત રહે તે જ સાચો ધર્મ છે.”

આ ઉજવણી માત્ર એક જન્મદિન નહીં, પરંતુ એક અડધી સદીથી વધુ સમય સુધી ભક્તિ, સંસ્કૃતિ અને સેવા માટે જીવન અર્પણ કરનાર આધ્યાત્મિક યાત્રિકના જીવનપ્રવાસનો મહોત્સવ છે. 900મી કથા પછીના સંન્યાસના સંકેતથી પ્રસંગ વધુ ભાવનાત્મક બનશે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!