News

પૂર અને આપત્તિમાં જાનની પરવા કર્યા વિના કામગીરી કરનાર પોલીસ જવાનોનું સન્માન !

15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી દરમિયાન વલસાડ જિલ્લા પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને પૂર તથા આપત્તિના સમયે કરેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રશંસનીય કામગીરીનું પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અતિભારે વરસાદ અને પૂર દરમિયાન પોલીસ જવાનોએ પોતાની સલામતીની પરવા કર્યા વિના અનેક લોકોના જીવ બચાવ્યા હતા.

નાનાપોઢા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. કાતરીયા તથા પો.કો. રાકેશભાઈ ભગુભાઈએ ભારે વરસાદમાં પુરના પાણીમાં ફસાયેલી ખાનગી ટ્રાવેલ્સ બસમાંથી 39 જેટલા વ્યક્તિઓને અસાધારણ હિંમત, કૌશલ્ય અને સૂઝબૂઝથી રેસ્ક્યૂ કરી સલામત સ્થળે પહોંચાડ્યા હતા.

ડુંગરા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. બી.એન. ગોહિલે કોલક ખાડીમાં પુરના પ્રચંડ પ્રવાહ વચ્ચે પાણીના સંપ ઉપર ફસાયેલા આલોક કંપનીના કર્મચારી મકસૂદન યાદવને કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરાવી સલામત રીતે બચાવવામાં મહત્વની કામગીરી કરી હતી.

વલસાડ પેરોલ ફર્લો સ્કવોડના પો.કો. પંકજ રૂપાભાઈ દેગામાએ ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે સતત ત્રણ મહિના કામગીરી કરી છેતરપિંડી, લૂંટ અને ગેરકાયદેસર હથિયારના ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

સરીગામ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. મયુરભાઈ લક્ષ્મણભાઈ તથા પો.કો. ભારતસિંહ જાદવભાઈએ ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઘરેથી ગુમ થયેલા 9 વર્ષીય બાળકને ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યો હતો.

ભીલાડ પોલીસ સ્ટેશનના હે.કો. કાશીરામ મગનભાઈએ પૂર દરમિયાન ઝાડ પર ફસાયેલા ટેન્કર ચાલકને દોરડાની મદદથી બચાવ્યો હતો. જ્યારે ઉમરગામ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. રાકેશભાઈ મહાદેવભાઈ માંગેલા તથા પો.કો. હિરાભાઈ લક્ષુભાઈએ ભાઠી કરમબેલી-કાયપાડા વિસ્તારમાં પૂર વચ્ચે ફસાયેલા પશુધનને સલામત સ્થળે ખસેડવામાં કામગીરી કરી હતી. પોલીસ કર્મચારીઓની આ માનવતાપૂર્ણ અને સાહસિક કામગીરીને બિરદાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *