નાનાપોંઢા: દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ સેવાકીય અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે કપરાડા તાલુકાના નાનાપોંઢા સ્થિત સ્વામિનારાયણ મંદિરે ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, નાગરિકો, કાર્યકર્તાઓ તથા વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રસંગે કપરાડાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી, મામલતદાર શ્રી સંજયભાઈ ટેલર, તાલુકા વિકાસ અધિકારી શ્રી પ્રિતેશભાઈ બારીયા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી મનીષાબેન પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.

સ્વામિનારાયણ મંદિર પરિસરમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન હજારો દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. દીવડાઓના પ્રકાશથી મંદિર પરિસર અને આસપાસનો વિસ્તાર ઝગમગી ઉઠ્યો હતો. ઉપસ્થિત સૌએ સામૂહિક રીતે ભવ્ય આરતીમાં ભાગ લીધો હતો. ધાર્મિક વાતાવરણ વચ્ચે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ, ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખમય જીવન માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન ગ્રામજનો અને કાર્યકર્તાઓમાં પણ વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. સૌએ દીવડાઓ પ્રગટાવીને પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસની ઉજવણીમાં સહભાગી બની શુભેચ્છાઓ પાઠવી હતી. ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ સેવા, સંકલ્પ અને શુભકામનાના ભાવ સાથે યોજાયો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને નાગરિકોએ પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ દેશના વિકાસ, પ્રગતિ અને જનકલ્યાણ માટે સતત કાર્યરત રહેવાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.
નાનાપોંઢા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ધાર્મિક આસ્થા સાથે સામૂહિક ભાગીદારીનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. હજારો દીવડાઓના પ્રકાશ વચ્ચે યોજાયેલી ભવ્ય આરતીએ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.
#AshirwadKaDiya
#SevaSankalpAbhiyan
