વલસાડ જિલ્લાના નાનાપોઢા પોલીસ મથકે સેવા બજાવનાર પોલીસ ઇન્સ્પેક્ટર ભીમસિંહ બેરાની બદલી થતાં તેમની માનમાં ભવ્ય અને ભાવભરી વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ નવ નિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટરનું ઉષ્માભર્યું આવકાર સમારંભ પણ યોજાયો હતો, જેમાં તાલુકાના અગ્રણીઓ, પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તથા સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પોલીસ ઇન્સ્પેક્ટર ભીમસિંહ બેરાએ નાનાપોઢા વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી વધુ સમય સુધી નોંધપાત્ર સેવા આપી હતી. તેમના કાર્યકાળ દરમિયાન તાલુકામાં કાયદો અને વ્યવસ્થા મજબૂત રીતે જાળવાઈ રહી હતી. સાથે જ તેઓએ પોલીસ અને પ્રજા વચ્ચેનો અંતર દૂર કરીને વિશ્વાસનો પુલ બાંધવાનો પ્રયત્ન કર્યો હતો. તેમની સરળતા, નિષ્ઠા અને પારદર્શક કામગીરીને કારણે તેઓ સ્થાનિકોમાં લોકપ્રિય અધિકારી તરીકે ઓળખ મેળવવામાં સફળ રહ્યા હતા.
વિદાય સમારંભ દરમિયાન ભીમસિંહ બેરાને શાલ-શ્રીફળ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત અગ્રણીઓએ તેમના કાર્યની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે તેઓએ હંમેશા ન્યાયી અને માનવતાભર્યો અભિગમ અપનાવ્યો હતો, જેના કારણે સામાન્ય પ્રજાજનોને પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો હતો.
આ પ્રસંગે પોતાના સંબોધનમાં ભીમસિંહ બેરાએ ભાવુક સ્વરે જણાવ્યું હતું કે “પ્રેમ અને સહકારથી કામ લેવાય તો દરેક કાર્ય સરળ બને છે.” તેમણે ઉમેર્યું કે અધિકારી હોવાનો અર્થ કોઈને દબાવવા કે અપમાનિત કરવાનો નથી, પરંતુ સૌ સાથે સમાનતા અને સંવેદનશીલતાથી વર્તવું એ જ સાચી ફરજ છે. પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે બંધારણના નિયમો મુજબ કામગીરી કરી અને દરેક વ્યક્તિનું કામ સમયસર પૂર્ણ થાય તે માટે પ્રયત્ન કર્યો હોવાનું જણાવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે નાનાપોઢાની પ્રજા સાથે જોડાયેલો સંબંધ તેમના માટે હંમેશા યાદગાર રહેશે. અહીંના શાંતિપ્રિય લોકો અને કુદરતી સૌંદર્યથી ભરપૂર વાતાવરણને છોડીને હવે તેઓ શહેરના કોન્ક્રીટ વિસ્તારમાં જઈ રહ્યા છે, જે તેમને યાદ આવશે. તેમણે જણાવ્યું કે અહીંના લોકોએ આપેલો સહકાર અને પ્રેમ જીવનભર યાદ રહેશે અને ભવિષ્યમાં પણ કોઈને જરૂર પડે તો તેઓને નિઃસંકોચ સંપર્ક કરી શકાય છે.
આ અવસરે એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારી નિયમો મુજબ અધિકારીઓની બદલી થતી હોય છે, પરંતુ ભીમસિંહ બેરા જેવા સારા અને સહજ સ્વભાવના અધિકારી દુર્લભ હોય છે. તેમણે લોકો સાથે મિત્રતાભર્યો સંબંધ જાળવીને એક સકારાત્મક છાપ છોડી છે.
ભાજપ પ્રમુખ વિપુલભાઈ ભોયા તેમજ પૂર્વ ભાજપ પ્રમુખ રમેશભાઈ ગાંવીતે પણ ભીમસિંહ બેરાની કામગીરીને બિરદાવતા તેમને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે બેરાએ પોલીસ અધિકારી તરીકે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી અને પ્રજાના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલ અભિગમ દાખવ્યો.
કાર્યક્રમ દરમિયાન મંગુભાઈ ગાંવીત, હિતેશભાઈ પટેલ, નશિરભાઈ પઠાણ તેમજ હરીશભાઈ પટેલ સહિત અનેક આગેવાનો, સરપંચો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સમારંભનો અંત સૌએ ભીમસિંહ બેરાને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી અને નવ નિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટરને સહકાર આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.






















