News

વડાપ્રધાનના જન્મદિવસે વલસાડ જિલ્લાને નવા માહિતી ભવનની ભેટ રૂ. 2.11 કરોડના ખર્ચે નિર્માણ પામેલા જિલ્લા માહિતી ભવનનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ !

વડાપ્રધાનના જન્મદિવસે વલસાડ જિલ્લાને નવા માહિતી ભવનની ભેટ

રૂ. 2.11 કરોડના ખર્ચે નિર્માણ પામેલા જિલ્લા માહિતી ભવનનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ

“માહિતી ખાતું સરકાર અને પ્રજા વચ્ચે સેતુરૂપ કાર્ય કરે છે” : નાણામંત્રી કનુભાઈ દેસાઈ

9વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વલસાડ જિલ્લાને નવા જિલ્લા માહિતી ભવનની ભેટ મળી છે. વલસાડ જિલ્લા મથક ખાતે રૂ. 2 કરોડ 11 લાખના ખર્ચે નિર્માણ પામેલા નવા જિલ્લા માહિતી ભવનનું રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવા માહિતી ભવનમાં આધુનિક કચેરી વ્યવસ્થાની સાથે પત્રકારો માટે અલાયદો રૂમ, પ્રદર્શની અને કોન્ફરન્સ હોલ સહિતની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

Advertisement

લોકાર્પણ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, સમગ્ર ભારતવર્ષ માટે આજનો દિવસ ઐતિહાસિક છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આજે જન્મદિવસ છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તા. 7 ઓક્ટોબર 2001ના રોજ રાજ્યની શાસનધૂરા સંભાળી હતી અને તા. 7 ઓક્ટોબર 2026ના રોજ શાસકીય ક્ષેત્રે 25 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ પ્રસંગે તા. 17 સપ્ટેમ્બરથી તા. 17 ઓક્ટોબર સુધી સેવા, સમર્પણ અને સુશાસન સાથે સંકળાયેલા વિવિધ સેવા કાર્યોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી વિવિધ યોજનાઓ, વિકાસ કાર્યો અને સરકારી કાર્યક્રમોની સાચી અને વિશ્વસનીય માહિતી જનતા સુધી પહોંચાડવામાં માહિતી ખાતાની મહત્વપૂર્ણ ભૂમિકા છે. “માહિતી ખાતું સરકાર અને પ્રજા વચ્ચે સેતુરૂપ કાર્ય કરે છે.” સરકારની કામગીરી અંગેની માહિતી યોગ્ય સમયે અને યોગ્ય રીતે લોકો સુધી પહોંચે તે માટે જિલ્લા માહિતી કચેરી મહત્વનું માધ્યમ છે.

કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લામાં માહિતી ખાતા માટે સુંદર અને સુવિધાસભર કચેરીનું મકાન બને તેવી લાંબા સમયથી માંગણી હતી. આજે નવા માહિતી ભવનના લોકાર્પણ સાથે આ માંગણી પૂર્ણ થઈ છે. નવા મકાનથી જિલ્લા માહિતી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓને વધુ સારી રીતે કામગીરી કરવા માટે યોગ્ય વાતાવરણ મળશે. સરકારના વિકાસ કાર્યોની ઝડપી અને સાચી માહિતી જનતા સુધી પહોંચાડવામાં જિલ્લા માહિતી કચેરી સફળ રહેશે તેવી ખાતરી પણ તેમણે વ્યક્ત કરી હતી.

નાણામંત્રીએ માહિતી ભવનના નિર્માણમાં સહયોગ આપનાર તમામ સંબંધિત વિભાગો, અધિકારીઓ અને કર્મચારીઓ સાથે જિલ્લાના પત્રકાર મિત્રોને પણ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે, સરકારના વિકાસ કાર્યો અને જનકલ્યાણલક્ષી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવામાં મીડિયાની પણ મહત્વપૂર્ણ ભૂમિકા છે.

જિલ્લા પંચાયત પ્રમુખે પાઠવી શુભેચ્છા

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન જે. પટેલે જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક ઉમેશ બાવીસા તથા સમગ્ર ટીમને નવા માહિતી ભવન બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે, સરકારના વિકાસ કાર્યો અને વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે માહિતી વિભાગ સતત કામગીરી કરી રહ્યો છે. નવા મકાનથી આ કામગીરીને વધુ વેગ મળશે અને જિલ્લાની જનતાને સરકારની વિવિધ યોજનાઓ અંગે સમયસર માહિતી મળી રહેશે તેવી શુભેચ્છા તેમણે પાઠવી હતી.

“માહિતી ખાતું અને સરકાર એક સિક્કાની બે બાજુ”

વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલે જણાવ્યું હતું કે, માહિતી ખાતું અને સરકાર એક સિક્કાની બે બાજુ સમાન છે. સરકાર દ્વારા કરવામાં આવતા વિકાસ કાર્યો અને વિવિધ યોજનાઓ અંગેની માહિતી લોકો સુધી પહોંચાડવામાં માહિતી ખાતું સરકાર અને પ્રજા વચ્ચે સેતુરૂપ કામગીરી બજાવે છે.

તેમણે જણાવ્યું કે, નવા માહિતી ભવનથી વલસાડ જિલ્લામાં સરકારના પ્રચાર-પ્રસારની કામગીરી વધુ સુવ્યવસ્થિત અને અસરકારક રીતે થઈ શકશે. ખાસ કરીને દેશની ચોથી જાગીર ગણાતા મીડિયા કર્મીઓ માટે નવા માહિતી ભવનમાં અલાયદો રૂમ ફાળવવામાં આવ્યો છે, જેના કારણે પત્રકારોને પણ સુગમતા રહેશે. જિલ્લા મથક ખાતે પત્રકારોને જરૂરી સરકારી માહિતી અને વિકાસલક્ષી વિગતો મેળવવા માટે એક સુવિધાસભર સ્થળ ઉપલબ્ધ થશે.

અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા મહાનુભાવોનું સ્વાગત

નવા માહિતી ભવનના લોકાર્પણ પ્રસંગે માહિતી વિભાગની સુરત પ્રાદેશિક કચેરીના સંયુક્ત માહિતી નિયામક એ.બી. મછાર, નાયબ કાર્યપાલક ઇજનેર સુનિલ મહેતા સહિત જિલ્લા માહિતી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા માહિતી કચેરીના સ્ટાફ દ્વારા નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

લોકાર્પણ બાદ મહાનુભાવોએ નવા માહિતી ભવનની વિવિધ સુવિધાઓની મુલાકાત લઈ કચેરીના અલગ અલગ વિભાગોની કામગીરી અંગે જાણકારી મેળવી હતી. નવા મકાનમાં આધુનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કચેરીની રચના કરવામાં આવી છે.

આ પ્રસંગે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાન, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા, જિલ્લા પ્રદેશ સંગઠનના મંત્રી સોનલબેન સોલંકી, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા સહિત જિલ્લાના મીડિયા કર્મીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


બોક્સ : નવા માહિતી ભવનમાં આધુનિક સુવિધાઓનો સમાવેશ

વલસાડ જિલ્લા મથક ખાતે રૂ. 2.11 કરોડના ખર્ચે નિર્માણ થયેલા નવા માહિતી ભવનમાં ત્રણ માળમાં વિવિધ સુવિધાઓ અને કચેરીઓની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગની સુવિધા ઉપરાંત પત્રકારો માટે અલાયદો રૂમ બનાવવામાં આવ્યો છે. જેના કારણે મીડિયા કર્મીઓને સરકારી માહિતી, પ્રેસનોટ તથા અન્ય જરૂરી વિગતો મેળવવા માટે અનુકૂળતા રહેશે.

ફર્સ્ટ ફ્લોર પર નાયબ માહિતી નિયામકની ચેમ્બર, સિનિયર સબ એડિટરની ચેમ્બર, ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ, એડમિન અને એકાઉન્ટ બ્રાંચ, ઈન્ફોર્મેશન આસિસ્ટન્ટ તથા સ્ટાફ ચેમ્બરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત લિટરેચર રૂમ, રેકર્ડ રૂમ, રજિસ્ટ્રી અને માહિતી કેન્દ્રની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

સેકન્ડ ફ્લોર પર નાયબ કાર્યપાલક ઇજનેરની ચેમ્બર, ઈલેક્ટ્રોનિક મીડિયા અને ટેકનિકલ બ્રાંચ માટે હોલ, એક્ઝિબિશન અને કોન્ફરન્સ હોલ સાથે લાઇબ્રેરી, સ્ટોરરૂમ તેમજ વધારાના બે રૂમની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ સમગ્ર વ્યવસ્થાથી જિલ્લા માહિતી કચેરીની વહીવટી કામગીરીને વધુ સુવ્યવસ્થિત બનાવવા ઉપરાંત સરકારી માહિતીના પ્રચાર-પ્રસાર માટે જરૂરી માળખાકીય સુવિધા ઉપલબ્ધ થઈ છે.


બોક્સ : પત્રકારો માટે અલાયદો રૂમ, પ્રદર્શની માટે પણ વ્યવસ્થા

નવા માહિતી ભવનમાં પત્રકારો માટે ખાસ અલાયદો રૂમ ફાળવવામાં આવ્યો છે. જિલ્લા મથક ખાતે વિવિધ સરકારી યોજનાઓ, વિકાસ કાર્યો અને લોકકલ્યાણલક્ષી પ્રવૃત્તિઓ અંગેની માહિતી મેળવવા આવતા મીડિયા કર્મીઓને આ વ્યવસ્થાનો લાભ મળશે.

માહિતી ભવનમાં એક્ઝિબિશન હોલની પણ વ્યવસ્થા કરવામાં આવી હોવાથી સરકારના વિવિધ વિકાસ કાર્યો, યોજનાઓ અને મહત્વપૂર્ણ માહિતી આધારિત પ્રદર્શનીનું આયોજન કરી શકાશે. મુલાકાતીઓ પણ આ પ્રદર્શની નિહાળી શકશે.

નવા મકાનથી માહિતી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને એક જ સ્થળે જરૂરી માળખાકીય અને વહીવટી સુવિધાઓ ઉપલબ્ધ થશે. પરિણામે માહિતી સંકલન, સંપાદન, પ્રચાર-પ્રસાર, ઈલેક્ટ્રોનિક મીડિયા તેમજ ટેકનિકલ કામગીરી વધુ સુગમતાથી થઈ શકશે.

વલસાડ જિલ્લા મથક ખાતે નવા માહિતી ભવનનું નિર્માણ માત્ર નવી કચેરીની સુવિધા પૂરતું સીમિત ન રહેતા સરકાર અને જનતા વચ્ચે માહિતીના પ્રવાહને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં ઉપયોગી બનશે. સરકારની યોજનાઓ અને વિકાસલક્ષી કામગીરીની સાચી માહિતી સમયસર લોકો સુધી પહોંચે અને જનતા સુધી સરકારી સેવાઓ અંગે જાગૃતિ વધે તે દિશામાં આ નવા માહિતી ભવનને મહત્વપૂર્ણ સુવિધા તરીકે જોવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *