
ACBની સફળ ટ્રેપ:મોપેડમાંથી 2 બિયરના ટીન સાથે ઝડપાયેલા ચાલક સામે કેસ ન કરવા બદલ રૂ. 1 લાખની લાંચ માગનાર મરીન પોલીસનો HC ઝડપાયો
વલસાડ જિલ્લાની મરીન પોલીસના HCએ વાહન ચેકિંગ દરમિયાન એક મોપેડમાંથી 2 બિયરના ટીન સાથે મોપેડ ચાલકને ઝડપી પાડ્યો હતો. તેના ઉપર FIR ન કરવા, મોબાઈલ અને મોપેડ જમા ન કરવા તેમજ માર ન મારવા માટે લાંચ પેટે રૂ.1 લાખની માંગણી કરી હતી. જે બાદ આરોપી સાથે રકઝક કરતા રૂ. 70 હજારમાં નક્કી કરવામાં આવ્યું હતું. જે પૈકી રૂ. 50 હજાર મરીન પોલીસના લાંચિયા HCએ લઈ લીધા હતા. ત્યારબાદ બાકી રહેલા 20 હજારની માંગણી ચાલુ રાખી હતી. જે રૂપિયા ન મળતા છેવટે HCએ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં વધુ લાંચ આપવા ન માંગતા આરોપીના પરિવારે વલસાડ ACBની ટીમનો સંપર્ક કરી મરીન પોલીસ મથકના HC વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે વલસાડ ACBની ટીમે ટાટાવાળી જતા રોડ ઉપર મરીન પોલીસ મથકના HCને લાંચની રકમ સ્વીકારતા ઝડપી પાડ્યો હતો.
વલસાડ મરીન પોલીસની ટીમ પોલીસ મથક વિસ્તારમાં પ્રોહીબિશનની પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા વાહન ચેકીંગ કરી રહી હતી. જે દરમ્યાન મરીન પોલીસની ટીમે દમણથી કનાડુ આવતા રોડ ઉપર પાલીગામ પાસે મરીન પોલીસ મથકના HC નૈનેશ મણીયાભાઇ હળપતિએ એક મોપેડ અટકાવી મોપેડમાંથી 2 બિયરના ટીન ઝડપી પાડયા હતા. જે બાદ મોપેડ ચાલકને માર ન મારવા, મોપેડ અને મોબાઈલ કેસમાં જમા ન કરવા તેમજ FIR ન કરવા માટે રૂ. 1 લાખની માંગણી કરી હતી. છેવટે રૂ. 70 હજારમાં કામ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
દારૂના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીના ભાઈ પાસેથી નૈનેશ મણીયાભાઇ હળપતિએ રૂ. 50 હજાર રોકડા લઈ લીધા હતા. ત્યારબાદ બાકી રહેલા 20 હજારની કડક ઉઘરાણી કરતો હતો. નૈનેશ મણીયાભાઇ હળપતિને બાકી રહેલા 20 હજાર ન મળતા મરીન પોલીસ મથકે મોપેડ ચાલક વિરુદ્ધ FIR નોંધાવી હતી. મોપેડ ચલાકનો ભાઈ નૈનેશ મણીયાભાઇ હળપતિને લાંચ આપવા માંગતો ન હોવાથી વલસાડ ACBમાં મરીન પોલીસ મથકના લાંચિયા HC નૈનેશ મણીયાભાઇ હળપતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં પોલીસે તાત્કાલિક લાંચનું છટકું ગોઠવ્યું હતું.
આ દરમ્યાન નૈનેશ મણીયાભાઇ હળપતિ ACBના છટકામાં લાંચ સ્વીકારતા ઝડપાઇ ગયો હતો. ACBની ટીમે ઓળખ આપતા આરોપી નૈનેશ મણીયાભાઇ હળપતિ બાજુમાં આવેલી જંગલ ઝાડીઓમાં ભાગી ગયો હતો. વલસાડ ACBની ટીમે આરોપીને ઝડપી આગળની તપાસ હાથ ધરી છે.






