News

હનમતમાળ અને આંબોસી ભવઠાણની 70 બહેનોની KVK અંભેટી ખાતે એક્સપોઝર વિઝીટ


ધરમપુર તાલુકાના હનમતમાળ અને આંબોસી ભવઠાણ ગામ ખાતે ગુજરાત વિદ્યાપીઠ સંચાલિત જન શિક્ષણ સંસ્થાન દ્વારા મશરૂમ ઉત્પાદન અને વર્મી કંપોસ્ટની તાલીમ લઈ રહેલી આશરે 70 તાલીમાર્થી બહેનો માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અંભેટી ખાતે એક્સપોઝર વિઝીટનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના નિયામક રીનલકુમાર આહિર તથા સ્ટાફના સહયોગથી યોજાયેલી આ મુલાકાતનો મુખ્ય હેતુ તાલીમાર્થી બહેનોને કૃષિ આધારિત રોજગાર અને સ્વરોજગારની વ્યવહારુ માહિતી પૂરી પાડવાનો હતો.
એક્સપોઝર વિઝીટ દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિયામક ડૉ. રાજેન્દ્રસિંહ ઠાકોરે કેન્દ્રનો પરિચય કરાવતા તેની વિવિધ કામગીરી, ખેડૂતો માટેની સેવાઓ તેમજ કેન્દ્ર દ્વારા યોજાતી વિવિધ તાલીમ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે તાલીમાર્થીઓને કૃષિ ક્ષેત્રમાં નવી ટેક્નોલોજી અને વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને આવકના નવા સ્ત્રોત ઊભા કરવાની દિશામાં માર્ગદર્શન આપ્યું હતું.

Advertisement

કેન્દ્રના ગૃહ વૈજ્ઞાનિક પ્રેમિલાબેન આહિરે તાલીમાર્થી બહેનોને મશરૂમના વિવિધ પ્રકારો, તેની ઉત્પત્તિ, ઉપયોગિતા, ઉત્પાદન પદ્ધતિ, મહત્વ તેમજ મશરૂમ ઉત્પાદન થકી ઊભી થતી રોજગારીની તકો અંગે વિસ્તૃત સમજ આપી હતી. મશરૂમનું ઓછા ખર્ચે ઉત્પાદન કરી ઘરઆંગણે આવક ઊભી કરી શકાય તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી.

આ ઉપરાંત KVKના ફાર્મ મેનેજર પરેશભાઈ પટેલે વર્મી કંપોસ્ટ ખાતર બનાવવાની વૈજ્ઞાનિક પદ્ધતિ સમજાવી હતી. તેમણે વર્મી કંપોસ્ટનું પ્રાકૃતિક ખેતીમાં મહત્વ, જમીનની ફળદ્રુપતા વધારવામાં તેની ભૂમિકા તેમજ તેના ઉત્પાદન થકી સ્વરોજગારની તકો અંગે તાલીમાર્થી બહેનોને માર્ગદર્શન આપ્યું હતું.
આ એક્સપોઝર વિઝીટથી તાલીમાર્થી બહેનોને મશરૂમ ઉત્પાદન અને વર્મી કંપોસ્ટ અંગે પ્રત્યક્ષ અને વ્યવહારુ જ્ઞાન મળ્યું હતું. તાલીમના માધ્યમથી ગ્રામ્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને કૃષિ આધારિત રોજગારની નવી તકો ઊભી કરવાના પ્રયાસને આ કાર્યક્રમ મહત્વપૂર્ણ બન્યો હતો.
Did you like this feature?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *