
વલસાડ જિલ્લાના અરનાલામાં કોંગ્રેસ દ્વારા આયોજિત ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ રેલી રાજકીય ગરમાવો વચ્ચે ચર્ચાનો વિષય બની છે. આ રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા, પરંતુ ખાસ ચર્ચા વાપીના નવનિયુક્ત તાલુકા પ્રમુખ કલ્પેશ પટેલની નિમણૂકને લઈને જોવા મળી.


સ્થાનિક આદિવાસી પ્રતિનિધિઓએ રેલીમાં ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો હતો. લોકોએ કલ્પેશ પટેલ પર બૂટલેગર અને ભૂમાફિયા હોવાના ગંભીર આક્ષેપો કરતાં તેમને તાલુકા પ્રમુખ તરીકે અયોગ્ય જાહેર કર્યા.
કપરાડા સહિતના વિસ્તારોમાં કેટલાક નેતાઓ આદિવાસીઓની જમીનો પડાવી લેવાના અનેક કિસ્સાઓમાં આવી વ્યક્તિઓ સંકળાયેલી રહી છે.

વિરોધીઓએ જણાવ્યું કે ભાજપ સરકારના પ્રોજેક્ટોની આડમાં વર્ષોથી ગરીબ આદિવાસીઓની જમીન છીનવાઈ રહી છે, જ્યારે કોંગ્રેસના શાસનમાં આદિવાસીઓને જમીનના માલિકીના અધિકારો અપાયા હતા. પણ હાલમાં આદિવાસી ની જમીન છીનવાઇ રહી છે એ કોંગ્રેસના નેતા ઓ અજાણ હોઈ શકે ?

રેલીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને દક્ષિણ ગુજરાતના પ્રભારી તથા વાંસદા–ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે ઉપસ્થિત રહી ભાજપ સરકાર પર તીખા પ્રહાર કર્યા હતા. ચાવડાએ જણાવ્યું કે, ખેડ સત્યાગ્રહ એ આદિવાસી સમાજના હકોની લડતનું પ્રતિક છે અને કોંગ્રેસ હંમેશાં આદિવાસી સમાજની સાથે અડગ રહી છે. અનંત પટેલે પણ ભાજપના શાસનને કુશાસન ગણાવીને જમીન કબજાની નીતિઓની કટુ ટીકા કરી.
આ દરમિયાન વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલ દ્વારા બનાવાયેલા તાલુકા પ્રમુખ કલ્પેશ પટેલ અંગે સ્થાનિકોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો હતો. વિરોધીઓએ રેલીમાં જ તેમના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતાં સ્પષ્ટ સંદેશો આપ્યો કે આવી નિમણૂક સ્વીકાર્ય નથી.
કાર્યક્રમ બાદ મીડિયા દ્વારા પૂછાયેલા સવાલ પર પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, “સ્થાનિકોમાંથી રજૂઆત મળી છે. આ મુદ્દે યોગ્ય તપાસ કર્યા બાદ નિર્ણય લેવાશે. કોંગ્રેસ ક્યારેય વિવાદાસ્પદ વ્યક્તિને મહત્વની જવાબદારી આપતી નથી.”
રેલીમાં ઉપસ્થિત આદિવાસી સમાજે સ્પષ્ટ કર્યું કે તેમની જમીન, હકો અને સન્માન સાથે કોઈ સમાધાન સ્વીકાર્ય નહીં હોય. ખેડ સત્યાગ્રહની પરંપરા જાળવવા તેઓ સતત લડત આપશે તેવો ઉમળકો જોવા મળ્યો.
આ સમગ્ર ઘટનાને કારણે તાલુકા સ્તરે રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. કોંગ્રેસ નેતૃત્વ હવે સ્થાનિકોની માંગણીઓને લઈને દબાણમાં આવ્યું છે, જ્યારે આ વિરોધ પ્રદર્શન આગળના દિવસોમાં પ્રદેશ રાજકારણને પણ અસર કરશે તેવું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.






