News

નાનાપોંઢામાં કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે તિરંગો ફરકાવી ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી !

વલસાડ જિલ્લાના નવરચિત નાનાપોંઢા તાલુકાના ડેપો મેદાન ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રગીતની ગુંજ વચ્ચે ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશભક્તિના માહોલમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી.

આ પ્રસંગે મંત્રીએ સ્વાતંત્ર્ય સંગ્રામના શહીદો અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપનાર મહાનુભાવોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ગુજરાત અને દેશવાસીઓને ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ‘વિકસિત ભારત @2047’ના સંકલ્પને સાકાર કરવા સૌના સહિયારા પ્રયાસો જરૂરી હોવાનું જણાવ્યું હતું. ગુજરાત સરકારના વિકાસલક્ષી કાર્યો, જનકલ્યાણકારી યોજનાઓ, શિક્ષણ, આરોગ્ય, કૃષિ, રોજગાર, પાણી સંચય અને આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ અંગે પણ તેમણે વાત કરી હતી.

ખાસ કરીને આદિજાતિ વિસ્તારોના વિકાસ માટે માર્ગ, સિંચાઈ, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે હાથ ધરાયેલા વિવિધ કાર્યોનો ઉલ્લેખ કરતાં તેમણે અંતરિયાળ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશભક્તિના ગીતો અને વિવિધ પ્રસ્તુતિઓએ સમગ્ર વાતાવરણને રાષ્ટ્રભક્તિના રંગે રંગી દીધું હતું. જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી,અધિકારીઓ, પદાધિકારીઓ, આગેવાનો, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

નાનાપોંઢા જેવા નવરચિત તાલુકામાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થવી સમગ્ર વિસ્તાર માટે ગૌરવની બાબત બની હતી. કાર્યક્રમના અંતે ‘જય હિંદ’ અને ‘જય જય ગરવી ગુજરાત’ના નારા સાથે રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *