News

નાનાપોઢામાં કરોડોના ખર્ચ છતાં ખેડૂતોને નિયમિત વીજળી ક્યારે મળશે?

66 કેવીનાં પાંચ સબસ્ટેશન કાર્યરત હોવા છતાં ત્રણ વર્ષથી અનિયમિત વીજ પુરવઠાની ખેડૂતોની ફરિયાદ

વલસાડ જિલ્લાના નાનાપોઢા તાલુકામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ. (DGVCL)ના કાર્યક્ષેત્ર હેઠળ ખેડૂતો છેલ્લા ત્રણ વર્ષથી અનિયમિત વીજ પુરવઠાની સમસ્યાનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ખેતીના પાકને સિંચાઈ માટે સમયસર વીજળી ન મળવાથી ખેડૂતોને પાકમાં નુકસાન વેઠવું પડતું હોવાનો આક્ષેપ છે. વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ ન આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Advertisement

નાનાપોઢા વિસ્તારમાં હાલમાં 66 કેવીનાં પાંચ સબસ્ટેશન કાર્યરત હોવા છતાં ખેડૂતોને નિયમિત વીજ પુરવઠો કેમ મળતો નથી તે અંગે સવાલો ઉઠ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ અનેક HT ફીડરોનું અંતર પણ ટૂંકું છે. તેમ છતાં કેટલીક જગ્યાએ પાવર હાઉસથી માત્ર 200થી 500 મીટરના અંતરે આવેલા ખેડૂતોને પણ નિયમિત વીજળી મળતી નથી. જેથી સમગ્ર વીજ વિતરણ વ્યવસ્થાની ટેકનિકલ તપાસ કરવાની માંગ ઉઠી છે.

કરોડોના ખર્ચે HT કેબલ નાખ્યા છતાં સમસ્યા યથાવત્

ખેડૂતોને નિયમિત વીજ પુરવઠો મળી રહે તે માટે સરકાર દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન ખાનગી કંપનીઓ મારફતે કરોડો રૂપિયાના ખર્ચે HT લાઇન અને કેબલ નાખવાના કામો કરવામાં આવ્યા હોવાનું ખેડૂતોનું કહેવું છે. જોકે, આટલો ખર્ચ થયા બાદ પણ વીજ પુરવઠાની સમસ્યા યથાવત્ રહેતા કેબલના કામની ગુણવત્તા અને કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ તાજેતરમાં કરવામાં આવેલા કેટલાક કેબલના કામોમાં પણ ક્ષતિઓ જોવા મળી રહી છે. જેથી સંબંધિત વિભાગ દ્વારા સ્થળ તપાસ કરી કામોની ગુણવત્તા અને ટેકનિકલ ધોરણોની ચકાસણી કરવામાં આવે તેવી માંગ છે.

કાયમી ડેપ્યુટી ઇજનેરની નિમણૂકની માંગ

નાનાપોઢા વિસ્તારમાં વીજ વ્યવસ્થાના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે કાયમી ડેપ્યુટી ઇજનેરની નિમણૂક કેમ કરવામાં આવતી નથી? તેવો સવાલ ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે અધિકારીઓની વારંવાર બદલી અથવા ચાર્જની વ્યવસ્થાને કારણે સ્થાનિક વીજ સમસ્યાઓનું સતત નિરીક્ષણ અને નિરાકરણ થતું નથી.

છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતો કુદરતી આફતો સહિત અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સિંચાઈ માટે જરૂરી વીજળી પણ અનિયમિત રહેતા ખેતીનો ખર્ચ અને પાકના નુકસાનનું જોખમ વધે છે.

ખેડૂતોની માંગ છે કે નાનાપોઢા તાલુકાની સમગ્ર વીજ વ્યવસ્થાની ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે, પાંચેય 66 કેવી સબસ્ટેશન અને ફીડરની કામગીરીની ચકાસણી થાય, નવા નાખવામાં આવેલા HT કેબલના કામનું ગુણવત્તા પરીક્ષણ કરવામાં આવે તથા કાયમી ડેપ્યુટી ઇજનેરની નિમણૂક કરવામાં આવે.

નિયમિત વીજ પુરવઠો નહીં મળે તો ખેડૂતો આંદોલન કરશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે. હવે DGVCL દ્વારા ખેડૂતોની સમસ્યાનું કાયમી નિરાકરણ ક્યારે લાવવામાં આવે છે તે જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *