કપરાડા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીના હસ્તે નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ તેમજ પંચાયત સિંચાઈ વિભાગ, વલસાડના સંયુક્ત ઉપક્રમે ઓઝર ગામે અંદાજે રૂ.૧૨૦ લાખના ખર્ચે ઉદ્દ્વહન સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ મહત્વપૂર્ણ યોજનાથી ઓઝર ગામ સહિત આસપાસના વિસ્તારોના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું અને નિયમિત પાણી ઉપલબ્ધ બનશે.
કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ જણાવ્યું કે પાણી એટલે જીવન અને પાણી એટલે ખેતીનો આધાર. સિંચાઈની સુવિધા મજબૂત બનતાં ખેતી ઉત્પાદનક્ષમતામાં વધારો થશે, ખેડૂતોની આવક વધશે અને વરસાદ પરની નિર્ભરતા ઘટશે. વર્ષો સુધી પાણીની અછતથી પરેશાન રહેલા ખેડૂતો માટે આ યોજના આશીર્વાદરૂપ સાબિત થશે તેમ તેમણે ઉમેર્યું.
ઉદ્દ્વહન સિંચાઈ યોજના પૂર્ણ થતાં ખેતી ક્ષેત્રે નવી હરિયાળી આવશે અને ગ્રામ્ય અર્થવ્યવસ્થાને મજબૂતી મળશે. કાર્યક્રમમાં ગામના સરપંચ, પંચાયતના સભ્યો, વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. સૌએ સરકારની આ પહેલને આવકારી અને ઝડપી અમલની માંગ વ્યક્ત કરી હતી.
આ યોજનાથી નાનાપોઢા તાલુકાના કૃષિ વિકાસમાં નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.






