
માની લો કે તમને રસોડામાં કામ કરતાં કરતાં ડ્રોઇંગ રૂમમાં મૂકેલા ટીવીમાં, યુટ્યૂબમાં ગીતો સાંભળવાનો શોખ છે. આ કામ સ્માર્ટફોનમાં પણ થઈ શકે, પણ ડ્રોઇંગ રૂમમાંના ટીવીનો સાઉન્ડ જોરદાર છે. અથવા, બની શકે કે ટીવી સાથે હોમ થિયેટર કે સાઉન્ડ બાર પણ કનેક્ટેડ હોય!
બીજી શક્યતા એવી કે તમે સિનિયર સિટિઝન છો. સંતાનો ઘરમાં સ્માર્ટ ટીવી લાવ્યાં છે કે જિઓ, એરટેલ વગેરેના કનેક્શનથી, સેટટોપ બોક્સથી સાદા ટીવીને સ્માર્ટ ટીવી બનાવી દેવામાં આવ્યું છે. ટીવીના મોટા સ્ક્રીન પર યુટ્યૂબના વીડિયો જોવાની મજા જુદી જ છે, પણ તમને ટીવી પર યુટ્યૂબ એપ ઓપન કરી, તેમાં જોઈતાં ગીતો કે વીડિયો સર્ચ કરવાનું ફાવતું નથી. વોઇસ સર્ચમાં પણ ધાર્યો પ્રતિસાદ મળતો નથી. છેવટે તમે એ ઝંઝટ પડતી મૂકી, સ્માર્ટફોનમાં જ યુટ્યૂબ એપ ઓપન કરી, તેમાં વીડિયો જોવાની જૂની ને જાણીતી, તમને ફાવી ગયેલી પદ્ધતિથી સંતોષ માની લો છો!
Ad..

તમારો અનુભવ આવો જ કંઈક હોય તો હવે એ જાણો કે આ બંને સ્થિતિમાં, તમે ઇચ્છો તો તમારા સ્માર્ટફોનમાં જ યુટ્યૂબ એપમાં વીડિયો પ્લે કરી, તેને ટીવી પર જોઈ-સાંભળી શકો છો!
આમ તો એ માટે કાસ્ટિંગ અને પેરિંગ જેવા જુદા જુદા રસ્તા છે. બંને સાધનને કેબલથી કનેક્ટ કરવાનો રસ્તો પણ છે, પણ સાવ સહેલો રસ્તો છે, એક ચોક્કસ કોડથી બંને સાધનને કનેક્ટ કરવાનો.
તમારું ટીવી અને સ્માર્ટફોન જુદાં જુદાં વાઇ-ફાઇ નેટવર્ક પર હોય તો પણ આ રસ્તો કામ કરી શકે છે. અહીં આ રસ્તાનાં સહેલાં સ્ટેપ્સ જાણી લો અને કરો ટ્રાય!
Ad..

તમારા સ્માર્ટફોનમાં…
યુટ્યૂબ એપ ઓપ કરી, નીચે જમણી તરફ ‘યૂ’ પર ક્લિક કરો. હવે જમણી તરફ ઉપર ગિયર આઇકન ક્લિક કરી, સેટિંગ્સમાં જાઓ અને તેમાં ‘વોચ ઓન ટીવી’ ક્લિક કરો.
લિંક વિથ ટીવી કોડ
આથી આપણા ફોન અને ટીવીને કનેક્ટ કરવાના જુદા જુદા રસ્તા દેખાશે. ટીવીમાં દેખાતા કોડથી લિંક કરવા માટે અહીં ‘લિંક વિથ ટીવી કોડ’ પર ક્લિક કરો.
એન્ટર ટીવી કોડ
આથી ટીવીમાંથી કોડ મેળવીને સ્માર્ટફોનમાં આ કોડ આપવા માટેનું પેજ જોવા મળશે. ટીવીમાંથી કોડ મેળવવાનાં સ્ટેપ્સ પણ અહીં જોવા મળશે.
ટીવીમાં યુટ્યૂબ એપમાં
હવે ટીવીમાં જાઓ અને તેમાં યુટ્યૂબ એપ ઓપન કરો. તેમાં ડાબી પેનલમાં સેટિંગ્સમાં જાઓ. તેમાં ‘લિંક વિથ ટીવી કોડ’ ક્લિક કરતાં આપણને જોઈતો કોડ મળશે.
ફોનમાં વીડિયો પ્લે કરો, ટીવી પર જુઓ
આ કોડ સ્માર્ટફોનમાં આપી, ‘લિંક’ પર ક્લિક કરતાં, ફોન-ટીવી કનેક્ટ થશે, તમે કાયમની જેમ ફોનમાં યુટ્યૂબ એપમાં કોઈ વીડિયો પ્લે કરશો તો તે ટીવીમાં દેખાશે!
ચાહો ત્યારે બંને સાધન ડિસ્કનેક્ટ કરો
તમે ઇચ્છો ત્યારે બંને સાધન એકમેકથી ડિસ્કનેક્ટ કરી શકો છો તેમ જ ઇચ્છો ત્યારે આ રીતે ફરી કનેક્ટ કરીને ફોનમાંથી ટીવી પર વીડિયો જોઈ શકો છો.










