
મૌનનું ભારણ
ઘણા પુરુષોની સૌથી મોટી સમસ્યા એ છે કે તેઓ પોતાના મનની વાત કોઈને કહી શકતા નથી. તેઓ પોતાની ચિંતા, દુઃખ કે તણાવ પોતાના દિલમાં જ રાખે છે. બહારથી શાંત અને સામાન્ય દેખાતા પુરુષ અંદરથી અનેક વિચારો અને ચિંતાઓ સાથે સંઘર્ષ કરતા હોય છે. આ મૌન ધીમે ધીમે તેમના મન પર ભારણ બની જાય છે.
પુરુષ ઘણીવાર પોતાની સમસ્યાઓ શેર કરવાનું ટાળે છે. તેમને લાગે છે કે પોતાની મુશ્કેલીઓ કહેવી એ નબળાઈ બતાવવાનું સમાન છે. કેટલાક પુરુષોને તો એ પણ ભય રહે છે કે તેમની વાતને ગંભીરતાથી લેવામાં નહીં આવે અથવા લોકો તેમને સમજશે નહીં. પરિણામે તેઓ મૌન રહેવાનું પસંદ કરે છે.
પરંતુ સતત મૌન રહેવું સરળ નથી. જ્યારે મનમાં વાતો ભેગી થતી જાય છે ત્યારે અંદર તણાવ વધે છે. આ તણાવ ક્યારેક ચીડચીડાપણું કે ગુસ્સા રૂપે બહાર આવે છે. ઘણી વખત પત્ની અથવા પરિવારને લાગે છે કે પુરુષ નાની વાતમાં ગુસ્સે થઈ જાય છે, પરંતુ હકીકતમાં તે લાંબા સમયથી ભેગા થયેલા તણાવનું પરિણામ હોય છે.
આ પરિસ્થિતિમાં પત્ની અને પરિવારનો સહયોગ ખૂબ જરૂરી બને છે. જો પત્ની પતિને શાંતિથી સાંભળે, તેની વાતને મહત્વ આપે અને તેને વિશ્વાસ અપાવે કે તે એકલો નથી, તો પુરુષ માટે મન હળવું કરવું સરળ બની શકે છે. ઘણીવાર માત્ર કોઈ ધ્યાનથી સાંભળે એટલું જ પુરુષ માટે મોટી રાહત બની જાય છે.
મૌન તોડવું સરળ નથી, પરંતુ પ્રેમ અને વિશ્વાસથી તે શક્ય બને છે. જ્યારે પુરુષને લાગે છે કે તેની વાત સમજવામાં આવશે, ત્યારે તે ધીમે ધીમે ખુલીને વાત કરવા લાગે છે.
આખરે એટલું જ સમજવું જરૂરી છે કે મૌન પુરુષની તાકાત નથી, ઘણીવાર તેની પીડા હોય છે. જો પરિવાર આ મૌનને સમજી શકે તો ઘણા મતભેદો આપોઆપ દૂર થઈ શકે છે અને સંબંધોમાં નજીકતા વધે છે.
***************
આવતી કાલે વાંચો
જવાબદારી અને તણાવ






