
ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ક્ષેત્રે શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓના પ્રદર્શન અંગે SDG ઈન્ડેક્સ રિપોર્ટ તથા PARAKH રાષ્ટ્રીય સર્વેક્ષણમાં ચિંતાજનક બાબતો સામે આવી છે. એક તરફ શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, ત્યારે બીજી તરફ શિક્ષકોને વિવિધ ઓનલાઇન પોર્ટલ અને વહીવટી કામગીરીમાં સતત વ્યસ્ત રાખવામાં આવતા હોવાનો મુદ્દો સામે આવ્યો છે.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વડાપ્રધાન સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે રાજ્યના શિક્ષકોનો મોટો સમય શિક્ષણ સિવાયની ઓનલાઇન ડેટા એન્ટ્રી અને વહીવટી કામગીરીમાં પસાર થાય છે. મહાસંઘના જણાવ્યા મુજબ શાળાઓમાં શિક્ષકો પાસે GSEB બોર્ડ પોર્ટલ, Digital Gujarat, UDISE+, SwiftChat/ VSK, Namo Lakshmi, Namo Saraswati, DIKSHA સહિત 18થી વધુ પોર્ટલ પર ઓનલાઇન કામગીરી કરાવવામાં આવે છે.
135 દિવસ જેટલો માનવસમય ડેટા એન્ટ્રીમાં
મહાસંઘની રજૂઆત મુજબ ચાર વર્ગવાળી શાળામાં આચાર્ય સહિત છ શિક્ષકો હોય ત્યારે એક શિક્ષક વર્ષમાં ઓછામાં ઓછા 200 દિવસ ઓનલાઇન કામગીરીમાં વ્યસ્ત રહે છે. પરિણામે શિક્ષક શાળામાં હાજર હોવા છતાં વર્ગખંડને પૂરતો ન્યાય આપી શકતો નથી. વિવિધ સર્વેક્ષણો અને ખેલ મહાકુંભ જેવી કામગીરી માટે પણ શિક્ષકોને ઓનલાઈન રજિસ્ટ્રેશન સહિતની કામગીરી સોંપવામાં આવે છે.
શાળાઓમાં લાંબા સમયથી ખાલી પડેલી ક્લાર્કની જગ્યાઓ ભરવામાં આવે અને વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ મહેકમ વધારવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. એક જ વિગત જુદા-જુદા પોર્ટલ પર ભરાવવાની પદ્ધતિ બંધ કરી એકીકૃત ડેટા વ્યવસ્થા અમલમાં મૂકવાની રજૂઆત કરવામાં આવી છે.
ઈન્ટર્નશિપનો ઉપયોગ એન્ટ્રી કામગીરીમાં ન થાય
મહાસંઘે સૂચવ્યું છે કે શાળાઓમાં લાંબા સમયથી ખાલી પડેલી ક્લાર્કની જગ્યાઓના બદલે ઇન્ટર્નશિપના વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવામાં આવે અને વિદ્યાર્થી સંખ્યા મુજબ મહેકમ વધારવામાં આવે. નવી કોઈ ડિજિટલ કામગીરી શરૂ કરતા પહેલાં શિક્ષકોના સમય પર તેની પડતી અસરનું મૂલ્યાંકન થવું જોઈએ.
માહિતી માંગવા માટે પૂરતો સમય અને Annual Data Calendar નક્કી કરવામાં આવે તેમજ NEP-2020 મુજબ કોલેજના વિદ્યાર્થીઓની ઇન્ટર્નશિપનો ઉપયોગ ડેટા એન્ટ્રીની કામગીરીમાં કરવામાં આવે તેવી પણ માંગ છે.
240 વિદ્યાર્થીઓની શાળામાં પણ મોટો સમય વહીવટી કામમાં
મહાસંઘના જણાવ્યા મુજબ 240 વિદ્યાર્થીઓ ધરાવતી સરેરાશ શાળામાં વર્ષ દરમિયાન અંદાજે 240 દિવસ શાળા ચાલતી હોય છે. જો શિક્ષકોનો મોટો હિસ્સો વહીવટી અને ઓનલાઇન કામગીરીમાં ખર્ચાય તો શિક્ષણકાર્ય માટે ઉપલબ્ધ સમય પર સીધી અસર પડે છે.
મહાસંઘે જણાવ્યું છે કે ડિજિટલાઈઝેશનનો વિરોધ નથી, પરંતુ શિક્ષણનું મુખ્ય માપદંડ વર્ગખંડમાં અપાતું ગુણવત્તાયુક્ત શિક્ષણ છે. માત્ર પોર્ટલ પર ડેટા ભરવાથી શિક્ષણની ગુણવત્તા સુધારી શકાતી નથી.
શિક્ષકોને બિન-શૈક્ષણિક કામગીરીમાંથી રાહત આપી તેમનો મહત્તમ સમય વિદ્યાર્થીઓના શિક્ષણ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે ફાળવાય તેવી માંગ ઉઠી છે. સરકાર દ્વારા આ મુદ્દે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આગામી 31 ઓક્ટોબર અને 1 નવેમ્બરે મળનારી પ્રદેશ કારોબારીની બેઠકમાં આંદોલનાત્મક કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવશે તેમ મહાસંઘે જણાવ્યું છે.
