
વલસાડ-ધરમપુર રોડ ઉપર આવેલા વાંકલ નજીક દુલસાડ ગામે નિર્મિત ૩૧ લાખ રુદ્રાક્ષથી તૈયાર કરાયેલા ૩૧ ફૂટ ઊંચા ભવ્ય રુદ્રાક્ષ શિવલિંગના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. મહાશિવરાત્રિ મહોત્સવ 2026 અંતર્ગત અહીં ધાર્મિક આસ્થા સાથે સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓનું અનોખું સંયોજન જોવા મળી રહ્યું છે. શિવલિંગના અભિષેક સાથે પૂજ્ય બટુકભાઈ વ્યાસના શ્રીમુખે ચાલી રહેલી શિવકથામાં હજારો શ્રદ્ધાળુઓ ભાવવિભોર બની જોડાઈ રહ્યા છે.
મહોત્સવ દરમિયાન ૧૪ ફેબ્રુઆરીએ ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત સમાજહિતને સ્પર્શતા અનેક સેવાકીય ઉપક્રમે વિશેષ આકર્ષણ જગાવ્યું હતું. જેમાં ૧૦૮ કુંવારીકાઓનું પરંપરાગત પૂજન વિધિવત રીતે સંપન્ન થયું હતું. આ સાથે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં યુવાનો અને ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ૨૫થી વધુ બોટલ રક્તદાન કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ ઉપરાંત શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના સહયોગથી આયોજિત નિઃશુલ્ક આંખ ચકાસણી કેમ્પમાં ૨૦૦થી વધુ લાભાર્થીઓને વિનામૂલ્યે ચશ્માં વિતરણ કરવામાં આવ્યા હતા. ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યસેવા પહોંચાડવાના આ પ્રયાસને સ્થાનિક લોકો અને ભક્તો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો.
મહાશિવરાત્રિ મહોત્સવ અંતર્ગત ચાલી રહેલી શિવકથા રવિવાર ૧૫ ફેબ્રુઆરીએ વિરામ લેશે, જ્યારે એ જ રાત્રિએ આખી રાત ચાલનારી વિશેષ મહાશિવરાત્રિ પૂજા અને અનુષ્ઠાન યોજાશે. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર રાત્રિ દરમિયાન ચાર પ્રહરના અભિષેક, યજ્ઞ અને જાપથી વાતાવરણ સંપૂર્ણ ભક્તિમય બની જશે.
વિશેષ વાત એ છે કે દુલસાડ ખાતે આ વર્ષે નિર્મિત આ ૩૧ ફૂટ ઊંચું રુદ્રાક્ષ શિવલિંગ વિશ્વનું સૌથી ઊંચું રુદ્રાક્ષથી બનેલું શિવલિંગ હોવાનું જણાવાઈ રહ્યું છે. મહાશિવરાત્રિના દિવસે તેના દર્શનનો અંતિમ અવસર રહેશે, ત્યારબાદ આ શિવલિંગના જાહેર દર્શન બંધ કરવામાં આવશે. તેથી ભક્તોમાં અંતિમ દિવસે વિશાળ સંખ્યામાં આવવાની તૈયારી જોવા મળી રહી છે.
મહોત્સવ સમિતિ તથા પૂજ્ય બટુકભાઈ વ્યાસ દ્વારા મહાશિવરાત્રિના પાવન અવસરે વધુમાં વધુ ભાવિક ભક્તોને દર્શન અને અભિષેકનો લાભ લેવા ભાવપૂર્વક અપીલ કરવામાં આવી છે. ધાર્મિક શ્રદ્ધા સાથે સેવા અને સંસ્કારના આ મહોત્સવે સમગ્ર વિસ્તારને ભક્તિરસમાં સરોબર કરી દીધો છે.




