
માત્ર આઠ દિવસ માટે અમેરિકી અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર અવકાશમાં આવેલા સ્પેસ સ્ટેશન માટે રવાના થયા હતા. પરંતુ બંને યાત્રીઓ સ્પેસમાં ફસાઈ ગયા છે. હવે તેઓને ધરતી પર લાવવા માટે નાસાના સ્પેસએક્સ ક્રૂ-9 મિશન લોંચ કરવા માટે પૂર્ણ તરફથી તૈયાર છે. અવકાશ યાનને ફ્લોરિડાના કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી આજે રાત્રી 10.47 વાગ્યે લોંચ કરાશે. આ મિશનની લાઈવ સ્ટ્રિમિંગ પણ કરાશે.
અગાઉ ક્રૂ-9 મિશન શરૂઆતમાં સપ્ટેમ્બર 26ના રોજ લોંચ માટે આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ફ્લોરિડાના ગલ્ફ કોસ્ટ પર હરિકેન હેલેન દ્વારા હવામાનની સ્થિતિ વધુ ખરાબ થઈ હતી. આ કારણોસર મિશન મોકૂફ રાખવામાં આવ્યું હતું. નાસાના નિક હેગ અને રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસના અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ સુનિતા અને વિલ્મોરને પાછા લાવવાના મિશન પર જવાના છે.
બંનેને પાંચ મહિનાના મિશન માટે ધરતીથી દૂર અવકાશમાં આવેલા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટચેશનમાં મોકલવામાં આવી રહ્યા છે. હેગ અને ગોર્બુનોવ આગામી ક્રૂ પરિભ્રમણ સાથે ફેબ્રુઆરી સુધી આઈએસએસ પર રહેશે. અવકાશયાત્રીઓ જેન્ના કાર્ડમેન અને સ્ટેફની વિલ્સન પણ શરૂઆતમાં ક્રૂ-9 મિશનનો ભાગ હતા, પરંતુ પરત ફરતા મુસાફરો માટે જગ્યાના અભાવે તેમને દૂર કરવામાં આવ્યા હતા.
સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને પરત લાવનારા અવકાશયાત્રીઓ કોણ છે
હવે જો આપણે સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને પાછા લાવનારા બે અવકાશયાત્રીઓ વિશે વાત કરીએ, તો હેગ ઘણો અનુભવ ધરાવતા નાસા અવકાશયાત્રી છે. વર્ષ 2019 માં, તેણે એક્સપિડિશન-59 મિશન હેઠળ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે તેની પ્રથમ ઉડાન પૂર્ણ કરી.
તેઓ યુએસ એરફોર્સમાં કર્નલ અને ફ્લાઇટ ટેસ્ટ એન્જિનિયર રહી ચૂક્યા છે. આટલું જ નહીં તેણે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં બે વખત સ્પેસવોક પણ કર્યું છે. તે જ સમયે, રશિયન અવકાશયાત્રી ગોર્બુનોવ પાસે અવકાશ ઉડાનનો 20 વર્ષથી વધુનો અનુભવ છે. તેમણે અંતરિક્ષમાં 360 દિવસથી વધુ સમય વિતાવ્યો છે, તમને જણાવી દઈએ કે અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બુચ વિલમોર બોઈંગના સ્ટારલાઈનરમાં અંતરિક્ષમાં ગયા હતા. તેઓ 14 જૂન, 2024ના રોજ પરત ફરવાના હતા, પરંતુ સ્ટારલાઈનરમાં ટેકનિકલ ખામીના કારણે બંને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાઈ ગયા હતા.






