કલેક્ટર, ડીડીઓ અને એસપી સહિત અધિકારીઓ-કર્મચારીઓએ બે કલાક શ્રમદાન કર્યું; જાહેર માર્ગો પરથી જૂનો સામાન અને ભંગાર વાહનો હટાવી રસ્તા ખુલ્લા કરાયાAdvertisement

નાનાપોંઢામાં ધારાસભ્ય સહિત અધિકારીઓ-કર્મચારીઓ જોડાયા
નાનાપોંઢા તાલુકામાં પણ સ્વચ્છતા અભિયાનને વેગ આપવામાં આવ્યો હતો. ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, તાલુકા પ્રમુખ સહિતના આગેવાનો, અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ શ્રમદાન કર્યું હતું. જાહેર સ્થળો અને માર્ગોની સફાઈ સાથે લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
નાનાપોંઢા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક સ્તરે લોકો પણ સફાઈ અભિયાનમાં જોડાય અને પોતાના ગામ તથા આસપાસના વિસ્તારોને સ્વચ્છ રાખે તે માટે અપીલ કરવામાં આવી હતી.

સ્વચ્છ અને સુંદર વલસાડના સંકલ્પ સાથે વલસાડ જિલ્લામાં રવિવારે વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાનના વડપણ હેઠળ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયેલા આ સન્ડે સ્વચ્છતા ડ્રાઇવમાં જિલ્લાના 190થી વધુ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ વિવિધ સ્થળોએ સફાઈ માટે મેદાનમાં ઉતર્યા હતા. સવારે 8થી 10 વાગ્યા સુધી બે કલાક ચાલેલા આ અભિયાન દરમિયાન મુખ્ય માર્ગો, જાહેર સ્થળો, બજાર વિસ્તાર, ગાર્બેજ વલ્નરેબલ પોઇન્ટ સહિતના વિસ્તારોમાં સફાઈ કરવામાં આવી હતી.

રવિવારે તા. 4 ઓક્ટોબરના રોજ હાથ ધરાયેલા આ અભિયાનમાં માત્ર કચરો દૂર કરવાનો જ નહીં પરંતુ જાહેર માર્ગો ઉપર લાંબા સમયથી પડેલા જૂના સામાન, ભંગાર અને બિનઉપયોગી વાહનોના કારણે થયેલા દબાણો દૂર કરીને રસ્તાઓ ખુલ્લા કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિવિધ વિભાગોની ટીમોએ પોતાના ફાળવાયેલા વિસ્તારોમાં શ્રમદાન કરી સ્વચ્છતા અંગે લોકોને જાગૃત કર્યા હતા.

દર માસના પ્રથમ રવિવારે સ્વચ્છતા અભિયાન
વલસાડ જિલ્લાને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે જિલ્લા તંત્ર દ્વારા દર માસના પ્રથમ રવિવારે વિશેષ સ્વચ્છતા અભિયાન યોજવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ સ્વૈચ્છિક રીતે જોડાઈને પોતાના કાર્યક્ષેત્ર ઉપરાંત જાહેર સ્થળોએ પણ સફાઈ કરે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતના સંકલ્પને અનુરૂપ સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. તેના ભાગરૂપે વલસાડ જિલ્લામાં પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ સરકારી વિભાગોની ટીમોને વિવિધ સ્થળોની જવાબદારી સોંપવામાં આવી હતી.

કલેક્ટર-ડીડીઓ-એસપી સહિત અધિકારીઓએ જાતે સફાઈ કરી
સફાઈ અભિયાન દરમિયાન જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાન અને તેમની ટીમે લીલાપોરથી છીપવાડ રોડ સુધીના વિસ્તારમાં સફાઈ કામગીરી કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત અને તેમની ટીમે લીલાપોર સર્કલથી ઔરંગા નદીના પુલ સુધીના માર્ગ પર સફાઈ કરી હતી. જ્યારે જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા અને પોલીસ વિભાગની ટીમે બસ સ્ટેશનથી આરપીએફ ગ્રાઉન્ડ સુધીના વિસ્તારમાં સ્વચ્છતા કામગીરી હાથ ધરી હતી.
અધિકારીઓ અને કર્મચારીઓએ જાતે શ્રમદાન કરીને જાહેર સ્થળોની સફાઈ કરી હતી. રસ્તાની બાજુમાં લાંબા સમયથી પડેલો સામાન, કચરો અને ભંગાર દૂર કરવામાં આવ્યો હતો. જ્યાં જાહેર માર્ગો ઉપર જૂના વાહનો કે અન્ય સામાનના કારણે દબાણ થયું હતું ત્યાં પણ કાર્યવાહી કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.

પાન-માવાના ગલ્લાઓ પર પણ કડક સૂચના
સ્વચ્છતા અભિયાન દરમિયાન પાન-માવા અને ગુટખાનું સેવન કરતા લોકોને પણ જાહેર સ્થળે કચરો નહીં ફેંકવા માટે સમજ આપવામાં આવી હતી. ખાસ કરીને માવા-ગુટખાની પડીકીઓ, પાનના પેકેટ અને અન્ય કચરો રસ્તા પર ફેંકવાને બદલે કચરાપેટીમાં જ નાખવા માટે સૂચના આપવામાં આવી હતી.
તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે જાહેર સ્થળે કચરો ફેંકવાની પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવશે તો નિયમ મુજબ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. સફાઈ માત્ર એક દિવસના અભિયાન પૂરતી સીમિત ન રહે અને લોકોમાં કાયમી સ્વચ્છતાની ટેવ વિકસે તે માટે પણ જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

દુકાનદારો અને લારી-ગલ્લાવાળાઓને પણ સૂચના
સફાઈ કામગીરી દરમિયાન દુકાનદારો, વેપારીઓ તેમજ લારી-ગલ્લાવાળાઓને પણ પોતાના વ્યવસાયની આસપાસ ગંદકી ન ફેલાવવા માટે સૂચના આપવામાં આવી હતી. દુકાન અને લારીની આસપાસ ઉત્પન્ન થતો કચરો રસ્તા કે જાહેર સ્થળે ન નાખી કચરાપેટીમાં જ નાખવા જણાવાયું હતું.
તંત્ર દ્વારા વેપારીઓને સમજાવવામાં આવ્યું હતું કે જાહેર માર્ગ અને ફૂટપાથની આસપાસ ગંદકી ફેલાવવાથી માત્ર શહેરની સુંદરતા જ ખરડાતી નથી પરંતુ રાહદારીઓ અને વાહનચાલકોને પણ મુશ્કેલી પડે છે. તેથી પોતાના વિસ્તારની સ્વચ્છતા જાળવવામાં વેપારીઓએ પણ જવાબદારી નિભાવવી જરૂરી છે.

વલસાડ શહેર ઉપરાંત તાલુકા વિસ્તારોમાં પણ સફાઈ
આ અભિયાન માત્ર વલસાડ શહેર પૂરતું મર્યાદિત રહ્યું નહોતું. વલસાડ શહેર ઉપરાંત ઉમરગામ, પારડી અને ધરમપુર નગરપાલિકા વિસ્તારો તેમજ નાનાપોંઢા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિવિધ સરકારી વિભાગોની ટીમોએ સ્વચ્છતા કામગીરી હાથ ધરી હતી.
શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગંદકી ધરાવતા સ્થળો, મુખ્ય માર્ગો, જાહેર સ્થળો, બજાર વિસ્તારો તથા અન્ય સંવેદનશીલ સ્થળોને અભિયાનમાં આવરી લેવામાં આવ્યા હતા. જ્યાં વારંવાર કચરો એકઠો થતો હોય તેવા ગાર્બેજ વલ્નેરેબલ પોઇન્ટની પણ સફાઈ કરવામાં આવી હતી.

તંત્ર સક્રિય, હવે લોકોની સ્વયંશિસ્ત જરૂરી
સ્વચ્છ વલસાડના સંકલ્પને સાકાર કરવા માટે સરકારી તંત્ર દ્વારા સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ શહેર અને ગામડાંને કાયમી રીતે સ્વચ્છ રાખવા માટે નાગરિકોની ભાગીદારી પણ એટલી જ મહત્વની છે. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે વારંવાર સફાઈ કરવા કરતાં લોકો કચરો જ જાહેર સ્થળે ન નાખે તે વધુ અસરકારક છે.
લોકો રસ્તા, નાળા, ખુલ્લી જગ્યાઓ કે અન્ય જાહેર સ્થળોએ કચરો ફેંકવાને બદલે કચરાપેટીનો ઉપયોગ કરે, વેપારીઓ પોતાની દુકાન આસપાસ સ્વચ્છતા જાળવે અને દરેક નાગરિક પોતાના વિસ્તારને સ્વચ્છ રાખવાની જવાબદારી સ્વીકારે તો સ્વચ્છતાનું અભિયાન વધુ અસરકારક બની શકે છે.

જિલ્લા તંત્ર દ્વારા લોકોને સ્વયંશિસ્ત જાળવીને કચરો ગમે ત્યાં ન ફેંકવા અને કચરાપેટીનો જ ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી. સ્વચ્છતા માત્ર સરકારી વિભાગોની જવાબદારી નહીં પરંતુ સમગ્ર સમાજની સહિયારી જવાબદારી છે તેવો સંદેશ રવિવારના આ મહાઅભિયાન દ્વારા આપવામાં આવ્યો હતો.















