અમદાવાદ: આમ આદમી પાર્ટીના ગુજરાતના જાણીતા ખેડૂત નેતા રાજુભાઈ કરપડાના અચાનક રાજીનામા બાદ રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. કપાસ ઉત્પાદક ખેડૂતોના પ્રશ્ને લાંબુ અને આક્રમક આંદોલન ચલાવનાર રાજુભાઈ તાજેતરમાં જ 90 દિવસથી વધુ સમય જેલવાસ ભોગવી મુક્ત થયા હતા. તેમના રાજીનામાને આમ આદમી પાર્ટી માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે.
રાજુભાઈના રાજીનામા અંગે AAPના પ્રવકતા મનોજભાઈ સોરઠીયાએ `સાંજ સમાચાર’ સાથે વાતચીતમાં ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે, રાજુભાઈ પર સરકાર તરફથી ભારે દબાણ બનાવવામાં આવ્યું છે, જેના કારણે તેમને પક્ષ છોડવાનો નિર્ણય લેવો પડ્યો છે. સોરઠીયાના જણાવ્યા અનુસાર, રાજુભાઈ સામે એક જૂનો કેસ ચાલી રહ્યો છે, જેમાં સુરેન્દ્રનગર કોર્ટ દ્વારા તેમને સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં જાણીતા લોકગાયક દેવાયત ખવાડનું નામ પણ જોડાયેલું હોવાનું તેમણે જણાવ્યું હતું.
હાલ આ કેસ હાઈકોર્ટમાં પડતર છે અને જો રાજુભાઈને ત્યાંથી રાહત ન મળે તો તેમને પાંચ વર્ષની જેલ સજા માન્ય રહેશે. આવી સ્થિતિમાં તેઓ ચૂંટણી લડવા અયોગ્ય બનશે. આ કાયદાકીય દબાણને કારણે જ રાજુભાઈએ આમ આદમી પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હોવાનું સોરઠીયાએ જણાવ્યું છે.
AAP પ્રવકતાએ વધુમાં દાવો કર્યો કે, સરકાર દ્વારા માત્ર રાજુભાઈ જ નહીં પરંતુ પાર્ટીના અન્ય નેતાઓ સામે પણ કેસો કરીને દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સામે પણ 24 જેટલા કેસ દાખલ કરવામાં આવ્યા છે, જેથી તેમને ભાજપમાં જોડાવા માટે મજબૂર કરવામાં આવે. તેમના મતે, રાજ્ય સરકાર સંઘર્ષશીલ નેતાઓને કાનૂની જાળમાં ફસાવી આમ આદમી પાર્ટીને નબળી પાડવાની યોજના પર કામ કરી રહી છે.
રાજુભાઈ કરપડાના રાજીનામા બાદ હવે તેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં જોર પકડી રહી છે. જોકે રાજુભાઈ તરફથી હજુ સુધી આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. પરંતુ AAPના આરોપો બાદ રાજ્યના રાજકારણમાં નવી ચર્ચાનો વિષય ઊભો થયો છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, જો રાજુભાઈ જેવા લડાયક ખેડૂત નેતા ભાજપમાં જોડાય છે તો તે AAP માટે મોટું નુકસાન સાબિત થઈ શકે છે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં તેઓ મજબૂત પકડ ધરાવતા હતા. સાથે સાથે, આ ઘટના રાજ્યમાં વિપક્ષ પર કાયદાકીય દબાણના મુદ્દે નવી રાજકીય લડાઈને જન્મ આપી શકે છે.
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે હવે હાઈકોર્ટના નિર્ણય અને રાજુભાઈના આગામી રાજકીય પગલાં પર સૌની નજર ટકી છે.
રાજુભાઈ પર હાઈકોર્ટ કેસનું દબાણ! ભાજપમાં જોડાવાની ચર્ચા તેજ: `AAP’ પ્રવકતાનો મોટો આરોપ






