
ખેરગામ જનતા માધ્યમિક શાળાના પાયા ના શિલ્પીનો ગૌરવ
શિક્ષક દિવસ નિમિત્તે ખેરગામ ગામમાં ભાવસભર સન્માન સમારંભ યોજાયો હતો. જનતા માધ્યમિક શાળાના પાયા ના શિલ્પી અને આજીવન આદર્શ શિક્ષક તરીકેનું જીવન વિતાવનાર 88 વર્ષીય શ્રી કાંતિભાઈ પી. ભરુચા સાહેબનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું.
જાણીતા કથાકાર પ્રફુલભાઈ શુક્લે શાલ અને હાર પહેરાવી ગુરુનું સન્માન કર્યું હતું. શાળા ટ્રસ્ટી અમરતભાઈ પટેલ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. વિશેષ વાત એ રહી કે પ્રફુલભાઈ અને અમરતભાઈ બંને ભરુચા સાહેબના જ વિદ્યાર્થીઓ છે. પોતાના જીવનમાં માર્ગદર્શક રહેલા ગુરુનું સન્માન કરવાનો અવસર મળતાં તેઓએ ગૌરવની લાગણી અનુભવી.
“ગુરુનું સન્માન કરવું એ જ સૌથી મોટું ગૌરવ”
પ્રફુલભાઈ શુક્લે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “જેની પાસે જીવનના પાઠ ભણ્યા છીએ, જે અમને શિક્ષણ ઉપરાંત જીવન જીવવાનો માર્ગ બતાવતા આવ્યા છે, એવા ગુરુનું આજના દિવસે સન્માન કરવું એ જ સૌથી મોટું આનંદ છે.”
ભરૂચા સાહેબે આ અવસરે પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું કે શિક્ષક માટે સૌથી મોટું ગૌરવ એ છે કે તેમના વિદ્યાર્થીઓ સમાજમાં સારું સ્થાન મેળવે અને જીવનમાં સફળ બને.
ખેરગામમાં યોજાયેલા આ લાગણીસભર કાર્યક્રમથી શિક્ષક દિવસના મૂલ્યોને નવેસરથી જીવંત કરવામાં આવ્યા હતા. એક વડીલ ગુરુ અને તેમના શિષ્યો વચ્ચેની આ ક્ષણ સમગ્ર ગામ માટે પ્રેરણાદાયી બની રહી.






