દારૂના નશામાં ઝઘડા બાદ ઊંઘતી પત્નીના પેટ અને માથાના ભાગે લાકડાના ફટકા માર્યાનો આક્ષેપ
હત્યા બાદ મૃતકના કપડાં બદલી ચાદર ઓઢાડી પુરાવા નાશ કરવાનો પ્રયાસ કર્યાની ફરિયાદ
કપરાડા તાલુકાના કરજુન ગામના પારસપાડા ફળિયામાં પત્નીની હત્યાના ચકચારી બનાવમાં પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે. સરવરટાટી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ લક્ષ્મણભાઈ વાઘમાર્યા સામે પત્ની આનંદીબેનની હત્યા કર્યાનો આરોપ છે.

ફરિયાદ મુજબ, સુરેશભાઈ અને તેમની પત્ની આનંદીબેન સુરેશભાઈ વાઘમાર્યા (ઉં.વ. 48) બંનેને દારૂ પીવાની ટેવ હતી. તા. 12 જૂનની રાત્રે આનંદીબેન ઘરેથી નીકળી ગયા હતા અને તા. 13 જૂનની વહેલી સવારે આશરે પાંચ વાગ્યે ઘરે પરત આવ્યા હતા. તે સમયે તેઓ દારૂના નશામાં હોવાના આક્ષેપ સાથે પતિએ ગુસ્સામાં આવી બે-ત્રણ થપ્પડ મારી હતી.
ત્યારબાદ આનંદીબેન ઘરના રૂમમાં જમીન પર સૂઈ ગયા હતા. ફરિયાદ મુજબ, સુરેશભાઈ ઘરની પાછળ લાકડાં મૂકવાની જગ્યાએથી લાકડું લઈ આવ્યા હતા અને ઊંઘતી પત્નીના પેટના કુંખના ભાગે તેમજ માથાના જમણા ભાગે લાકડાના ફટકા માર્યા હતા. ગંભીર ઈજાઓના કારણે આનંદીબેનનું મોત થયું હોવાનો આક્ષેપ છે.
ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, હત્યા બાદ મૃતકના લોહીવાળા કપડાં ઉતારી અન્ય કપડાં પહેરાવવામાં આવ્યા હતા અને ચાદર ઓઢાડી દેવામાં આવી હતી. આ રીતે પુરાવા નાશ કરવાનો પ્રયાસ કરાયો હોવાનો પણ આરોપ છે.
આ અંગે મૃતકના પુત્ર પ્રવિણભાઈ સુરેશભાઈ લક્ષ્મણભાઈ વાઘમાર્યા દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી સુરેશભાઈને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે અને તપાસ બાદ બનાવ અંગેની વધુ હકીકતો બહાર આવશે.
