
અમદાવાદ શહેરમાં સોલા પોલીસ તોડકાંડમાં આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઇ હતી. આ સુઓમોટોની સુનાવણીમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે સુનાવણી કરી હતી અને ગુજરાત હાઇકોર્ટને ફટકાર લગાવી હતી.
મુખ્ય ન્યાયાધીશએ કહ્યું,
આ વાસ્તવિકતા છે.અમદાવાદ શહેરમાં મોડી રાત્રે મુસાફરી કરી રહેલાબદંપતી પાસેથી ટ્રાકિક કોન્સ્ટેબલોએ કથિત રીતે પૈસા પડાવ્યા હોવાની ઘટનાના અહેવાલના આધારે કોર્ટ સુઓ મોટો જાહેર હિતની અરજી (પીઆઈએલ) પર
સુનાવણી કરી રહી હતી. “શું તમે એવી અપેક્ષા રાખો છો કે એક સામાન્ય નાગરિક તમારી ઑફિસની સામે ઊભો રહે? તેને ફરિયાદ ઓફિસમાં પ્રવેશવાની મંજૂરી કોણ આપશે? તમારા ડીએમ (ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ) અને કમિશનર ભગવાનની જેમ, રાજાની જેમ વર્તે છે. અમને કશું પણ કહેવા માટે ઉશ્કેરશો નહીં, આ જમીની વાસ્તવિકતાઓ છે. અગાઉ કોર્ટે અમદાવાદ પોલીસ કમિશનરને આદેશ આપ્યો હતો કે, ભૂલ કરનાર પોલીસ કર્મચારીઓ કે અધિકારીઓ સામે નાગરિકો ફરિયાદ નોંધાવી શકે તે માટે હેલ્પલાઇન નંબર અને ફરિયાદ રૂમ ઊભો કરવામાં આવે.
તોડકાંડ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટ સમક્ષ સોગંદનામું રજૂ કર્યું હતું. સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે સરકારી અને પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ માટે 1064 નંબર જાહેર કરાયો છે, જે કમ્પ્લેન સેલને મળશે. જાહેર સ્થળો પર હોર્ડિંગ્સ, નોટિસ બોર્ડ અને બેનર પર ફરિયાદ નંબર દર્શાવવા નિર્દેશ અપાયા છે.
જો કે ગુજરાત સરકારના આ સોગંદનામા પર ગુજરાત હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યાં હતા અને કહ્યું હતું કે સરકારનું સોગંદનામુ કન્ફ્યુઝનવાળુ છે. હાઇકોર્ટે કહ્યું કે પોલીસ મદદ કે ફરિયાદ માટે આ નહીં પણ પોલીસ સામે ફરિયાદ માટે આ નંબર પર કોલ કરો એવુ લખો.
હાઇકોર્ટે કહ્યું કે 1064 નંબર એ ભ્રષ્ટાચાર સામે ફરિયાદ નોંધાવવા માટેનો નંબર છે, પણ પોલીસ સામે ફરિયાદ નોંધાવવા માટે છે એ કોઈને ખ્યાલ નથી. પોલીસ સામે ફરિયાદ નોંધાવવા કોઈ એક અલગ ડેડીકેટેડ નંબર હોવો જોઈએ.
સરકારે કહ્યું કે ભ્રષ્ટાચાર રોકવા પોલીસ નહીં પણ તમામ સરકારી અધિકારીઓ સામે કાર્યવાહી કરવા પગલા લઈ રહ્યાં છીએ.
હાઇકોર્ટે કહ્યું કે ઓટો રિક્ષા અને ટેક્સી માટે 1064 નંબર નથી લખાયો.
કોર્ટ મિત્રએ કહ્યું કે 1064 એ કમ્પલેન લાઈન હોવાથી ફરિયાદ ACBમાં જશે, સુપ્રીમકોર્ટના જજમેન્ટ મુજબ રાજ્યમાં 2 કમ્પ્લેન કમિટી હોવી જોઈએ. 1064 નંબર સાથે કમ્પલેન કમિટીને લિંક કરી શકાય છે.
હાઇકોર્ટે સરકારને ફટકાર લગાવતા કહ્યું કે કલેક્ટર અને પોલીસ કમિશ્નરની ઓફિસમાં જવુ એ સામાન્ય લોકો માટે સ્વપ્ન સમાન છે. સામાન્ય લોકો સરકારી ઓફિસની બહાર પણ ઉભા રહી શકતા નથી એવામાં એ લોકોને અંદર પ્રવેશ કેવી રીતે મળશે, તમારા પોલીસ કમિશ્નર અને કલેક્ટર ભગવાન હોય એ રીતે વર્તી રહ્યાં છે, અમને વધુ બોલવા માટે મજબૂર ન કરશો.
ચીફ જસ્ટિસે કહ્યું કે લોકોને ફરિયાદ માટે કેમ જવું, ક્યાં જવુ અને કોને મળવું એ વાત સ્પષ્ટ કરો. એક વાત સ્પષ્ટ છે કે તમારે કોર્ટના નિર્દેશો લાગુ કરવા પડશે.






