૧ મે, ૧૯૬૦ના રોજ ગુજરાતે સ્વતંત્ર રાજ્ય તરીકે જન્મ લીધો અને આજે ૬૬મા સ્થાપના દિવસે સમગ્ર રાજ્ય ગૌરવ અને ગૌરવગાનની લાગણીથી ઓતપ્રોત છે. આ માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ ગુજરાતના ગૌરવશાળી ઇતિહાસ, સંસ્કૃતિ, સંઘર્ષ અને વિકાસયાત્રાનું પ્રતિબિંબ છે. રવિશંકર મહારાજ અને ઇન્દુલાલ યાજ્ઞિક જેવા મહાપુરુષોના અવિરત પુરુષાર્થથી સિંચાયેલી આ ગુર્જર ધરાએ દેશને અનેક રત્નો આપ્યાં છે. “જય જય ગરવી ગુજરાત”ના ગુંજતા નાદ સાથે આજે સમગ્ર રાજ્યમાં અરુણ પ્રભાતનું મહિમાગાન સાર્થક બન્યું છે.
ગુજરાતના પનોતા પુત્રો તરીકે ઓળખાતા નરેન્દ્ર મોદી અને અમિત શાહ આજે દેશના વડાપ્રધાન અને ગૃહપ્રધાન તરીકે રાષ્ટ્રની બાગડોર સંભાળી રહ્યા છે, જે રાજ્ય માટે ગૌરવની વાત છે. ગુજરાતની ધરતી પર ઉગેલા આ નેતાઓએ માત્ર રાજ્ય નહીં પરંતુ દેશને નવી દિશા આપી છે. તેમના નેતૃત્વમાં ભારત વિકાસશીલમાંથી વિકસિત રાષ્ટ્ર બનવાના માર્ગે આગળ વધી રહ્યું છે.
યોગાનુયોગ, સુરતમાં યોજાઈ રહેલી પ્રાદેશિક વાયબ્રન્ટ સમિટ રાજ્યના ભવિષ્યના વિકાસ માટે માર્ગદર્શન પૂરું પાડશે. આ સમિટ ગુજરાતને વૈશ્વિક રોકાણ અને ઉદ્યોગના કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવશે. સ્થાપના દિવસ પહેલાં જાહેર થયેલા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ચૂંટણી પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય નોંધાવ્યો છે, જે જનસમર્થન અને વિકાસપ્રત્યેના વિશ્વાસનું પ્રતિબિંબ છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ પ્રસંગે જણાવ્યું હતું કે, એક સમયે રણ, દરિયો અને ડુંગર ધરાવતું ગુજરાત કેવી રીતે આગળ વધશે તે પ્રશ્ન હતો, પરંતુ આજે રાજ્ય સુનિયોજિત વિકાસનું રોલમોડેલ બની ગયું છે. “વિકસિત ભારત ૨૦૨૭”ના વિઝન સાથે ગુજરાત અનેક પ્રકલ્પો દ્વારા દેશના વિકાસમાં અગ્રેસર બની રહ્યું છે.
ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે પણ કહ્યું હતું કે ભારત હવે વિકાસશીલમાંથી વિકસિત રાષ્ટ્ર બનવાનું છે. આજના સમયમાં દેશ તે દિશામાં આગળ વધી રહ્યો છે અને આ યાત્રામાં ગુજરાતનું સ્થાન અગ્રણી છે. ગુજરાતનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. ૨૫૦૦ વર્ષથી પણ વધુ સમયથી વહાણવટા દ્વારા વિશ્વ સાથે જોડાયેલું આ રાજ્ય વેપાર અને સંસ્કૃતિનું કેન્દ્ર રહ્યું છે.
સ્વતંત્રતાની લડતમાં પણ ગુજરાતે દેશને માર્ગદર્શન આપ્યું. મહાત્મા ગાંધીજીએ વિશ્વને અહિંસા અને સત્યનો માર્ગ બતાવ્યો, જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલે રાષ્ટ્રની એકતાનું અદ્વિતીય ઉદાહરણ પૂરું પાડ્યું. આવા અનેક મહાપુરુષોએ આ ધરતીને ગૌરવ અપાવ્યું છે.
ગુજરાત હંમેશા વિકાસનો પર્યાય રહ્યું છે. ધર્મ, શિક્ષણ, સાહિત્ય, રમતગમત અને વેપાર-ઉદ્યોગ જેવા દરેક ક્ષેત્રમાં રાજ્યએ વિશ્વસ્તરીય પ્રતિભાઓ આપી છે. ૧૯૬૦ પછી રાજ્યએ ઝડપી વિકાસ નોંધાવ્યો છે. નદીઓ, દરિયો અને ઉદ્યોગોથી સમૃદ્ધ આ રાજ્ય પ્રજાના પરિશ્રમથી સતત આગળ વધતું રહ્યું છે.
પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા, પંચાયતીરાજના પ્રણેતા બળવંતરાય મહેતા, ચીમનભાઈ પટેલ અને કેશુભાઈ પટેલ જેવા નેતાઓએ રાજ્યના વિકાસને દિશા આપી. ખાસ કરીને નરેન્દ્ર મોદીના શાસનકાળમાં ગુજરાત વૈશ્વિક વિકાસનું કેન્દ્ર બન્યું. પ્રવાસન, ટેક્નોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે રાજ્યએ નોંધપાત્ર પ્રગતિ કરી.
પાછલા મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યકાળ દરમિયાન કુદરતી આપદાઓના પડકારો છતાં વિકાસ યાત્રા અટકી નહોતી. હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ યાત્રાને વધુ મજબૂત બનાવી રહ્યા છે. ગુજરાત આજે વિશ્વસ્તરના ઉદ્યોગગૃહો અને યુનિવર્સિટીઓનું કેન્દ્ર છે.
ક્યારેક એવી ચર્ચા થાય છે કે વિકાસ માટે દારૂબંધી હટાવવી જોઈએ, પરંતુ ગુજરાતે સાબિત કર્યું છે કે મૂલ્યો સાથે પણ વિકાસ શક્ય છે. રાજ્યએ દારૂબંધી જાળવી રાખીને વિકાસનું ઉત્તમ મોડેલ ઉભું કર્યું છે.
આજે સ્વતંત્રતાની સદી તરફ આગળ વધી રહેલા ભારત સાથે ગુજરાત પણ વિકસિત બનવાનું સ્વપ્ન જોઈ રહ્યું છે. શાસકો, પ્રશાસન અને પ્રજાએ માત્ર પોતાની નિયત સ્વચ્છ રાખવાની છે, કારણ કે વિકાસ તો ગુજરાતની નિયતિ છે.
૬૬મા સ્થાપના દિવસે ગુજરાત ફરી એકવાર પોતાના ગૌરવશાળી ઇતિહાસ અને ઉજ્જવળ ભવિષ્ય તરફ ગર્વભેર નજર કરે છે. “જય જય ગરવી ગુજરાત”ના ગુંજતા નાદ સાથે રાજ્ય નવી ઊંચાઈઓ સર કરવા માટે સજ્જ છે.
વિકાસશીલ નહીં, વિકસિત ગુજરાત : જય જય ગરવી ગુજરાત 66મા સ્થાપના દિવસે વિકાસયાત્રાનો ગૌરવગાન






