
રાજ્યની રાજનીતિમાં મહત્ત્વપૂર્ણ વળાંક સર્જાયો છે. આમ આદમી પાર્ટી (AAP)ના ખેડૂત સંગઠનના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના આ નિર્ણયથી પાર્ટી સંગઠનમાં ચર્ચા અને અટકળોનું બજાર ગરમાયું છે.
મળતી માહિતી મુજબ, રાજુ કરપડાએ પોતાનું રાજીનામું પાર્ટીના ઉચ્ચ નેતૃત્વને સોંપ્યું છે. રાજીનામાનાં કારણોને લઈને સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ આંતરિક મતભેદો અને સંગઠનાત્મક મુદ્દાઓને કારણે રાજીનામુ આપ્યું હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.
સાડાત્રણ મહિના જેલમાં રહ્યા, પણ ઇટાલિયાએ મદદ ન કરી આ રાજીનામા અંગે રાજકીય સૂત્રોએ જણાવ્યું હતું કે રાજુ કરપડા ગોપાલ ઇટાલિયાથી ભારોભાર નારાજ હતા. સાડાત્રણ મહિનાના જેલવાસ દરમિયાન તેને કોઈ મદદ નથી કે નથી તો તેની સાથે મુલાકાત કરી.
જ્યારે ગોપાલ ઇટાલિયા વિસાવદરથી વિધાનસભા ચૂંટણી લડતા હતા ત્યારે દોઢ મહિના સુધી રાજુ કરપડાએ ચૂંટણી જિતાડવા મહેનત કરી હતી, પરંતુ કપરા સમયમાં ઇટાલિયાએ મદદ ન કરતાં અંતે રાજીનામું ધરી દીધું છે.
રાજુ કરપડાની નજીકની વ્યક્તિએ કહ્યું કે સમગ્ર મુદ્દા પાછળ ગોપાલ ઇટાલિયા જવાબદાર છે. જે વ્યક્તિને જિતાડવા રાતદિવસ જોયા વગર દોઢ-દોઢ મહિનો લડ્યા તેણે જ ખરા સમયે હાથ ઊંચા કરી લેતાં લાગી આવ્યું છે.
ઇટાલિયા આંદોલન સમયે જશ ખાટવા દોડી ગયા ઇટાલિયાને વિવાસદર બેઠક પર ટિકિટ મળી એ સમયથી જ રાજુ કરપડા તેમની સાથે રહ્યા અને મહેનત કરી, પણ જ્યારે આંદોલન થયાં એ સમયે જશ ખાટવા ગોપાલ ઇટાલિયા દોડી આવ્યા, પરંતુ જેલવાસ દરમિયાન એકપણ વખત ખબર અંતર પૂછ્યા નથી. માત્ર એટલું જ નહીં, પરિવારને હિંમત આપી નથી કે કોઈપણ જાતનો લીગલ સપોર્ટ પણ કર્યો નથી.
લીગલ ખર્ચમાં જે પહોંચી શકે એમ નહોતા તેને કરપડાએ મદદ કરી ચૂંટાયેલા ધારાસભ્ય જો પાર્ટીના જ નેતાની મદદ ન કરે તો કામનું શું?. તેમજ લીગલ લડાઈ માટે પણ ખૂબ ખર્ચ કરવો પડ્યો, જે પોતાને જ ભોગવવાનો વારો આવ્યો હતો. અન્ય સાથી ખેડૂત મિત્ર જે ખર્ચમાં પહોંચી વળે એમ ન હતા એ લોકોને પણ રાજુ કપરાડા અને એના ગામ સાઈડના અન્ય ખેડૂતોએ મદદ કરી જેલમુક્ત કરાવ્યા છે.
કરપડાને જ્યારે મદદની જરૂર હતી એ ખરા સમયે જ ઇટાલિયા ખસી ગયા હતા.કરપડા જેલમુક્ત થતાં ઇટાલિયા દોડી ગયા હતા અંગત સૂત્રો કહે છે, જેલમુક્ત બાદ ગોપાલ ઇટાલિયા દોડી આવ્યા હતા અને જશ ખાટવા પ્રયાસ કર્યો હતો, પરંતુ જ્યારે મદદની જરૂર હતી એ ખરા સમયે જ ખસી ગયા હતા.
વિસાવદરમાં ખૂબ મહેનત કરી છતાં ઇટાલિયાએ એક કોલ કરવાની કે રૂબરૂ મુલાકાત કરવાની પણ તસદી લીધી નહોતી. પાર્ટીના અન્ય લોકો નહીં, પણ માત્ર ઇટાલિયાનો સ્વાર્થ જ આ રાજીનામા પાછળ હોવાનું જાણવા મળ્યું છે.






