
ગયાં અંકમાં આપણે જોયું કે સુરેખાની બેદરકારીને કારણે સાર્થક અત્યંત ગંભીર રીતે બીમાર થઈ ગયો, અને શ્રીદેવી પાસે જવાની હટ લઈ ને બેઠો, એટલે સુરેખાએ ના છૂટકે શ્રીદેવીને બંગલોમાં આવવા દેવી પડી. શ્રીદેવીની સૂઝબુજને કારણે સાર્થકની તબિયત સુધારા પર આવી ગઈ, અને તેણે સુરેખા ને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે, હજી પણ હું ધારું તો સાર્થકની કસ્ટડી માટે કેસ કરી શકું એમ છું, અને તને આ બંગલોમાંથી પણ બહાર કાઢી શકું એમ છું, માટે મારી સાથે એકદમ વિવેકથી વર્તન કરજે.આ ઉપરાંત શ્રીદેવી શ્રીકાંતના બિઝનેસ વિશે જોઈ રહી હતી ત્યાં દર મહિને શ્રીકાંત કોઈને 50,000 જેવી મોટી રકમ મોકલતા હતાં. તો શું હશે એનું રહસ્ય એ જાણવા શ્રીદેવી હવે શું કરશે ડિટેક્ટર સુધીર દત્તને વાત કરશે, કે પછી આ પ્રકરણને એમનેમ જ બંધ કરી દેશે. કારણ કે શ્રીકાંત માટે તેના દિલમાં ભારોભાર માન સન્માન હતું, જો કોઈ એવી વાત નીકળે તો શ્રીકાંત એની નજરમાંથી ઉતરી જાય એમ હતાં, માટે શ્રીદેવીએ બહુ વિચારી વિચારીને આગળના પગલાં ભરવાં પડે તેમ હતાં, પણ શ્રીકાંતનું મર્ડર કોઈ શું કામ કરે? શું કોઈ સાથે એની જૂની અદાવત હતી, કે પછી માત્ર રૂપિયા માટે તેનો કાંટો કાઢી નાખવામાં આવ્યો હતો? એ જાણવા માટે વાંચો આગળ….
સુધીર દત્તના કહેવા મુજબ સુરેખા અને સિદ્ધાર્થ તો આ કાવતરાના પ્યાદા હતા.મેન સૂત્રધાર કોણ છે, એ પણ હજી સ્પષ્ટ રીતે દેખાતું નહોતું. પણ 25 એક વર્ષની સ્ત્રીમાં કોઈ માટે આટલી બધી નફરત અને રૂપિયાનું આટલું આકર્ષણ આ બંને વસ્તુ આશ્ચર્ય પમાડતી હતી. અને ઉપરથી સાર્થક પ્રત્યેનું તેનું વલણ પણ વિચિત્ર હતું! એટલે શું ખરેખર સાર્થક તેનો પુત્ર નહોતો? એ પણ આ નાટકનો હિસ્સો હોવાથી એને ક્યાંકથી લઈ આવ્યાં હતાં? કે આખરે વાત શું છે! શું શ્રીકાંત બધું જાણતા હતાં, અને કદાચ એની મરજીથી જ સુરેખા બંગલોમાં આ બાળકને લાવી હતી! તો શું ડોક્ટર પાસે પ્રેગ્નેન્સીનું પણ નાટક હતું? વગેરે કેટ કેટલા રહસ્યો ભરેલા દેખાતા હતાં, અને શ્રીદેવી પાસે એનો કોઈ ઉત્તર નહોતો. અંતે એણે નક્કી કર્યું કે મારે જો સત્ય ને જાણવું હોય, તો એને પચાવવાની હિંમત પણ કેળવવી પડશે! અને સત્ય સુધી પહોંચવા માટે મારે સુધીર દત્તનો સહારો લેવો જ પડશે. નહીં તો આ રહસ્ય આમ જ રહેશે, અને ક્યાં સુધી એમ 50000 રૂપિયા જે તે વ્યક્તિને હું આપીશ! શ્રીકાંત આપતાં હતાં કારણ કે એ કારણ જાણતા હતાં અને કદાચ એની આ વ્યક્તિ સાથે કોઈ કૂણી લાગણી પણ જોડાયેલી હોય! પરંતુ મારા મનમાં એની માટે એવો કોઈ જ ભાવ નથી, તો પછી મારે શું કામ રૂપિયા આપવા અથવા તો રૂપિયા જાય તે જોતા રહેવું? એણે પાક્કે પાયે નક્કી કરી લીધું કે હવે તો આ પાર કે પેલે પાર! પરંતુ સુધીર દત્ત સાથે આ બધી જ વાતની ચર્ચા કરી સત્ય સુધી પહોંચવાનું છે, અને એને ખાસ તાકીદ કરવાની છે, કે શ્રીકાંતના કેરેક્ટરમાં કોઈ એવી વાત મળે તો, એ સમાજમાં ક્યાંય ચર્ચિત ન થાય! એની તકેદારી પણ આપણે લેવાની છે. પૂર્ણપણે સાઉન્ડ પ્રુફ પ્લાન બનાવી, અને છેક સુધી જવું પડશે. જેમ સુરેખા આ બંગલોમાં પ્રવેશી, એમ જ આપણે પણ બદનામ ગલી સુધી જવાનું છે,અને છતાં કોઈ ને ખબર પડવા દેવાની નથી. સુધીર દત્ત સાથે આટલી બધી વાતો ફોનમાં કરવો યોગ્ય ન હોવાથી એણે તેને કોફી શોપમાં મળવાનો મેસેજ કરી દીધો. સુરેખા રોજ પાંચ થી નવ સુધી લગભગ બહાર રહેતી હતી, એ સમય દરમિયાન એક કલાક તો એને મળી જ જાય એમ હતું. આ બધામાંથી પરવારી એટલે એને વળી પાછી સાર્થક ની યાદ આવી એને થયું કે હવે સાર્થક ને કેમ હશે?એ સૂઈ ગયો હશે !એને કંઈ ખાધું હશે કે નહીં! ત્યાં સર્વન્ટ સાથે સાર્થક આઉટ હાઉસમાં આવ્યો, અને સર્વન્ટ એ કહ્યું દીદી છોટી મહેસાબને બોલા હૈ કે બાબા અબ થોડી દેર ઇધર હી રહેંગે!: શ્રીદેવી એ વ્હાલથી સાર્થક ને ઉચકી લીધો અને ગળે લગાડી લીધો! સાર્થકે કહ્યું મોટી મમ્મી તમે કેમ ચાલ્યા આવ્યાં ?મને ત્યાં આગળ ગમતું નથી, હવે હું પણ તમારી સાથે અહીં જ રહીશ. શ્રીદેવીએ એને સમજાવ્યું કે ના ના હું બીમાર છું એટલે તો અહીં રહેવા આવી છું, સાજી થઈ જાઉં એટલે મારી મેળે જ પાછી ત્યાં રહેવા આવી જઈશ, આખો આખો દિવસ તું મારી સાથે રહીશ, તો તું પણ બીમાર પડી જઈશ! સમજ્યો એમ કરી તે એને લઈ કિચનમાં ગઈ અને તેની માટે ચોકલેટ વાળું દૂધ બનાવી એને પીવડાવ્યું, પછી તેને લઈને ડ્રોઈંગ રૂમમાં આવી અને સાર્થકે કહ્યું કે, મોટી મમ્મી મને એક વાર્તા સાંભળવી છે, કેટલાય દિવસથી મને કોઈએ સ્ટોરી કરી જ નથી! શ્રીદેવી વિચારતી હતી કે આ વાત હું વાર્તાના રૂપમાં સાર્થક ને કરું !પણ પછી થયું કે ના એનો નાજુક હૃદય આવો આઘાત સહન ન કરી શકે, અને કેટલાય પ્રશ્નો એનાથી ઊભા થાય એનું નાનકડું મગજ આ બધા પ્રશ્નોના જવાબ મેળવવામાં અટવાઈ જાય, એની કરતાં સાર્થક માટે તો સસલા કાચબાની, કે પછી હંસ કાગડાની, સિંહ શિયાળ કે ઉંદર કબૂતરની અને બહુ બહુ તો રાજા રાણીની વાર્તા બરાબર છે. શ્રીદેવીએ ઉંદર કબુતરની વાર્તામાં થોડો ફેરફાર કરીને, એ વાર્તા સાર્થક ને કરી. સાર્થક ને હજી પણ એટલી બધી નબળાઈ હતી કે, એ વાર્તા સાંભળતા સાંભળતા જ શ્રીદેવીના ખોળામાં માથું રાખીને સુઈ ગયો. શ્રીદેવી એના માથામાં હાથ ફેરવતી હતી, અને વિચારતી હતી કે બાળકો કેટલા માસુમ અને નિર્દોષ હોય છે! મોટા થયા પછી જ એના મનમાં રાગ દ્વેષ કે નફરત અને દુશ્મની વગેરેના ભાવ ઉત્પન્ન થતાં હોય છે. અચાનક એને ખ્યાલ આવ્યો કે, સાર્થક સૂઈ ગયો એટલે હવે શું કરવું! કારણ કે સાર્થક ને એમ આઉટ હાઉસમાં એકલો મૂકીને સુધીર દત્ત ને મળવા નહીં જવાય! અને જો સર્વન્ટ ને બોલાવી ને સાર્થક ને ત્યાં મોકલી આપું તો સુરેખા ને વહેમ આવે! જોકે નથી સુરેખા, હવે લાગે છે સાર્થકની મા પણ નથી! પણ એમ ઘરમાં બંધ કરીને તો જવાશે નહીં! તેમજ સાથે પણ લઈ જવાશે નહીં!! તો શું કરવું! શું કરવું! એને થયું કે હમણાં તો આમ પણ જવાનું નથી, સુરેખા ઉર્ફે સ્વીટી જાય પછી જ જવાનું છે! અને એ જાય પછી મેં એને ત્યાં મોકલી દીધો કે નહીં એ ક્યાં એને ખબર પડવાની છે? અને હું તો તરત પાછી આવતી રહીશ! શ્રીકાંત નાં ગયા પછી એકસાથે એટલી બધી ઘટના ઘટી ગઈ કે, હવે તેને એકાંતમાં થોડો ડર લાગતો હતો,અને સુધીરનો સાથ તો એને આમ પણ પસંદ હતો.
સાર્થક ને સૂવાડતા સૂવાડતા શ્રીદેવીને પણ ઝોકું આવી ગયું,અને મર્સિડીઝ નું હોર્ન ન વાગ્યું હોત તો એ કદાચ હજી જાગી પણ નહોત! ગઈકાલે સાર્થક માટે આખી રાતનો ઉજાગરો થયો હતો, એટલે આવું થવું સ્વાભાવિક છે. એને થયું કે આ સુરેખા રોજ ક્યાં જતી હશે! ઓફિસમાં! કે પછી બીજે! એની પણ તપાસ કરાવવી પડશે,ન જાણે એક પછી એક એમ જુદાં જુદાં વિચારોનાં ફિતુર નીકળે જ જાય છે, પણ એની એક એક ચાલ પર નજર ન રાખીએ તો કંઈ પગેરું મળે નહીં. એણે ધીરેકથી સાર્થક નું માથું ઓશીકા પર ગોઠવ્યું, અને પોતે વોશરૂમ માં આવી. એસી ન હોવાથી ગરમી થઈ ગઈ હતી, એટલે મોઢું ધોયું અને અરીસામાં જોયું. પહેલાં તો આમ જ જવાં વિચાર્યું પણ પછી થયું કે ના, સુધીર શું વિચારશે! શ્રીકાંતનાં જતાં તો એની દુનિયા ઉજડી ગઈ હતી, અને એને કંઈ ગમતું જ નહોતું! જમવાનું પણ ભાવતું નહોતું, ત્યાં શાજ શણગાર તો ક્યાંથી ગમે! પણ સુધીરને જ્યારથી મળી ત્યારથી હવે તેને થોડું થોડું તૈયાર થવું ગમતું હતું. એણે સી ગ્રીન કલરની સાડી પહેરી, અને વાળનો ચોટલો વાળવા જતી હતી, ત્યાં જ સુધીરના પહેલી મુલાકાત વખતનાં શબ્દો યાદ આવ્યાં, યે કાલી કાલી ઘટાયે, ઔર યે કાતિલ નજર! દોનોં હી કયામત કર દેતી હૈ,ઔર મુજ નાચિઝ મેં ભી શાયર સી નજાકત ભર દેતી હૈ!! અને એ ત્યારે જેમ મુક્ત મને હસી પડી હતી,એમ જ હસી પડી! એણે સર્વન્ટ ને બોલાવી સાર્થક ને બંગલોમાં મોકલી દીધો, અને એ જાગી ન જાય એનું ધ્યાન રાખવા કહ્યું, તેમજ ઉઠે ત્યારે શું આપવું એની જરુરી સુચના પણ આપી.
શ્રીદેવીએ પર્સ લીધું અને આઉટ હાઉસ લોક કરી તે બહાર નીકળી,પણ જે કોન્ફિડન્સથી તેણે બહાર પગ મૂક્યો હતો એ કોન્ફિડન્સ અચાનક એક વિચારે ખળભળી ગયો. એણે આમ તો સાવ સાદી સાડી પહેરી હતી પરંતુ વાળ ખુલ્લાં મુક્યાં હતાં, અને તન અને મનની સુંદરતાને કારણે એટલો નિખાર હતો કે જાણે ફેશન કરી હોય એવું લાગતું હતું. એને થયું કે લોકો શું વિચારશે!! અને તે વિચારતી જ હતી કે હું વાળ બાંધી લઉં, સાડી છેડો કવર કરી લઉં, ગોગલ્સ કાઢી નાખું! ત્યાં જ બંગલો ના ગેટ પર ઉભેલો સિક્યુરિટી ગાર્ડ એક મિનિટ મેમસાબ!! એમ કરીને પાસે આવ્યો, અને એણે શ્રીદેવીને એક કાળો બુરખો આપ્યો, અને કહ્યું મેમસાબ યે પહેન લો!: શ્રીદેવી ને પણ એટલું જ જોઈતું હતું.તેણે બુરખો પહેરી લીધો અને તે ગેટની બહાર નીકળી. એણે ઓટો રીક્ષા કરી,અને ઓટોમાં બેઠા પછી, એને વિચાર આવ્યો કે સિક્યુરિટી ગાર્ડ પાસે બુરખો ક્યાંથી આવ્યો! અને એણે મને જ શું કામ આપ્યો? આ બધા વિચારોમાં કોફી શોપ આવી ગઈ, અને તે નીચે ઉતરી પોતાના બુક કરેલા ટેબલ પાસે પહોંચી. સુધીર દત્ત ત્યાં આગળ પહેલેથી જ મોજુદ હતાં, અને તેણે એક સુંદર લાલ ગુલાબ આપી શ્રીદેવીનું અભિનંદન કર્યું! શ્રીદેવી પોતાની ચેર પર બેઠી, ગુલાબ માટે થેન્ક્યુ કહ્યું, અને ઠંડુ પાણી પીધું. પોતાની વાતની રજૂઆત કરવા જતી જ હતી ત્યાં જ, સુધીર એ કહ્યું કે સાર્થક સુરેખાનું બાળક નથી, તેમ જ સુરેખા એ માત્ર રૂપિયા માટે શ્રીપાલ સાથે લગ્ન કર્યા નથી. કોઈ અદાવત ને કારણે તે આ બંગલોમાં આવી છે. શ્રીદેવી સુધીર દત્ત સામે આશ્ચર્યથી જોઈ રહી? અને તેણે કહ્યું કે હજી તો મેં કંઈ કહ્યું જ નથી, ત્યાં મારા પ્રશ્નોના જવાબ!! એવું કઈ રીતે? સુધીર હસવા લાગ્યો અને તેને કહ્યું કે તારી નજરમાં ભલે હું કંઈ નથી. પરંતુ હું પેશા થી એટલે કે વ્યવસાયથી એક ડિટેક્ટિવ છું, અને મારે બધી જ બાજુએ નજર દોડાવી પડે, તો જ કંઈક હાથ લાગે! બદનામ ગલીમાં મારા બાતમીદારે મને એક ચોંકાવનારા સમાચાર આપ્યા છે, અને એ સમાચાર મુજબ શ્રીકાંત દર મહિને એને ₹50,000 આપતો હતો, અને આ વાત સાચી પણ છે, મેં ઓફિસમાં તપાસ પણ કરાવી લીધી છે. પછી હજી વધુ ઊંડી ખબર મેળવવા માટે એ બદનામ ગલીની જ રહેવાસી એવી એક સલમા નામની યુવતીને ફોડી લીધી છે, જે મને બધી જ બાતમી આપે છે! શ્રીદેવીનું આશ્ચાર્ય હજી શમ્યુ ન્હોતું, ત્યાં એણે એક એવી સચ્ચાઈ એની સામે રાખી કે, જે સાંભળવી કદાચ શ્રીદેવી માટે વધુ આઘાતજનક હતું. શ્રીકાંત માટે તો એ હજી પણ કંઈક ન ઈચ્છવા છતાં વિચારી શકે કે જુવાન હતો, અને ક્યાંક પગ લપસી ગયો હોય, પરંતુ આ વાત તો એના ગળે ઉતરે એમ જ નહોતી! પણ સુધીર દત્ત એ બધી જ વાત એવિડન્સ સાથે રજૂ કરી હતી એટલે માનવું પણ પડે એવું હતું.
એવું તો સુધીર દત્ત એ શું કહ્યું, કે શ્રીદેવી આટલી બધી ચોકી ગઈ? અને સુરેખા રોજ સાંજે 5 થી 9 /10 સુધી ક્યાં જાય છે? સાર્થક એનો પુત્ર નથી તો કોનો પુત્ર છે? અને રૂપિયા 50,000 જેવી મોટી રકમ શ્રીકાંત શું કામ બદનામ ગલીમાં કોઈને મોકલતો હતો? અને સૌથી વધુ આશ્ચર્યજનક તો બંગલો ના સિક્યોરિટી ગાર્ડ એ કેમ બુરખો આપ્યો! અને એમ એની પાસે બુરખો રાખવા નું કારણ! ઉપરથી જે જે શંકા હતી,અને સુધીર દત્ત સાથે મોકળા મને વાત કરવા આવી હતી,એ બધી વાત તો એણે જ કહી દીધી!: આશ્ચર્ય પર આશ્ચર્ય! શ્રીદેવી ને તો થાય જ! પણ હવે તો હું ય મુંઝાઈ છું,કે ક્યાં અને કેવો વણાંક આવશે! પણ કંઈ નહીં! સુધીર દત્ત આજે પણ શ્રીદેવીને ખૂબ ચાહે છે, એટલે એ એકોએક વિશે તપાસ કરશે જ, અને એને જરુરથી ન્યાય મળશે! આ બધાં જ સવાલોના જવાબ જાણવા માટે હજી થોડું થોભો! વધુ આવતા અંકે!…
લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)






