નાનાપોઢા તાલુકાને નવી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજની મંજૂરી, આદિવાસી વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત

On: February 21, 2026 8:36 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જિલ્લાના નવા તાલુકા નાનાપોઢાને રાજ્ય સરકાર દ્વારા નવી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજની મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આગામી શૈક્ષણિક વર્ષથી રાજ્યભરમાં કુલ 16 નવી સરકારી કોલેજો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આદિજાતિ વિસ્તાર તરીકે નાનાપોઢા તાલુકાનો સમાવેશ થયો છે. નવી કોલેજ શરૂ થતાં વિસ્તારના વિદ્યાર્થીઓને હવે ઉચ્ચ શિક્ષણ માટે દૂર શહેરોમાં જવાની ફરજ નહીં પડે અને પોતાના તાલુકામાં જ સરકારી કોલેજમાં અભ્યાસ કરવાની સુવિધા મળશે.
હાલમાં સરકારી કોલેજોની સંખ્યા મર્યાદિત હોવાથી વિદ્યાર્થીઓને મજબૂરીવશ સ્વનિર્ભર (ખાનગી) કોલેજોમાં પ્રવેશ લેવો પડતો હતો અથવા નજીકના શહેરોમાં અભ્યાસ માટે જવું પડતું હતું. ખાસ કરીને આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે આ સ્થિતિ મુશ્કેલ બની રહેતી હતી. અનેક વખત રજૂઆતો છતાં લાંબા સમયથી નવી સરકારી કોલેજ શરૂ કરવામાં આવી નહોતી, પરંતુ હવે રાજ્ય સરકારના નિર્ણયથી વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે.
આ યોજનાના ભાગરૂપે આદિજાતિ વિસ્તારોમાં અનેક નવી કોલેજો શરૂ થવાની છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના હડાદ, વલસાડ જિલ્લાના નાનાપોઢા, મહિસાગરના ગોધરા, દાહોદના કદવાલ, છોટાઉદેપુરના કઠવાલ, સુરત જિલ્લાના અરેઢ અને અંબિકા તેમજ નવસારી જિલ્લાના ખેરગામમાં કોલેજો શરૂ થશે. ઉપરાંત કેટલાક વિસ્તારોમાં નવા પ્રવાહો પણ શરૂ કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને વધુ વિકલ્પો ઉપલબ્ધ થશે.
આ મહત્વપૂર્ણ નિર્ણય બદલ જીતુભાઈ ચૌધરીએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ, રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) ઈશ્વરસિંહ પટેલ તથા પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.
સ્થાનિક એપીએમસી ચેરમેન અને સરપંચ મુકેશભાઈ પટેલે કોલેજની મંજૂરી મળતાં ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે નાનાપોઢા અને આસપાસના ગામોના વિદ્યાર્થીઓ માટે આ કોલેજ આશીર્વાદ સમાન સાબિત થશે. કોલેજ શરૂ થવાની જાહેરાત થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ આનંદની લાગણી પ્રસરી ગઈ છે.
અત્યાર સુધી મેરિટમાં આવતાં અનેક વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વલસાડ, નવસારી, વાપી અથવા સુરત જેવા શહેરોમાં જવું પડતું હતું. આર્થિક રીતે નબળા પરિવારો માટે આ ખર્ચાળ બનતું હતું. હવે પોતાના તાલુકામાં જ સરકારી કોલેજ ઉપલબ્ધ બનતાં ઉચ્ચ શિક્ષણનો દર પણ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજ્ય સરકાર દ્વારા આગામી શૈક્ષણિક સત્રથી નવી કોલેજો શરૂ કરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે નાનાપોઢા તાલુકો શિક્ષણક્ષેત્રે મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસશે તેવી આશા સેવાઈ રહી છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!