News

વલસાડમાં સમરસ વિદ્યા સેતુ અભિયાનનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

શાળામાં પુનઃ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ સહિત ૪૩ લોકોનું સન્માન — ચાલુ વર્ષે ૬૦૬૦ વિદ્યાર્થીઓએ પુનઃ શાળામાં પ્રવેશ મેળવ્યો

Advertisement

કપરાડા-નાનાપોઢામાં શિક્ષણથી વંચિત બાળકોનો સર્વે જરૂરી

કપરાડા અને નાનાપોઢા તાલુકાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં આજે પણ કેટલાક એવા પરિવારો વસે છે, જેઓ મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આર્થિક સંકડામણ, સ્થળાંતર અને જરૂરી દસ્તાવેજોના અભાવે આવા પરિવારોના કેટલાક બાળકો હજુ પણ શિક્ષણથી વંચિત રહી ગયા હોવાની સ્થિતિ સામે આવી રહી છે.

ખાસ કરીને કેટલાક વિદ્યાર્થીઓ પાસે આધારકાર્ડ, જાતિનો દાખલો સહિતના જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાથી શાળામાં પ્રવેશ મેળવવામાં મુશ્કેલી ઊભી થતી હોવાનું જાણવા મળે છે. શિક્ષણનો અધિકાર દરેક બાળક સુધી પહોંચે તે માટે માત્ર શાળામાં પ્રવેશોત્સવ યોજવો પૂરતો નથી, પરંતુ શાળાની બહાર રહેલા બાળકોની ઓળખ કરી તેમને શિક્ષણ સાથે જોડવા માટે ઘરઘર સર્વે કરવાની જરૂરિયાત છે.

આ માટે ગ્રામ પંચાયતના સરપંચો, શાળાના શિક્ષકો, આચાર્યો તથા આંગણવાડી બહેનોને સાથે રાખીને ગામવાર અને ફળિયાવાર સર્વે હાથ ધરવામાં આવે તો વાસ્તવિક સ્થિતિ સામે આવી શકે છે. જે બાળકો શાળામાં નથી જતા તેમના પરિવારની આર્થિક સ્થિતિ, સ્થળાંતર, દસ્તાવેજોની સમસ્યા સહિતના કારણો જાણી તાત્કાલિક ઉકેલ લાવવો જરૂરી છે.

કપરાડા અને નાનાપોઢા તાલુકામાં “એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે” તેવા લક્ષ્ય સાથે વિશેષ સર્વે અને માર્ગદર્શન અભિયાન શરૂ કરવામાં આવે તો અનેક બાળકોનું ભવિષ્ય શિક્ષણના ઉજાસથી ઉજળી શકે છે.

રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરીયમ ખાતે ‘સમરસ વિદ્યા સેતુ અભિયાન’ અંતર્ગત જિલ્લા કક્ષાનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોને ફરીથી શાળામાં જોડવાના પ્રયાસોને પ્રોત્સાહન આપતા આ કાર્યક્રમમાં શાળામાં પુનઃ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ તેમને શિક્ષણના પ્રવાહમાં પરત લાવવા માટે મહેનત કરનાર શિક્ષકો, સરપંચો, બી.આર.સી., સી.આર.સી., બી.આર.પી. અને વાલીઓ સહિત કુલ ૪૩ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમને સંબોધતા મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક સમયે શાળામાંથી વિદ્યાર્થીઓ, ખાસ કરીને દીકરીઓના ડ્રોપઆઉટનું પ્રમાણ ચિંતાજનક હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ જેવી પહેલો શરૂ કરવામાં આવી હતી. આ અભિયાનના માધ્યમથી દરેક બાળકને શિક્ષણ સાથે જોડવા માટે સરકાર, શિક્ષકો, વાલીઓ અને સમાજના આગેવાનો દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે, દીકરો હોય કે દીકરી, દરેક બાળકને શાળાએ પહોંચાડવાની જવાબદારી સમાજે સ્વીકારી છે. બાળકોને આંગળી પકડીને શાળા સુધી પહોંચાડવાના પ્રયાસોના પરિણામે રાજ્યમાં ડ્રોપઆઉટ રેશિયો સતત ઘટી રહ્યો છે અને હવે તે શૂન્ય તરફ આગળ વધી રહ્યો છે. વલસાડ જિલ્લામાં પણ શિક્ષકો, સરપંચો અને વાલીઓની જાગૃતિ અને મહેનતના પરિણામે ચાલુ વર્ષ દરમિયાન ૬૦૬૦ વિદ્યાર્થીઓએ ફરીથી શાળામાં પ્રવેશ મેળવ્યો છે, જે સમગ્ર શિક્ષણ પરિવાર માટે ગૌરવની બાબત છે.

મંત્રીશ્રીએ અગાઉના સમયની સરખામણી કરતા જણાવ્યું હતું કે, એક સમય એવો હતો જ્યારે શાળામાં નળિયું બદલવા જેવી નાની કામગીરી માટે પણ મુશ્કેલી પડતી હતી. આજે રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે માળખાકીય સુવિધાઓ, શિક્ષકોની ભરતી અને વિદ્યાર્થીઓને જરૂરી સવલતો પૂરી પાડવા માટે કોઈ કચાશ રાખતી નથી. તાજેતરમાં નાનાપોંઢાના બાલચોંડી ખાતે રૂ. ૨.૪૩ કરોડના ખર્ચે અદ્યતન શાળા મકાનનું નિર્માણ કરવામાં આવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષકોની ભરતીમાં પણ પારદર્શિતા જળવાઈ રહી છે. ઉચ્ચ શિક્ષણ ધરાવતા શિક્ષકોની ભરતી કોઈ લાગવગ કે એક પણ રૂપિયાની લેવડદેવડ વિના પારદર્શક રીતે કરવામાં આવી રહી છે. શિક્ષણ ક્ષેત્રમાં થયેલા આ પરિવર્તનોના કારણે સરકારી શાળાઓ પણ ખાનગી શાળાઓને ટક્કર આપી રહી છે. સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા અને સુવિધાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.

વલસાડ જિલ્લામાં રોજગાર અને ઉદ્યોગની અનેક તકો ઉપલબ્ધ હોવાથી અન્ય જિલ્લાઓ અને રાજ્યોમાંથી લોકો અહીં આવી રહ્યા હોવાનું જણાવતાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આવા સંજોગોમાં જિલ્લામાં રહેતા એક પણ બાળકને શિક્ષણથી વંચિત રહેવા દેવામાં આવશે નહીં. બાળકનું ભવિષ્ય ઘડવામાં શિક્ષકની ભૂમિકા અત્યંત મહત્વની છે. શિક્ષકોએ બાળકોને પૂરતો સમય આપવો જોઈએ અને સમયસર શાળામાં હાજર રહેવું જોઈએ. નવા ભારતના ઘડતરમાં શિક્ષકોનું દાયિત્વ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

તેમણે વાલીઓ સાથે સતત સંપર્ક જાળવવા પર પણ ભાર મૂક્યો હતો. દર મહિને ઓછામાં ઓછું એક વખત વાલીઓને શાળામાં બોલાવી બાળકના અભ્યાસ, હાજરી અને પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવે તો શિક્ષક અને વાલી વચ્ચે આત્મીયતા વધશે અને બાળકના શિક્ષણમાં પણ સકારાત્મક પરિણામો જોવા મળશે.

તાજેતરમાં વલસાડ જિલ્લામાં આવેલા ભારે પૂરના કારણે વિદ્યાર્થીઓના પુસ્તકો પલળી જવાથી થયેલા નુકસાનનો ઉલ્લેખ કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈ તાત્કાલિક પગલાં લીધાં હતાં. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીના માર્ગદર્શન હેઠળ બાળકોને નવા પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. પૂરના કારણે કેટલીક શાળાઓના કમ્પ્યુટર સહિતના સાધનોને નુકસાન થયું હતું, ત્યારે વીમા કંપનીઓને પણ જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. આથી સ્પષ્ટ થાય છે કે શિક્ષણના ક્ષેત્રે સરકાર કોઈપણ પ્રકારની કચાશ રાખવા માગતી નથી.

જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન જે. પટેલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષકો, વાલીઓ, સરપંચો અને ગામના આગેવાનો દ્વારા કરવામાં આવી રહેલી મહેનત પ્રશંસનીય છે. શાળામાં પુનઃ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ પણ અભિનંદનને પાત્ર છે. શિક્ષણ મેળવવાની અમૂલ્ય તક દરેકને મળતી નથી, તેથી વિદ્યાર્થીઓએ મન લગાવીને અભ્યાસ કરી ઉજ્જવળ કારકિર્દી બનાવવી જોઈએ.

તેમણે નવી શિક્ષણ નીતિનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, સરકાર બાળકના જન્મ પહેલાંથી જ તેના વિકાસ અને કલ્યાણ અંગે ચિંતિત છે. નવી શિક્ષણ નીતિના કારણે શિક્ષણ વ્યવસ્થામાં અનેક મહત્વપૂર્ણ ફેરફારો આવ્યા છે. હવે માત્ર સરકારી કે ખાનગી નોકરી મેળવવી એ જ કારકિર્દીનો વિકલ્પ નથી. વિવિધ કૌશલ્ય આધારિત અભ્યાસક્રમો અને વોકેશનલ ટ્રેનિંગ દ્વારા યુવાનો પોતાનો વ્યવસાય શરૂ કરી સારી આવક મેળવી શકે છે. નવી નીતિ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે વિવિધ નવી તકો ઊભી થઈ છે અને હવે એક સાથે બે ડિગ્રી મેળવવાની પણ તક ઉપલબ્ધ બની છે.

કાર્યક્રમમાં વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, ધરમપુર તાલુકા પંચાયત પ્રમુખ શકુંતલાબેન ચૌધરી, પારડી તાલુકા પંચાયત પ્રમુખ કિન્નરીબેન પટેલ, નાનાપોંઢા તાલુકા પંચાયત પ્રમુખ મનિષાબેન પટેલ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન મણીલાલ ગાંવિત, જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાન, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન શિક્ષણના પ્રવાહમાં પરત ફરેલા વિદ્યાર્થીઓની સફળતાને બિરદાવવામાં આવી હતી. સાથે જ આવા વિદ્યાર્થીઓને ફરી શાળામાં લાવવા માટે સતત સંપર્ક, માર્ગદર્શન અને પ્રોત્સાહન આપનાર શિક્ષકો, વાલીઓ, સરપંચો અને શિક્ષણ વિભાગના કર્મચારીઓનું સન્માન કરી તેમની કામગીરીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી. વસાવાએ કર્યું હતું. આભારવિધિ જિલ્લા શિક્ષણાધિકારી ડો. રાજેશ્રી એલ. ટંડેલે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક તારેશ સોનીએ કર્યું હતું.

સમરસ વિદ્યા સેતુ અભિયાનના આ કાર્યક્રમ દ્વારા એક મહત્વપૂર્ણ સંદેશ પણ આપવામાં આવ્યો હતો કે, બાળક કોઈપણ કારણસર શિક્ષણથી દૂર થાય ત્યારે તેને ફરીથી શાળાના પ્રવાહમાં લાવવાની જવાબદારી માત્ર શિક્ષણ વિભાગની નથી, પરંતુ પરિવાર, શાળા અને સમગ્ર સમાજની છે. વલસાડ જિલ્લામાં ચાલુ વર્ષે ૬૦૬૦ વિદ્યાર્થીઓનો પુનઃ પ્રવેશ આ સામૂહિક પ્રયાસોની સફળતાનું ઉદાહરણ બની રહ્યો છે. આગામી સમયમાં પણ એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે આવા પ્રયાસોને વધુ વેગ આપવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *