
વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલું ગામ સુખાલા. હરિયાળીથી ભરપૂર ધરતી અને કુદરતી સૌંદર્ય વચ્ચે એક યુવા ખેડૂત પોતાની મહેનત અને દૃઢસંકલ્પથી આજે સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. આ યુવા ખેડૂત છે – હાર્દિક પટેલ, જેમણે વિદેશી ફૂલ ઓર્કિટની ખેતી શરૂ કરીને ગામડાંમાં આધુનિક ખેતીનું એક જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે.

પરંપરાગત ખેતીથી આધુનિક ખેતી સુધીની સફર
હાર્દિકભાઈએ બી.એ. સુધીનું અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરીની શોધમાં ન નીકળતા ખેતીને જ જીવનધર્મ માન્યો. તેમણે વિચાર્યું કે માત્ર અનાજ ઉગાડવાથી જ નહીં, પરંતુ નવી ટેકનોલોજી અપનાવીને પણ ખેડૂત પોતાની કારકિર્દી ઘડી શકે છે. આ વિચાર સાથે તેમણે ખેતીમાં પ્રયોગ કરવાનો નિશ્ચય કર્યો.
શરૂઆતમાં જ્યારે ઓર્કિટની ખેતી વિષે જાણવા મળ્યું ત્યારે ખર્ચને લઈને હાર્દિકભાઈ મૂંઝવણમાં મુકાયા. એક એકર જમીન પર ઓર્કિટ ખેતી માટે અંદાજે રૂ. ૭૫ લાખ જેટલો ખર્ચ આવતો હતો, જે એક આદિવાસી યુવાન માટે અશક્ય લાગતો હતો. પરંતુ સરકારની કલ્યાણકારી યોજનાઓ તેમનાં સપનાને પાંખ આપવા તૈયાર હતી.

સરકારની યોજનાનો સાથ – સપનાને મળ્યો પંખ
વલસાડ જિલ્લાના બાગાયત વિભાગ દ્વારા હાર્દિકભાઈને પોલીહાઉસ સ્ટ્રકચર, પ્લાન્ટીંગ મટીરીયલ અને સોઈલ લેશ કલ્ચર જેવી ત્રણ યોજનાઓ હેઠળ કુલ રૂ. ૪૯ લાખની સબસિડી મળી. આટલી મોટી મદદથી હાર્દિકભાઈએ જોખમ લેવાની હિંમત કરી અને પુનાથી ૪૦,૦૦૦ ઓર્કિટના પ્લાન્ટ મંગાવી ખેતી શરૂ કરી.
“જો સરકાર સહાય ન આપત, તો કદાચ હું આ ખેતી કદી શરૂ જ ન કરી શક્યો હોત,” હાર્દિકભાઈ ઉમંગભેર કહે છે.
Ad..

ઓર્કિટ ખેતી – ઓછી મહેનતે વધુ આવક
ઓર્કિટની ખેતી પરંપરાગત ખેતીથી ઘણીઘણી અલગ છે. અહીં માટીનો ઉપયોગ થતો નથી. નાળિયેરની છાલ (કોકો સેલ)ને આધારે છોડ ઉછેરાય છે. આ પદ્ધતિથી બેકટેરિયા અને ફંગસની સમસ્યા ઓછી થાય છે. સાથે જ આરઓ વોટર દ્વારા સિંચાઈ કરવામાં આવે છે જેથી છોડને શુદ્ધ પાણી મળે અને ઉત્પાદનનું ગુણવત્તા જળવાઈ રહે.
ખેડૂત માટે આ ખેતી ઘણી સરળ બની જાય છે, કારણ કે ઓછી મજૂરીમાં પણ તે સફળતાપૂર્વક થઈ શકે છે. એક વાર પ્લાન્ટ રોપ્યા પછી તેનો આયુષ્ય દસ વર્ષ જેટલો હોય છે, એટલે કે સતત આવકનું સ્ત્રોત ખેડૂતને મળી રહે છે.
કમાણી અને બજારની ડિમાન્ડ
હાર્દિકભાઈ જણાવે છે કે, “સીઝનમાં હું મહિને એકથી દોઢ લાખ સુધી કમાઈ લઉં છું. ઓફ સિઝનમાં પણ આવક રૂ. ૬૦ થી ૭૦ હજાર રહે છે.”
ઓર્કિટના ફૂલની માંગ સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ ઊંચી છે. મુંબઈ અને સુરત જેવા શહેરોમાં તો ભારે માંગ છે જ, સાથે સાથે સિંગાપોર, દુબઈ, થાઈલેન્ડ અને અમેરિકા સુધી આ ફૂલ નિકાસ થાય છે. એક ડાળીની કિંમત રૂ. ૩૫ થી ૪૦ સુધી મળે છે, જ્યારે બુકે બનાવવામાં આવે તો તેનો ભાવ ૬૦૦ રૂપિયા સુધી પહોંચી જાય છે. સૌથી મોટો ફાયદો એ છે કે ઓર્કિટ ફૂલનું આયુષ્ય અન્ય ફૂલો કરતાં ઘણું લાંબું હોય છે – ઓછામાં ઓછા ૧૫ દિવસ સુધી તે તાજું રહે છે.
ગામડાંમાંથી વૈશ્વિક સ્તરે પ્રેરણા
એક આદિવાસી ગામના યુવાને આધુનિક ટેકનોલોજી અપનાવીને ખેતીમાં એવી સફળતા મેળવી કે આજે તે અન્ય યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બન્યો છે. ગામડાંના ખેડૂતને ફક્ત પરંપરાગત પદ્ધતિઓ પૂરતા મર્યાદિત રહેવાની જરૂર નથી, તે વૈશ્વિક બજારમાં સ્પર્ધા કરી શકે છે, તે હાર્દિકભાઈએ સાબિત કર્યું છે.
સરકારનો અભિગમ અને ભવિષ્યની દ્રષ્ટિ
વલસાડ જિલ્લાના નાયબ બાગાયત નિયામકશ્રી નિકુંજભાઈ પટેલ જણાવે છે કે, “યુવા ખેડૂત હાર્દિક પટેલ અનુસૂચિત જનજાતિના લાભાર્થી હોવાથી કુલ ૭૫ લાખના પ્રોજેક્ટ કોસ્ટ સામે તેમને રૂ. ૪૯ લાખની સબસિડી આપવામાં આવી છે. સરકારની સહાયથી તેઓ સમૃદ્ધ ખેતી કરી આત્મનિર્ભર બન્યા છે.”
સરકારનો હેતુ જ એવો છે કે શિક્ષિત યુવાનો ખેતી તરફ વળી ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાના ગામ અને જિલ્લાનું નામ રોશન કરે.
હાર્દિકભાઈનો સંદેશ
હાર્દિકભાઈ અંતે કહે છે – “ખેતી ક્ષેત્રે સફળ થવું છે તો હિંમત રાખવી જરૂરી છે. સરકારની અનેક યોજનાઓ છે, તેનો યોગ્ય રીતે લાભ લેવો જોઈએ. હું ઈચ્છું છું કે અન્ય યુવાનો પણ ખેતીને વ્યાવસાયિક દ્રષ્ટિકોણથી અપનાવે અને આત્મનિર્ભર બને.”
હાર્દિક પટેલની આ સફળતા કહાની માત્ર એક ખેડૂતની સિદ્ધિ નથી, પરંતુ સમગ્ર સમાજ માટે એક સંદેશ છે કે જો દ્રઢ ઈચ્છાશક્તિ હોય તો ગામડાંમાંથી પણ વૈશ્વિક બજારમાં સ્થાન મેળવી શકાય છે. વિદેશી ફૂલો આજે વલસાડની ધરતીને શોભાવી રહ્યા છે, પરંતુ આ ફૂલોથી વધુ તેજસ્વી છે – એક યુવા ખેડૂતની પ્રગતિશીલ વિચારસરણી અને અવિરત મહેનત.






