
છેલ્લા કેટલાક સમયથી સનાતન ધર્મ અને 33 કરોડ દેવતાઓના અપમાનસભર નિવેદનો સામે સનાતન ધર્મના રક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે. આ ઘટનાને લઈને તારીખ 27 માર્ચ 2025, બપોરે 2:30 કલાકે પારડી સ્વાધ્યાય મંડળ ખાતે વલસાડ જિલ્લા અને પારડી તાલુકાના સનાતન ધર્મના સંતો અને ધર્મપ્રેમી ભાઈ-બહેનોની એક મહત્ત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બેઠકનું આયોજન સમસ્ત બ્રહ્મ સમાજ, પારડી તાલુકા દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં શ્રી શરદભાઈ વ્યાસ, શ્રી શિવજી મહારાજ, શ્રી પ્રફુલભાઈ શુક્લ સહિત વલસાડ જિલ્લાના પ્રખર કથાકારો ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં તાજેતરમાં કેટલાક સંપ્રદાયના સાધુઓ દ્વારા સનાતન ધર્મ, શિવજી, હનુમાનજી અને અન્ય દેવદેવીઓ અંગે કરવામાં આવેલી ટીકા અંગે ચર્ચા કરવામાં આવશે.
સનાતન ધર્મના રક્ષણ માટે આવેદનપત્ર
આ બેઠક પછી સનાતન ધર્મના આદર અને રક્ષણ માટે વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. સંચાલકોના મતે, હિન્દુ ધર્મ પ્રાચીન છે અને તેનો અપમાન કરવો સ્વીકાર્ય નથી. જો આ પ્રકારની ટીકાઓને અટકાવવામાં નહીં આવે તો ભવિષ્યમાં પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે.
આમંત્રણ:
આ મહત્વપૂર્ણ બેઠકમાં વલસાડ જિલ્લા તથા પારડી તાલુકાના સનાતન ધર્મપ્રેમી ભાઈ-બહેનો અને સંતો ઉપસ્થિત રહેવા માટે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા નમ્ર આમંત્રણ આપવામાં આવ્યું છે.
નિમંત્રક અને આયોજક:
મંગલભાઈ રાજપુરોહિત
બી.એન. જોષી, પારડી






