વલસાડ તાલુકાના બિનવાડા ગામે સ્થિત જલારામ ધામ ખાતે રમણભાઈ ભગતજીના નિવાસસ્થાને હનુમાન પ્રાગટ્ય ઉત્સવ ભક્તિભાવ સાથે ભવ્ય રીતે ઉજવાયો હતો. આ પાવન પ્રસંગે પ્રખ્યાત કથાકાર પ્રફુલભાઈ શુક્લ ના પવિત્ર સાનિધ્યમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને ગામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન 108 હનુમાન ચાલીસા પાઠનું પઠન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. સાથે સાથે 108 પાનના બીડાં અને 11 ફળોની આહુતિ સાથે વિશેષ હવન યજ્ઞ પણ યોજાયો હતો. આ યજ્ઞમાં શ્રદ્ધાળુઓએ પોતાના કુટુંબના સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થનાઓ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન ગામના સરપંચશ્રી કુસુમબેન પટેલના માર્ગદર્શન હેઠળ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત શ્રોતાઓને સંબોધતા પ્રફુલભાઈ શુક્લએ જણાવ્યું હતું કે આજના યુવાનો માટે સાચો આદર્શ પશ્ચિમના કલાકારો નથી, પરંતુ હિન્દુસ્તાનના યુવાનો માટે ભગવાન હનુમાનજી જ સત્ય આદર્શ છે. તેમણે કહ્યું કે હનુમાનજી રામના પરમ ભક્ત, સેવક અને સખા તરીકે જાણીતા છે અને તેમનું જીવન સંપૂર્ણ સમર્પણ, શ્રદ્ધા અને શક્તિનું પ્રતિક છે. યુવાનોને તેમના જીવનમાંથી પ્રેરણા લઈ સકારાત્મક માર્ગ પર આગળ વધવું જોઈએ.
કાર્યક્રમમાં રેખાબેન શુક્લ (ખેરગામ), ભાજપ જિલ્લા ઉપપ્રમુખ જીગીતાબેન પટેલ, પ્રજ્ઞેશભાઈ આર. પટેલ, દીપકભાઈ, જ્યંતિભાઈ, કિશોરભાઈ, તુષારભાઈ, અક્ષીતભાઈ, શંકરભાઈ બાલદા તેમજ જલારામ યુવક મંડળના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવામાં યોગદાન આપ્યું હતું.
અંતમાં પ્રજ્ઞેશભાઈ રમણભાઈ પટેલ દ્વારા આભારવિધિ વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમના સમાપન સમયે હનુમાનજીની સમૂહ આરતી કરવામાં આવી અને ત્યારબાદ તમામ ભક્તોને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ભક્તિ, શ્રદ્ધા અને સામાજિક એકતાનું અનોખું ઉદાહરણ બની રહ્યો હતો.
હનુમાન પ્રાગટ્ય ઉત્સવે બિનવાડા ગામે ભક્તિનો માહોલ : યુવાનો માટે હનુમાનજી જ સાચા આદર્શ – પ્રફુલભાઈ શુક્લ






